06 July, 2023 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતના બે મહિના દરમ્યાન મરી-મસાલાની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વિવિધ અવરોધોને દૂર કરીને, ભારતના મસાલા અને મસાલા ઉત્પાદનોની નિકાસમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં રૂપિયાની દૃષ્ટિએ ૪૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. એક અંદાજ મુજબ, એપ્રિલ-મે દરમ્યાન મસાલા અને મસાલા ઉત્પાદનોના શિપમેન્ટની કિંમત ૬,૭૦૨.૫૨ કરોડ રૂપિયા (૮૧૫૩.૯ લાખ ડૉલર) હતી જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૪૭૪૬.૮૫ કરોડ રૂપિયા (૬૧૮૬.૩ લાખ ડૉલર) હતી, જે ડૉલરના સંદર્ભમાં ૩૨ ટકાનો વધારો દર્શાવે છે.
મરચાં અને જીરાના સ્થાનિક ભાવમાં વધારો અને કેટલાક આયાત કરનારા દેશોમાં આર્થિક તણાવને કારણે માગમાં ઘટાડો થવા જેવા પડકારોનો સામનો કરવા છતાં ભારતીય મસાલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
દેશમાંથી અગાઉના નાણાકીય વર્ષમાં કુલ ચાર અબજ ડૉલરના મૂલ્યના મસાલા નિકાસ થયા હતા, જે આગલા વર્ષની તુલનાએ ૪.૭૪ ટકાનો વધારો બતાવે છે એમ સ્પાઇસિસ બોર્ડના સેક્રેટરી ડી સાથિયાને જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન મસાલાની નિકાસનું મૂલ્ય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ૩૦,૩૨૪.૩૨ કરોડ રૂપિયાની સામે ૩૧,૭૬૧.૩૮ કરોડ રૂપિયા છે. મૂલ્યની દૃષ્ટિએ મસાલાની નિકાસ બાસ્કેટમાં મુખ્ય ફાળો મરચાં (૩૩ ટકા), જીરું (૧૩ ટકા), મસાલા તેલ અને ઓલિયોરેસિન્સ (૧૩ ટકા), ફુદીનાનાં ઉત્પાદનો (૧૧ ટકા), હળદર (૫ ટકા), કરી પાઉડર (૪ ટકા), એલચી (નાની) (૩ ટકા) અને મરી (૨ ટકા); જે મળીને કુલ મસાલાની નિકાસ-કમાણીમાંથી ૮૦ ટકાથી વધુ ફાળો આપે છે.
મુખ્ય આયાતકારોમાં ચીન (૨૦ ટકા), અમેરિકા (૧૪ ટકા), બાંગ્લાદેશ (૭ ટકા), યુએઈ (૬ ટકા), થાઇલૅન્ડ (૫ ટકા), ઇન્ડોનેશિયા (૪ ટકા), મલેશિયા (૪ ટકા) હતા. યુકે (૩ ટકા), શ્રીલંકા (૩ ટકા), જર્મની (૨ ટકા), નેધરલૅન્ડ (૨ ટકા), નેપાળ (૨ ટકા) અને સાઉદી અરેબિયા (૨ ટકા) કરતાં વધુ યોગદાન આપે છે. મસાલાની નિકાસ-કમાણીનો ૭૦ ટકા હિસ્સો ટોચના ૧૦ દેશોમાંથી થાય છે.
મરચાં, જીરું, હળદર, વરિયાળી અને લસણ જેવા મસાલાની નિકાસમાં વધારો થવાને કારણે એપ્રિલ ૨૦૨૩ માટે નિકાસ પ્રદર્શનમાં પાછલા વર્ષની સરખામણીમાં મોટો વધારો જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં ૧.૪૩ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગયા વર્ષે ૧.૧૯ લાખ ટનની થઈ હતી, જ્યારે મે મહિનામાં ૩૭૨૬.૧૬ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે જે આગલા વર્ષે મે મહિનામાં ૨૩૪૧.૩૧ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી.
દેશમાંથી મરી-મસાલાની નિકાસમાં નોંધપાત્ર વધારાને કારણે બજારો પણ ઝડપથી ઊંચકાયાં છે. જીરુના ભાવ છેલ્લા એક વર્ષમાં ૧૭૫ ટકા જેવા વધી ગયા છે. હળદરના ભાવ પણ હાલ એક વર્ષની ટોચે છે. બીજી તરફ મરચાની બજારો પણ સારી છે. આમ નિકાસ-વેપારો સારા થયા હોવાથી બજારમાં મજબૂતાઈ ટકી રહી છે.