ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું

21 October, 2012 05:23 AM IST  | 

ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું



છેલ્લા ઘણા સમયથી શૅરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ ઘટી રહ્યું છે, પરંતુ એફઆઇઆઇનું ઇન્વેસ્ટમેન્ટ સતત વધી રહ્યું છે. એફઆઇઆઇના રોકાણમાં વધારો થવાથી અનેક કંપનીઓની ઇક્વિટીમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ વધ્યું છે. એફઆઇઆઇ બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે.

મુંબઈ શૅરબજારમાં લિસ્ટેડ ૧૦૦ અગ્રણી કંપનીઓમાંથી ૫૭ કંપનીઓમાંની ૪૨માં એફઆઇઆઇનું રોકાણ વધ્યું છે. જે ૧૦ કંપનીઓમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે એની વિગત જોઈએ.

જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કેઇર્ન ઇન્ડિયામાં એફઆઇઆઇનું રોકાણ સૌથી વધુ ૭.૬૭ ટકા વધ્યું છે. જૂન ૨૦૧૨ના અંતે એફઆઇઆઇનું કંપનીમાં રોકાણ ૮.૫૦ ટકા હતું એ સપ્ટેમ્બરના અંતે વધીને ૧૬.૧૭ ટકા થયું છે. ઍક્સિસ બૅન્કમાં એફઆઇઆઇનું ઇન્વેસ્ટમેન્ટ ૫.૫૨ ટકા વધીને ૩૨.૭૯ ટકા, યસ બૅન્કમાં ૪.૬૪ ટકા વધીને ૪૬.૩૯ ટકા, એચડીઆઇએલમાં ૪.૨૨ ટકા વધીને ૩૯.૮૨ ટકા અને યુનાઇટેડ ફૉસ્ફરસમાં ૨.૫૧ ટકા વધીને ૩૫.૬૭ ટકા થયું છે. આઇડીએફસીમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૨.૧૨ ટકા વધીને ૫૧.૧૯ ટકા, એચડીએફસીમાં ૧.૯૮ ટકા વધીને ૬૮.૭૨ ટકા, અમ્બુજા સિમેન્ટ્સમાં ૧.૬૪ ટકા વધીને ૨૭.૮૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૧.૫૫ ટકા વધીને ૩૬.૩૮ ટકા અને ઇન્ફોસિસમાં ૧.૫૩ ટકા વધીને ૩૯.૪૨ ટકા થયું છે.

ભારતી ઍરટેલમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ઘટ્યું

ટેલિકૉમ સેક્ટરની અગ્રણી કંપની ભારતી ઍરટેલની ઇક્વિટીમાં એફઆઇઆઇના હોલ્ડિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારોનું કંપનીની ઇક્વિટીમાં હોલ્ડિંગ છેલ્લાં સાત વર્ષના નીચા લેવલે પહોંચી ગયું છે. માર્ચ ૨૦૦૫માં કંપનીની ઇક્વિટીમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૨૪.૩૯ ટકા હતું એ સપ્ટેમ્બર ૨૦૧૨ના અંતે ઘટીને ૧૬.૪૪ ટકા થયું છે. ડિસેમ્બર ૨૦૧૧ના અંતે હોલ્ડિંગ ૧૭.૫૨ ટકા હતું.

કંપનીની નાણાકીય કામગીરી છેલ્લા ઘણા સમયથી પ્રોત્સાહક નથી રહી એને કારણે શૅરના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કંપનીના શૅરનો ભાવ કૅલેન્ડર વર્ષ ૨૦૧૨માં અત્યાર સુધીમાં ૨૩ ટકા ઘટ્યો છે, જ્યારે સેન્સેક્સમાં ૨૧ ટકાની વૃદ્ધિ થઈ છે.