MBA પસ્તીવાળો

05 October, 2014 05:07 AM IST  | 

MBA પસ્તીવાળો




સન્ડે-સ્પેશ્યલ - વૉટ ઍન આઇડિયા - શૈલેશ નાયક


એય પસ્તી-ભંગાર... આવી બૂમો સ્વાભાવિક રીતે સાંભળવા મળતાં જ ‘પસ્તીવાળો આવી ગયો’ એવું સાહજિકતાથી બોલી જવાય, પરંતુ આપણે જેને અમસ્તા જ જરા તોછડાઈથી ‘એ પસ્તીવાળાભાઈ’ કહીને બોલાવીએ છીએ તે પસ્તીવાળાનો બિઝનેસ હવે હાઈ પ્રોફાઇલ બની રહ્યો છે. પસ્તીના આ બિઝનેસનું ટર્નઓવર જાણશો તો કદાચ તમારાથી હેં! બોલાઈ જશે. બસો-પાંચસો નહીં પણ અંદાજે ૨૮ હજાર કરોડ રૂપિયાનો પસ્તીનો બિઝનેસ ભારતમાં ચાલી રહ્યો છે અને એમાં આપણા વડોદરાના MBA થયેલા એક ગુજરાતીએ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર પસ્તીના ધંધામાં ઝંપલાવ્યું છે અને છેલ્લાં ચારેક વર્ષથી આ ધંધામાં કાઠું કાઢ્યું છે.

મૂળ મોરબીના અને વડોદરામાં સ્થાયી થયેલા પરેશ તુલસીદાસ પારેખને આજે પોતાની જાતને પસ્તીવાલા તરીકે ઓળખાવવામાં જરાપણ શરમ નથી આવતી. બેલ્જિયમમાં બૉસ્ટન યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજમાંથી MBA થયેલા પરેશ પારેખે કોઈ મોટા બિઝનેસમાં નહીં પડતાં પસ્તી જેવા ધંધામાં કેવી રીતે ઝંપલાવ્યું એની કહાની પણ રસપ્રદ છે. બેલ્જિયમમાં તે અભ્યાસ કરતો હતો અને રેસ્ટોરાંમાં વેઇટર તરીકે કામ કરીને ખર્ચના પૈસા કમાઈ લેતો હતો. રાત્રે રેસ્ટોરાંમાંથી બેલ્જિયમમાં રહેતા અન્ય ઇન્ડિયન્સ, પાકિસ્તાની અને બંગલાદેશીઓની દુકાને તે જતો, ત્યાં બેસતો. આ દુકાનોમાંથી દુકાનદારો કચરો કાઢતા ત્યારે તે જોઈ રહેતો. એક વખત એક દુકાનના બેઝમેન્ટમાંથી કચરો કાઢવામાં પરેશ પારેખે એક વડીલની મદદ કરી ત્યારે પેલા કાકાએ તેને કહ્યું કે અહીં તો કચરો કાઢવાના પૈસા આપવા પડે છે. ત્યારે પરેશ પારેખને આશ્ચર્ય થયું કે કચરો કાઢવાના પૈસા આપવાના! મન વિચારે ચડી ગયું. કચરો ક્યાં જાય છે? કચરાનું શું કરે છે એ વિશે રિસર્ચ કર્યું અને રિસર્ચનાં જે પરિણામો આવ્યાં એના કારણે એક ગુજરાતી પસ્તીનો બિઝનેસમૅન બની ગયો.

‘મિડ-ડે’ને પોતાની સફરની શરૂઆત બયાન કરતાં પરેશ કહે છે, ‘પસ્તી કે જેને આપણે કચરો ગણીએ છીએ એને રીસાઇક્લિંગ કરવામાં આવે છે એ વિશેની જાણકારી મેળવ્યા બાદ અને એમાંથી પૈસા મળી શકે છે એ જાણ્યા પછી મને વિચાર આવ્યો કે કચરો એકઠો કરીને એક્સપોર્ટ કરીએ તો કેવું? અને આ વિચારમાત્રથી પસ્તીના બિઝનેસમાં ઝંપલાવ્યું અને કચરો એકસપોર્ટ કરવાનું શરૂ કર્યું. દરમ્યાન બેલ્જિયમમાં યોજાયેલા એક ટ્રેડ સેમિનારમાં વેલ-નોન પર્સનાલિટી સૅમ પિત્રોડા સાથે મુલાકાત થઈ. તેમણે મને પૂછ્યું કે ગુજરાતી છો? તેમની સાથે મારા બિઝનેસની વાતચીત થઈ અને તેમણે મને ભારત આવવા પ્રેર્યો, મને માર્ગદર્શન આપ્યું અને તેમની પ્રેરણાથી ભારત પાછો આવ્યો અને વડોદરામાં ૨૦૧૦થી pastiwala.com નામની વેબસાઇટ શરૂ કરીને ઘરે, દુકાને, ઑફિસોમાં જઈને પેપર, પૂંઠાં, ર્બોડ, નોટબુક, ચોપડીઓ જેવી પસ્તી લેવાનું શરૂ કર્યું. આજે વડોદરાની મારી કંપની શૉર્ટ ઇન્ડિયા એન્વિરો સૉલ્યુશન્સ લિમિટેડમાં ૬૫ વ્યક્તિનો સ્ટાફ કામ કરે છે અને સીધી કે આડકતરી રીતે ૩૦૦થી વધુ માણસોને ફાયદો થઈ રહ્યો છે, રોજગારી મળી રહી છે. ઘણાં

નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગે‍નાઇઝેશન્સ (NGO) દ્વારા કાગળની થેલી બનાવવા, ફરસાણના પૅકિંગમાં, પેપરમિલોને રૉ-મટીરિયલ માટે તથા મલ્ટિપર્પઝ કામ માટે પસ્તીનો ઉપયોગ થઈ રહ્યો છે.’

આ એક અનઑર્ગેનાઇઝ્ડ ટ્રેડ છે જેમાં બિઝનેસ ઑપોચ્યુર્નિટી છે એમ જણાવતાં પરેશ પારેખ કહે છે, ‘આપણા સમાજમાં જેને કોઈ કામ ન હોય તે આ કામ કરે એવી છાપ છે અને આ બિઝનેસ કોઈ ઑર્ગેનાઇઝ નથી કરી શકતું, પરંતુ ઘણાબધા લોકો માટે બિઝનેસ ઑપોચ્યુર્નિટી આ ધંધાથી મેળવી શકાય છે. ભારતમાં વર્ષેદહાડે પસ્તીનું ટર્નઓવર ૨૭થી ૨૮ હજાર કરોડ રૂપિયાનું છે.’

જોકે સંસ્થાનું કેટલું ટર્નઓવર છે અને એ કેટલો બિઝનેસ કરે છે એ વિશે તેણે ફોડ નથી પાડ્યો, પણ તે ગુજરાતમાં પસ્તીવાલાના બિઝનેસમાં લીડર હોવાનું કબૂલ કરે છે.

પસ્તી લઈ જવા ઈ-મેઇલ પણ કરી શકો

શૉર્ટ ઇન્ડિયા એન્વિરો સૉલ્યુશન્સ લિમિટેડ દ્વારા હાઈ પ્રોફાઇલ રીતે pastiwala.comએ બિઝનેસમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ જેવાં અદ્યતન ઇન્સ્ટ%મેન્ટનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ જણ પસ્તી આપવા માટે pastiwala.comને ઈ-મેઇલ કરીને કે નિર્ધારિત ફોન-નંબર પર ફોન કરીને પસ્તી લઈ જવા ઑર્ડર કરી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ અને આણંદમાં જુદા-જુદા ફોન-નંબરો આપવામાં આવ્યા છે. કંપની પાસે અત્યારે ૧૦૦ વેહિકલ્સ છે. એ વેહિકલ લઈને ઇલેક્ટ્રૉનિક વજનકાંટા સાથે કંપનીનો કર્મચારી આવીને પસ્તી લઈ જાય. કર્મચારી જેવી-તેવી રીતે નહીં, પરંતુ ડ્રેસ-કોડમાં આવે.

પસ્તીના ભાવ રોજેરોજ બદલાય છે એટલે એની માહિતી તમને આપવામાં આવે. વજનમાં ચોરી નહીં અને ખરો ભાવ આપવાની ખાતરી કંપની આપે છે.

પસ્તીની ફેરી કરનારાઓને વ્યાજના ચક્કરમાંથી છોડાવ્યા

હાઈ પ્રોફાઇલ બિઝનેસ-હાઉસની જેમ કામ કરતી આ કંપનીને કારણે ગલીએ-ગલીએ, સોસાયટીઓ, ફ્લૅટો, બંગલોઝમાં ફરી-ફરીને પસ્તી એકઠી કરીને રોટલો રળનારા પસ્તીવાળાનું શું થશે એવો પ્રશ્ન સ્વાભાવિક થાય જ, પરંતુ પરેશ પારેખ કહે છે, ‘વડોદરામાં અમારી કંપનીએ વ્યાજના ચક્કરમાંથી પસ્તીની ફેરી કરનારા પસ્તીવાળાઓને જૉબ પૂરી પાડી છે. પસ્તીની લારીવાળા ૩૫થી ૪૦ જણ હવે અમારે ત્યાં જૉબ કરે છે અને અમે તેમને સૅલેરી પે કરીએ છીએ. અમારી કંપનીને કારણે હાલના ફેરિયાઓને કોઈ નુકસાન નથી, કારણ કે તેમને તો વ્યાજના ચક્કરમાંથી મુક્તિ મળવાની છે અને તેમનો સહકાર પણ અમને મળી રહ્યો છે. પસ્તીનો ધંધો કરવા માટે પૈસા જોઈએ જે પૈસા આ પસ્તીની લારીવાળા વ્યાજે લાવે છે અને ધંધો કરે છે એમાંથી તેમનો છુટકારો થશે.’

અમદાવાદ, સુરત, નડિયાદ, આણંદમાં બિઝનેસ વિસ્તાર્યો

વડોદરામાં છેલ્લાં ચાર વર્ષથી અંદાજે ૧ લાખ ૪૮ હજારથી વધુ મકાનો, દુકાનો, ઑફિસો સહિતનાં સ્થળોએથી pastiwala.comએ ૪૦ હજાર ટનથી વધુ પસ્તી ઉઠાવી છે. હવે આ બિઝનેસ અમદાવાદ, સુરત, નડિયાદ અને આણંદમાંથી શરૂ કર્યો છે.આ બિઝનેસ દ્વારા અમદાવાદમાં ૫૦, સુરતમાં ૬૦ અને નડિયાદ તેમ જ આણંદમાં ૧૫-૧૫ મળીને કુલ ૧૪૦ વ્યક્તિઓને રોજગાર પૂરો પાડવામાં આવે છે.