08 July, 2023 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)ને બુધવારે કુલ ૪ લાખ ટન ઉપર ઘઉં ઑફર કરવામાં આવ્યા હતા, જેની સામે ૧૩૪૦ જથ્થાબંધ ખરીદદારો પાસેથી ૧.૨૧ લાખ ટન ઘઉંની ખરીદી માટે બિડ મળી હતી, જેમાં ફ્લોર મિલર્સ અને ફૂડ કંપનીઓનો સમાવેશ થાય છે.
જોકે કૉર્પોરેશનને ૩૮ હજાર ટન ચોખાના વેચાણ માટેના પ્રથમ ઈ-ઑક્શનમાં ઉદાસીન પ્રતિસાદ મળ્યો હતો, જેમાં માત્ર પાંચ બિડરોએ માત્ર ૧૭૦ ટન અનાજ ખરીદવાની ઑફર કરી હતી.
ઘઉંની વાજબી અને સરેરાશ ગુણવત્તા માટે સરેરાશ બિડ ૨૧૩૭ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી જે ૨૧૩૦ રૂપિયાના લઘુતમ બિડિંગ ભાવ કરતાં સહેજ વધારે હતા. ટેકાના ભાવ ૨૧૨૫ રૂપિયા ચાલે છે.
ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા માટે માર્ચ ૨૦૨૪ સુધી કેન્દ્રીય પૂલમાંથી ૧૫ લાખ ટન ઘઉં ફ્લોર મિલરો, ખાનગી વેપારીઓ, જથ્થાબંધ ખરીદદારો અને ઘઉંનાં ઉત્પાદનોના ઉત્પાદકોને ઑફલોડ કરવાનો નિર્ણય લીધો છે.
ગયા અઠવાડિયે યોજાયેલી ઘઉંની પ્રથમ સાપ્તાહિક ઈ-ઑક્શનમાં, કૉર્પોરેશન ઑફર કરેલા ચાર લાખ ટન ઘઉંની સામે માત્ર ૮૯ હજાર ટન ઘઉંનું વેચાણ કરી શક્યું હતું.
મધ્ય પ્રદેશની સૌથી મોટી મંડીઓ પૈકીની એક સિહોરના વેપારી ગગન ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘સરકાર નિયમિત અંતરે ઘઉંનું વેચાણ કરતી હોવાથી, આગામી બે અઠવાડિયાંમાં ભાવ વધુ સાધારણ થવાની સંભાવના છે.’
અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અનાજના વૈવિધ્યસભર અને બમ્પર ઉત્પાદનને કારણે વર્ષોથી એફસીઆઇ દ્વારા ચોખાના ખુલ્લા બજારમાં વેચાણમાં વેપારીઓ અને જથ્થાબંધ ખરીદદારોએ મોટો રસ દાખવ્યો નથી.
ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અનાજના ભાવમાં ફુગાવાના વલણને કાબૂમાં લેવામાં ન આવે ત્યાં સુધી એફસીઆઇ એના વધારાના સ્ટૉકમાંથી અનાજનું વેચાણ કરવાનું ચાલુ રાખશે. અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન અનાજનો સ્ટૉક બફરથી ઉપર છે અને ખુલ્લા બજારમાં વેચાણ કરવા માટે પૂરતો છે.