યુકેમાં તમામ ક્રિપ્ટો એટીએમ બંધ કરવાનો આદેશ : આઇસી૧૫ ઇન્ડેક્સ ૫૪ પૉઇન્ટ ઘટ્યો

12 March, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાછલા ૨૪ કલાકના ગાળામાં બીટકૉઇન ૪૦,૦૦૦ની સપાટીને અડીને ફરી નીચે આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈની અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે ક્રિપ્ટોકરન્સીમાં સાધારણ વધઘટ જોવા મળી રહી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથેની વાતચીતમાં સકારાત્મક પરિણામ આવવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
પાછલા ૨૪ કલાકના ગાળામાં બીટકૉઇન ૪૦,૦૦૦ની સપાટીને અડીને ફરી નીચે આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એનો ભાવ ૦.૯૦ ટકાના વધારા સાથે ૩૯,૨૩૫ની આસપાસ ચાલી રહ્યો છે. ઇથેરિયમમાં ૧.૪૦ ટકાની વૃદ્ધિ સાથે ૨૬૧૫નો ભાવ ચાલી રહ્યો હતો. બિનાન્સ કૉઇન પણ ૧.૪૦ ટકા વધીને ૩૭૪.૭૦ હતો. ટેરામાં ૧.૭૦ ટકા, એક્સઆરપીમાં ૨ ટકા, કાર્ડાનોમાં ૧.૨૫ ટકા, સોલાનામાં ૧.૩૬ ટકા તથા અવાલાંશમાં ૪.૧૪ ટકાનો વધારો થયો છે.  
યુનાઇટેડ કિંગડમ (યુકે)માં લેવાયેલા એક મહત્ત્વપૂર્ણ પગલામાં દેશની ફાઇનૅન્શિયલ કન્ડક્ટ ઑથોરિટી (એફસીએ)એ તમામ ક્રિપ્ટો એટીએમ બંધ કરવાનો આદેશ બહાર પાડ્યો છે. આ બધાં એટીએમ ગેરકાનૂની હોવાનું દેશની સર્વોચ્ચ નાણાકીય નિયમન સંસ્થાએ કહ્યું છે. કાનૂની રીતે કામકાજ કરવા માટે તેમણે ઑથોરિટી પાસે રજિસ્ટ્રેશન કરાવવા ઉપરાંત મની લૉન્ડરિંગને સંબંધિત ધારાધોરણોનું પાલન કરવાનું રહેશે, એમ જણાવવામાં આવ્યું છે. ગ્રાહકોને પણ એટીએમનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 
અન્ય એક બનાવમાં ગુરુવારે એક જૂના વ્હેલ દ્વારા આશરે ૧૭ મિલ્યન ડૉલર મૂલ્યના ૪૮૯ સ્લીપિંગ બીટકૉઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એક દાયકા કરતાં વધુ સમય બાદ આ કૉઇનની ટ્રાન્સફર થઈ હતી. કોઈ એક ક્રિપ્ટોકરન્સીના મોટી સંખ્યામાં ટૉકન ધરાવતી એન્ટિટીને વ્હેલ કહેવાય છે. 
દરમિયાન, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો ક્રિપ્ટોકરન્સીનો વિશ્વનો સર્વપ્રથમ ઇન્ડેક્સ – આઇસી૧૫ શુક્રવારે બપોરે ૪.૦૦ વાગ્યે ૫૪ પૉઇન્ટ (૦.૧૦ ટકા)ના ઘટાડા સાથે ૫૬,૪૩૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૬,૪૯૩ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૭,૪૦૨ અને નીચામાં ૫૫,૬૮૮ ગયો હતો. 

business news russia ukraine