દેશની ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બરમાં ૨૩ ટકા ઘટી

16 October, 2014 05:21 AM IST  | 

દેશની ખાદ્ય તેલોની આયાત સપ્ટેમ્બરમાં ૨૩ ટકા ઘટી


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા


જોકે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આયાત ૨૧.૨ ટકા વધી હતી. ચાલુ ખાદ્ય તેલની સીઝનના ૧૧ મહિના દરમ્યાન ખાદ્ય તેલોની આયાત ગયા વર્ષની સરખામણીમાં ૯.૫ ટકા વધીને દેશની ખાદ્ય તેલોની આયાત ચાલુ સીઝનના ૧૧ મહિના દરમ્યાન ૧૦૪ લાખ ટને પહોંચી હતી. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય તેલોની આયાતના ઘટાડામાં સૌથી મોટો ઘટાડો સોયાડીગમની આયાતનો હતો. ગયા મહિનાની સરખામણીમાં સોયાડીગમની આયાતમાં ૫૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દેશના ર્પોટ પર આયાતી ખાદ્ય તેલોનો સ્ટૉક ૭.૧૫ લાખ ટન પહેલી ઑક્ટોબરના રોજ હોવાનો અંદાજ છે, જે ગયા મહિનાના આરંભે ૮.૬૦ લાખ ટન હતો. હાલ ર્પોટ પર ક્રૂડ પામતેલનો સ્ટૉક ૩.૫૦ લાખ ટન અને રિફાઇન્ડ પામોલીનનો સ્ટૉક ૮૫ હજાર ટન પડ્યો છે, જ્યારે સોયાડીગમનો સ્ટૉક દોઢ લાખ ટન પડ્યો છે. ર્પોટ તેમ જ દેશની પાઇપલાઇનોમાં થઈને કુલ ૧૭.૧૫ લાખ ટન ખાદ્ય તેલોનો સ્ટૉક હોવાનો અંદાજ છે જે આગલા મહિને ૧૮.૨૦ લાખ ટન હતો. ગયા વર્ષે ઑક્ટોબરના આરંભે ર્પોટ પર ૫.૧૫ લાખ ટન
અને ર્પોટ-પાઇપલાઇન સ્ટૉક ૧૪.૬૫ લાખ ટન હતો.

ખાદ્ય તેલોની આયાત-ડ્યુટી વધારવાની તાતી જરૂર : ડૉ. બી. વી. મહેતા

સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે ‘દેશમાં સતત વધી રહેલી આયાતને કારણે ખાદ્ય તેલોના ભાવ સતત ઘટી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાદ્ય તેલોના ભાવ ૨૦૦૮ પછીની સૌથી નીચી સપાટીએ ચાલી રહ્યા છે. દેશના તેલીબિયાંના ખેડૂતોના હિત માટે આયાતી ખાદ્ય તેલોના સતત વધી રહેલા પ્રવાહને બ્રેક લગાવવાની તાતી જરૂરિયાત છે જેને માટે સરકારે તાત્કાલિક ધોરણે ખાદ્ય તેલોની આયાત-ડ્યુટીમાં વધારો કરવો જોઈએ. સરકારે કાચા (ક્રૂડ) ખાદ્ય તેલોની આયાત અઢી ટકાથી વધારીને ૧૦ ટકા અને રિફાઇન્ડ ખાદ્ય તેલોની આયાત-ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવી જોઈએ. આયાત-ડ્યુટી વધતાં ખાદ્ય તેલોની આયાતને બ્રેક લાગશે જેને કારણે દેશના ખેડૂતો અને સૉલ્વન્ટ ઇન્ડસ્ટ્રી બન્નને ફાયદો થશે.