મેટ્રો સિટીઝમાં ઑફિસની જગ્યાઓના લીઝિંગના કામકાજમાં વધારો

12 April, 2019 11:05 AM IST  | 

મેટ્રો સિટીઝમાં ઑફિસની જગ્યાઓના લીઝિંગના કામકાજમાં વધારો

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને તેને સંલગ્ન કામકાજ માટેની માગ વધવાથી જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટર દરમ્યાન આઠ મુખ્ય શહેરોમાં ઑફિસની જગ્યાઓ આપવાનું પ્રમાણ આશરે ૨.૫ ગણું વધીને ૧.૩ કરોડ સ્કવેરફૂટ લીઝ પર પહોંચ્યું હતું, એમ પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ કુશમૅન ઍન્ડ વેકફીલ્ડે (ઘ્ષ્) કહ્યું હતું.

ગ્રોસ ઑફિસ લીઝિંગ પાછલા વર્ષના સમાન ગાળામાં ૫૩ લાખ સ્કવેરફૂટ રહ્યું હતું. આઠ શહેરો આ પ્રમાણે છે: દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદ.
૨૦૧૯માં મજબૂત પ્રારંભ સાથે બજારમાં લીઝિંગનું કામકાજ વધુ વેગ પકડવાની અપેક્ષા છે, કારણ કે ઉચ્ચ ગુણવત્તાવાળી ઑફિસોની માગ આ પૂર્વેથી જ ઊંચી છે. અગાઉથી કરેલાં કમિટમેન્ટ તેમ જ મુખ્ય બજારોમાં ખપતના વધેલા પ્રમાણને પગલે આ ક્વૉર્ટરમાં માગનું પ્રમાણ હજી વધશે, એમ ઘ્ષ્ના કન્ટ્રી હેડ અને મૅનેજિંગ ડિરેક્ટર અંશુલ જૈને કહ્યું હતું.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ ક્વૉર્ટરમાં કો-વર્કિંગ સેગમેન્ટનો હિસ્સો પાછલા વર્ષના સમાન ગાળાના ૭ ટકાથી વધીને ૨૦ ટકા થયો હતો.

આઇટી બીપીએમ સેક્ટરમાં સૌથી અધિક વૃદ્ધિ થઈ છે અને ઑફિસ સ્પેસની માગ મોટા ભાગે ફ્લેક્સિબલ રહી છે. બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં વેપારમાં થયેલા વધારાને પગલે ભાડૂતો વિસ્તરણ કરી રહ્યા છે. જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૯માં ઑફિસની સૌથી વધુ જગ્યાઓ બેંગલુરુમાં લીઝ પર અપાઈ હતી. ત્યાં આ ગાળા દરમ્યાન ૫૦.૩ લાખ સ્ક્વેરફૂટ જગ્યાઓનાં કામકાજ થયાં હતાં, જે પાછલા વર્ષના સમાન ગાળાના ૧૫.૬ લાખ સ્ક્વેરફૂટની તુલનાએ ત્રણ ગણો વધારો સૂચવે છે.

આ પણ વાંચોઃ ચીન અને અમેરિકા સહિત અનેક દેશોનાં ઇન્ફલેશન વધતાં સોનું બે સપ્તાહની ઊંચાઈએ

દિલ્હી-એનસીઆરમાં લીઝિંગનાં કામકાજ ૧૫.૩ લાખથી વધીને ૨૭.૯ લાખ સ્ક્વેરફૂટ થયાં છે. મુંબઈમાં ઑફિસની જગ્યાઓનાં કામકાજમાં ત્રણ ગણો વધારો થયો છે. હૈદરાબાદમાં ૧૪.૧ લાખ સ્ક્વેરફૂટ અને કોલકાતામાં ૩.૫૮ લાખ સ્કવેરફૂટનાં કામકાજ થયાં હતાં. જોકે પુણેમાં લીઝિંગનાં કામકાજમાં ૧૯ ટકા અને અમદાવાદમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો.

news