સિંગદાણાની નિકાસમાં ૩૮ ટકાનો ઉછાળો

24 October, 2014 04:38 AM IST  | 

સિંગદાણાની નિકાસમાં ૩૮ ટકાનો ઉછાળો


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

સિંગદાણાની વૈશ્વિક માગમાં વૃદ્ધિને પગલે નાણાકીય વર્ષ ૨૦૧૪-’૧૫ના પ્રથમ છ મહિનામાં ભારતની નિકાસમાં ૩૮ ટકાનો ઉછાળો આવ્યો હતો. ઉદ્યોગના અંદાજ મુજબ દિવાળીના તહેવારો બાદ માગ વધી શકે છે અને એકંદર નિકાસ છેલ્લા નાણાકીય વર્ષના આંકડાને પાર કરી જઈ શકે છે. ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૪ના ત્રિમાસિક ગાળામાં ૨,૨૦,૦૦૦ ટન સિંગદાણાની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના સમાન સમયમાં ૧,૬૦,૦૦૦ ટનની સરખામણીમાં ૩૮ ટકા વધુ છે.

૨૦૧૩-’૧૪માં એકંદર સિંગદાણાની નિકાસ ૫,૦૯,૦૦૦ ટન રહી હતી, જે ૨૦૧૨-’૧૩માં ૫,૩૫,૦૦૦ ટન હતી. ભારતમાંથી સિંગદાણાની મજબૂત નિકાસ વિશે પ્રતિભાવ આવતાં ઇન્ડિયન ઑઇલસીડ્સ ઍન્ડ પ્રોડ્યુસ એક્સર્પોટ પ્રમોશન કાઉન્સિલ (ત્બ્ભ્ચ્ભ્ઘ્)ના અધ્યક્ષ કિશોર તન્નાએ જણાવ્યું હતું કે ‘ભારતના સિંગદાણાની પશ્ચિમ એશિયન દેશોમાં સારી માગ છે. ઉપરાંત આ વખતે સારી ગુણવત્તાના સિંગદાણાનું જંગી ઉત્પાદન થયું છે અને એને પગલે સ્થાનિક બજારમાં કૉમોડિટીના ભાવ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે તથા નિકાસને પ્રોત્સાહન મળે છે.’

દેશમાં ૨૦૧૩-’૧૪માં મગફળીનું કુલ ઉત્પાદન ૬૪.૮ લાખ ટન હતું તેમ ત્બ્ભ્ચ્ભ્ઘ્ના આંકડા પરથી જાણવા મળે છે, જે ૨૦૧૨-’૧૩માં ૪૩.૩ લાખ ટનના ઉત્પાદન કરતાં વધુ હોવાનું દર્શાવે છે. દેશમાં સિંગદાણાની નિકાસ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧,૫૩,૭૫૬ ટન થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમ્યાન ૯૭,૮૦૩ ટનની સરખામણીમાં ૫૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તન્નાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં દેશમાં સિંગદાણાની નિકાસ માર્ચ ૨૦૧૫ સુધીમાં ૬,૦૦,૦૦૦ ટને પહોંચવાની શક્યતા છે.’