નૅશનલ સ્ટૉક એક્સચેન્જના અનલિસ્ટેડ શૅરના સોદાઓમાં ફ્રૉડ?

23 June, 2025 06:57 AM IST  |  Mumbai | Jayesh Chitalia

મામલો ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગમાં : લેભાગુઓએ રોકાણકારો પાસેથી પૈસા લઈ લીધા, શૅર્સ આપ્યા નહીં

નૅશનલ સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના આવી રહેલા ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી ઉત્તેજના વધી હતી, ખાસ કરીને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ની મંજૂરીના સંકેત બાદ આ એક્સચેન્જના અનલિસ્ટેડ સ્ટૉક્સની માર્કેટ ગરમ થઈ ગઈ હતી. NSEના અનલિસ્ટેડ શૅરની ડિમાન્ડ અને ભાવ સતત વધતા રહ્યા હતા જેમાં હાલ ચોક્કસ બ્રોકરો કે તેના કર્મચારીઓ દ્વારા ગરબડ થઈ હોવાના અહેવાલ બહાર આવ્યા છે. અમુક વર્ગ આ શૅરના ભાવ હજી વધતા રહેશે એવી વાતો વહેતી કરી ભાવ ઊંચા ખેંચતા રહ્યા હતા, જ્યારે કે ચોક્કસ બ્રોકરેજ કંપનીઓએ આ શૅર વેચાણ માટે ઉપલબ્ધ હોવાનું જણાવી કેટલાક રોકાણકારો પાસેથી નાણાં ઊભાં કરી લીધાં હતાં. જોકે એ શૅરની ડિલિવરી આપી નહોતી જેને પગલે આ કૌભાંડ બહાર આવ્યું છે અને હાલ આ શૅરના અનલિસ્ટેડ માર્કેટમાં થતા સોદાઓ સામે શંકા ઊભી થવા લાગી છે. બજારમાં ચેતવણીઓ-સાવચેત રહેવાની સલાહ ફરવા લાગી છે તેમ જ સંબંધિત સત્તાવાળાઓ સુધી ફરિયાદ પહોંચી છે અને તપાસ પણ ચાલી રહી છે.

આ કેસમાં પ્રાપ્ત માહિતી મુજબ એક ફાઇનૅન્શયલ કંપનીએ બીજી એક પ્રાઇવેટ કંપની અને એના ડિરેક્ટર્સ સામે જૂનના પ્રથમ સપ્તાહમાં જ ઇકૉનૉમિક ઑફેન્સ વિંગમાં ફરિયાદ ફાઇલ કરી હતી, જ્યારે કે ચર્ચામાં આ મામલો તાજેતરમાં આવ્યો છે.

બજારનાં સાધનોના મતે આ કૌભાંડનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ બોલાય છે. આમાં મજાની વાત એ છે કે જે કંપની આ કેસમાં પોતે ફસાઈ છે એણે આ ગરબડ કરી હોવાના અહેવાલ ફરતા થતાં એણે પોતાની સ્પષ્ટતા બહાર પાડી છે જેમાં એણે આ કૌભાંડ કરનાર કંપનીનું નામ જાહેર કરી જણાવ્યું છે કે એ કંપની સામે એણે પોતે સંબંધિત ઑથોરિટીઝને ફરિયાદ કરી છે અને એમાં ચાલી રહેલી તપાસમાં પોતે સહયોગ આપી રહી છે.

આ વિષયમાં ફરતા થયેલા અહેવાલ અનુસાર એક ટોચની બ્રોકિંગ કંપનીના કર્મચારીઓ આ શૅરમાં ચોક્કસ ગણતરીપૂર્વક રમત રમતા હતા, તેઓ ૧૬૦૦ રૂપિયાના ભાવે આ શૅર ઑફર કરતા હતા. ત્યાર બાદ એ શૅર્સની વેચનાર પાસેથી આગોતરી ડિલિવરી લઈ લેતા હતા. બીજી બાજુ ખરીદનાર પાસેથી લેખિત કમિટમેન્ટ લઈને નાણાં પણ લઈ લેતાં હતાં. આમ કરવા સાથે તેઓ બજારમાં NSEના IPO વિશે ઊંચા ભાવની અફવા ફેલાવતા હતા, જેથી વધુ ભાવ ઊછળે અને ડિલિવરી અટકાવી દઈ એના વધુ ઊંચા ભાવનો લાભ લેતા હતા. આમ ૧૬૦૦ રૂપિયાના શૅર ૨૨૦૦ સુધી ખેંચાયા હતા. આ વિશેની ફરિયાદ SEBIને પણ થઈ હોવાનું ચર્ચાય છે. જોકે હાલ કૌભાંડી વ્યક્તિઓ ફરાર હોવાની વાતો ચાલી રહી છે.  

અનલિસ્ટેડ સ્ટૉક્સની માર્કેટ

અનલિસ્ટેડ શૅર્સના સોદા થતા હોવાની બાબત કૉમન છે. વિવિધ જાણીતી કે બિનજાણીતી કંપનીઓના શૅર્સમાં ખરીદી-વેચાણના સોદા થતા હોય છે. જોકે આને સત્તાવાર માન્યતા નથી. કંપનીઓના IPO પહેલાં ચોક્કસ શૅરો ખાનગીમાં લેવામાં જેમને રસ હોય તેઓ આવા સોદા કરતા હોય છે, જેમાં કરાર બે પાર્ટીઓ વચ્ચે થાય છે, એક્સચેન્જ પર નહીં. IPOમાં શૅરની ફાળવણી થાય ન થાય એવી ધારણા વચ્ચે સારા સ્ટૉક્સની ડિમાન્ડ રહેતી હોય છે જેમાં IPOમાં ઊંચા ભાવે ઑફર આવશે એવું માની ઘણા સંપન્ન રોકાણકારો અનલિસ્ટેડ સ્ટૉક્સ ખરીદી લેતા હોય છે.  

national stock exchange ipo sebi share market stock market business news jayesh chitalia indian economy