ગઈ કાલે આ કારણે અચાનક જ નિફ્ટીમાં ૯૦૦ પૉઇન્ટનો કડાકો થયો

06 October, 2012 05:54 AM IST  | 

ગઈ કાલે આ કારણે અચાનક જ નિફ્ટીમાં ૯૦૦ પૉઇન્ટનો કડાકો થયો


નૅશનલ સ્ટૉક એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ બ્રોકરેજ કંપની એમ. કે. ગ્લોબલ ફાઇનૅન્શિયલ દ્વારા કુલ ૬૫૦ કરોડ રૂપિયાના ૫૯ ઑર્ડર્સ પ્લેસ કરવામાં ભૂલ થવાથી નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સર્કિટ ફિલ્ટરને કારણે બજારમાં કામકાજ ઑટોમૅટિકલી બંધ થઈ ગયું હતું. આ બનાવ સવારે ૯.૫૦ વાગ્યે બન્યો હતો. બજાર ૧૫ મિનિટ બંધ રહ્યું હતું અને ૧૦.૦૫ વાગ્યે ફરી શરૂ થઈ ગયું હતું.

નિફ્ટી ૫૮૧૫ પૉઇન્ટના લેવલે ખૂલ્યો હતો અને ઇન્ટ્રા-ડેમાં ઘટીને ૪૮૮૮ પૉઇન્ટના સ્તરે પહોંચી ગયો હતો. નૅશનલ સ્ટૉક એક્સચેન્જે જણાવ્યું હતું કે આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. જોકે મુંબઈ શૅરબજારમાં ટ્રેડિંગને કોઈ અસર થઈ નહોતી.

સેબીની તપાસ

મૂડીબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ નિફ્ટીમાં ૯૦૦ પૉઇન્ટનો જે ઘટાડો જોવા મળ્યો એની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. સેબી એ બાબતની પણ તપાસ કરશે કે આવી સ્થિતિને અવૉઇડ કરવા માટે જરૂરી સેફગાર્ડ મેકૅનિઝમ હતી કે નહીં, કારણ કે આ પ્રકારના સોદા અગ્રણી બૅન્કો સહિત જાણીતી કંપનીઓના શૅર્સમાં કરવામાં આવ્યા છે. મોટા બ્લુચિપ શૅર્સમાં સર્કિટ ફિલ્ટર્સ હોતાં નથી એટલે માર્કેટ સિસ્ટમમાં આ પ્રકારના ભૂલભરેલા ટ્રેડિંગને હૅન્ડલ કરવાની ક્ષમતા હોય છે. સેબીનું માનવું  છે કે આ પ્રકારના ટ્રેડિંગના બનાવો પણ વધી રહ્યા છે.

સેબી - SEBI = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા