નવા નાણાકીય વર્ષનો સેન્સેક્સમાં સર્વોચ્ચ સપાટી સાથે શુભારંભ

02 April, 2019 09:45 AM IST  |  | અનિલ પટેલ

નવા નાણાકીય વર્ષનો સેન્સેક્સમાં સર્વોચ્ચ સપાટી સાથે શુભારંભ

પ્રતીકાત્મક તસવીર

માર્ચ ક્વૉર્ટર સારું રહેવાનો આશાવાદ વહેતો થતાં તાતા મોટર્સ તગડા ઉછાળે ટૉપ ગેઇનર : SRF અને રશીલડેકોરમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડની ક્લોઝર નોટિસના આંચકા આવીને પચી ગયા : રેટ કટની ધારણા પાછળ બૅન્ક શૅરની આગેકૂચ, સિમેન્ટ શૅરમાં તેજીનું ચણતર

શૅરબજારનું ચલકચલાણું

છેલ્લા છ-આઠ માસથી અમે અવાર-નવાર કહેતા આવ્યા છીએ કે શૅરબજાર ચૂંટણી દરમ્યાન નવાં શિખર બનાવશે, અને તેનો શુભારંભ ૧લી એપ્રિલથી થઈ ગયો છે. સેન્સેક્સ ગઈ કાલે ગૅપમાં મજબૂત ખૂલ્યા બાદ ૩૯,૧૧૫ પ્લસની નવી વિક્રમી સપાટી બતાવી અંતે ૧૯૯ પૉઇન્ટની આગેકૂચમાં ૩૮,૮૭૨ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૧,૭૬૦ની વિક્રમી સપાટી એકદમ નજીક, ૧૧,૭૩૮ વટાવી છેલ્લે ૩૨ પૉઇન્ટની મજબૂતીમાં ૧૧,૬૫૫ રહ્યો છે. લખી રાખો, ૨૩મી મે સુધીમાં બજાર એકથી વધુ વખત નવાં સર્વોચ્ચ શિખર બતાવવાનું છે, જેમાં ઉપરમાં ૪૦ કે ૪૧ હજાર સુધીનું કોઈ પણ લેવલ શક્ય છે. બાય ધ વે, ફરી એક વાર એ વાત યાદ અપાવીએ છીએ કે આ તેજીથી મારા, તમારા અર્થાત્ આપણા પોર્ટફોલિયાંમાં રંગત આવે એ જરૂરી નથી. ગામની મૂડીમાં તો અત્યારે પણ મોટા ભાગે ૩૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનું ધોવાણ (જાન્યુઆરી, ૨૦૧૮ની તુલનામાં) થઈ ગયું છે. આ સ્થિતિમાં ખાસ ફરક પડે એમ લાગતું નથી, પરંતુ શૅરબજાર ચાલશે, ઇન્ડેક્સ મૅનેજમેન્ટની ઇવેન્ટ પુરબહારમાં જામશે.

ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર વધ્યા હતા. માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ સારાં આવશે એવી હવા ચાલુ થતાં તાતા મોટર્સનો શૅર તગડા વૉલ્યુમમાં ૧૯૦ નજીક જઈ અંતે ૭.૪ ટકાના ઉછાળે ૧૮૭ રૂપિયા બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે, અને મારુતિ સુઝુકીનું વેચાણ સાત માસના મોટા ઘટાડામાં ૧.૫૮ લાખ નંગ આવવા છતાં શૅર ૬૮૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકા કે ૧૭૩ રૂપિયા વધીને ૬૮૪૫ રહ્યો છે. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૪૦૬ની નવી ઑલટાઇમ હાઈ દેખાડી બે ટકાના ઉછાળે ૧૩૯૧ રૂપિયા બંધ આપી સેન્સેક્સને સર્વાધિક ૯૧ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨.૨ ટકા તથા ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકાની ખરાબીમાં સેન્સેક્સ ખાતે અને ઝી એન્ટર તેમ જ યુપીએલ પોણાત્રણથી સવાત્રણ ટકાની નબળાઈમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા HDFC બૅન્ક ૨૩૩૨ની વિક્રમી સપાટી બાદ અડધા ટકા નજીકની નરમાઈમાં ૨૩૦૭, ICICI બૅન્ક ૪૦૯ના બેસ્ટ લેવલ બાદ દસ પૈસા ઘટી ૩૯૯ તો SBI ૩૨૭ની નવી ઐતિહાસિક સપાટી દેખાડી અડધો ટકો વધી ૩૨૩ રૂપિયા બંધ હતા.

મેટલ શૅર મજબૂત સિમેન્ટમાં તેજી

ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ સર્વાધિક બે ટકા અપ હતો. તેના ૧૦માંથી ૧૦ શૅર પ્લસ હતા. હિન્દાલ્કો પાંચ ટકા, વેદાન્તા ૨.૯ ટકા, તાતા સ્ટીલ ૨.૭ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૬ ટકા, સેઇલ અઢી ટકા, નાલ્કો સવા બે ટકા ઊંચકાયા હતા IT ઈન્ડેક્સ ૫૭માંથી ૪૪ શૅરની આગેકૂચમાં ૧.૭ ટકા વધ્યો હતો. ઇન્ફોસિસ ૧.૮ ટકા વધી ૭૫૬ નજીક, TCS દોઢ ટકો વધી ૨૧૩૧ રૂપિયા, વિપ્રો ૨.૮ ટકા વધી ૨૬૨ રૂપિયા બંધ હતા. હોવ સર્વિસીસમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. માસ્ટેક સવાછ ટકા, ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ પોણાઆઠ ટકા, નેલ્કો પાંચ ટકા, હેક્સાવેર ચાર ટકા ઊછળ્યા હતા. સિમેન્ટ ઉદ્યોગમાં ૭ શૅર નરમ હતા સામે ૩૫ જાતો વધી હતી બૅન્કિગ ઉદ્યોગના ૩૯માંથી ૩૦ શૅર સુધર્યા હતા. આંધ્ર બેંક ૧૫ ટકા લક્ષ્મી વિલાસ બૅન્ક દસ ટકા, જે કે બૅન્ક આઠ ટકા, યુકો બૅન્ક ૫.૬ ટકા, આઇઓબી ૫.૫ ટકા, પંજાબ- સિંધ બૅન્ક પાંચ ટકા ઊછળ્યા હતા. બૅન્ક નિફ્ટી ૩૦૬૪૮ની નવી ઑલટાઇમ હાઈ બાદ હેવી વેઇટસની પીછેહઠમાં અડધા ટકાના ઘટાડે ૩૦,૨૫૧ અને બૅન્કેક્સ ૩૪,૪૫૭ની વિક્રમી સપાટી બાદ નહીંવત્ ઘટી ૩૪,૧૪૨ બંધ આવ્યો છે. PSU બૅન્ક નિફ્ટી જોકે એક ટકાથી વધુ સુધર્યો હતો.

૮૪ શૅરમાં નવાં ઊંચાં શિખર

સેન્સેક્સની લાઇફટાઇમ હાઇની ગઈ કાલે BSE ખાતે ૮૪ શૅર ભાવની રીતે એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે નવા શિખરે ગયા હતા, જેમાં કેટલાંક જાણીતાં નામ આ પ્રમાણે છે: એસીસી, અદાણી ગૅસ, બજાજ ફાઇનૅન્સ, બનારસ હોટેલ્સ, સીએએસસી વેન્ચર્સ, સિટી યુનિયન બૅન્ક, એવરેસ્ટ ઑર્ગોનિક્સ, ફ્યુચર લાઇફસ્ટાઇલ, ફ્રન્ટિયર સ્પ્રિંગ, જેનરિક ફાર્મા, ગોડફ્રે ફિલિપ્સ, ગુજરાત ફ્લુરોકેમ, હેવેલ્સ ઇન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, હેડલબર્ગ સિમેન્ટ, ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યૉરન્સ, IDFC, ફર્સ્ટ બૅન્ક, ઇન્ડિયન હોટેલ્સ, આઇનોક્સ લિઝર, જેબી કેમિકલ્સ, કજરિયા સિરામિક્સ, કર્ણાટકા બૅન્ક, મઝદા લિમિટેડ, મર્ક, એમટીએજ્યુકેર, ઓરિયેન્ટલ બૅન્ક, પેટ્રોનેટ એલએનજી, પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સીમેક લિમિટેડ, એસકેએફ ઇન્ડિયા, સલોરા ઍક્ટિવ ફાર્મા, ટાઇટનુ, ત્રિવેણી એન્જિનિયરિંગ, યુપીએલ, વેન્ટા બાયોસાયન્સ, વરણ બિવરેજીસ, જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, કાવિત ઇન્ડસ્ટ્રીઝ, મિક્ટાન્ન ફૂડ્સ, સ્ટેટ બૅન્ક વગેરે વગેરે...

સામે પક્ષે અરવી ડેનિમ, એજીઆઇ ઇન્ફ્રા, કૅપ્ટન ટેક્નૉકાસ્ટ, દર્શન ઓર્ના, ફેડર્સ ઇલેક્ટ્રિક, જીબીએલ ઇન્ડસ્ટ્રીઝ, જીકેબી ઑપ્થાલ્મિક્સ, ગોલ્ડન કૅપિટલ, ઇન્ડ સ્વિફટ લૅબ, કિસાન મોલ્ડિંગ્સ, કેજેએમસી ફાઇનાન્સ, પ્રોફિન કૅપિટલ, RCOM, રિયલ ટચ ફાઇનૅન્સ, રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા, સાધના બ્રોડકાસ્ટ, સતારા પ્રૉપર્ટીઝ, શેરેટોન, શિલ્પા મેડિ, સિરપુર ગોલ્ડ, વાયર એન્ડ ફેબ્રિક્સ ઇત્યાદિ સહિત ૯૫ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં.

મારુતિના વેચાણમાં ૭ માસનો મોટો ઘટાડો

માર્ચમાં મારુતિ સુઝુકીનું કુલ વેચાણ સાત માસની મોટી પીછેહઠમાં ૧.૬ ટકા ઘટીને ૧.૫૮ લાખ નંગ નોંધાયું છે. શૅર ગઈ કાલે જોકે ઉપરમાં ૬૮૯૯ થઈ અંતે અઢી ટકા વધીને ૬૮૪૫ રૂપિયા બંધ રહ્યો છે. અશોક લેલૅન્ડનું વેચાણ ૪ ટકા ઘટીને આવતાં ભાવ ૯૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઇથી નીચામાં ૯૦ થઈ છેલ્લે અડધો ટકો ઘટી ૯૧ હતો. એસ્કોર્ટ્સનું સ્થાનિક વેચાણ એક ટકાથી વધુ ઘટ્યું છે, પણ નિકાસ ૧૦૩ ટકા વધતાં ગત માસનું કુલ વેચાણ એક ટકા જેવું વધ્યું છે. શૅર ગઈ કાલે ૮૦૬થી ઘટી ૭૬૯ થઈ અંતે ૩.૩ ટકાની નબળાઈમાં ૭૭૦ બંધ હતો. મહિન્દ્રાનું વાહનોનું કુલ વેચાણ ઘરઆંગણે એક ટકા અને વિકાસ ૧૫ ટકા વધ્યાં છે, પરંતુ ટ્રૅક્ટર્સના વેચાણમાં ૩૧ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. શૅર ૬૮૯ની ઇન્ટ્રા-ડે હાઇથી નીચામાં ૬૫૯ થઇ અંતે સવા ટકો ઘટી ૬૬૩ રહ્યો હતો સોમવારે ઓટો ઇન્ડેક્સ ૧૬માંથી આઠ શૅરની આગેકૂચમાં એક ટકા વધ્યો હતો સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ તરફથી લૉન્ગટર્મ રેટિંગ ડાઉનગ્રેડ કરાયાના પગલે તાતા મોટર્સ દ્વારા આ નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરતાં માર્ચ ક્વૉર્ટર સારું રહેવાની આશા દર્શાવાઈ છે. આની અસરમાં શૅર સવાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૯૦ થઈ અંતે ૭.૩ ટકાના ઉછાળે ૧૮૭ રૂપિયા બંધ આવ્યો છે. તેનો ડીવીઆર પણ ૭.૮ ટકાની તેજીમાં ૯૨ રૂપિયા બંધ હતો MRF ૬૦,૬૦૦ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ ૩.૧ ટકા કે ૧૮૨૧ રૂપિયા વધીને ૫૯,૮૭૭ રૂપિયા હતો. મલ્ટિબેઝ, પિક્સ ટ્રાન્સમિશન, જેકે ટાયર, ટીવીએશ શ્રીચક્ર, અપોલો ટાયર સવા ટકાથી લઈ પોણાચાર ટકા અપ હતા. આઇશર મોટર્સમાં ૨૦,૧૬૬ના ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૨૦,૭૬૫નો ભાવ દેખાઈ અંતે ૧.૪ ઘટી ૨૦૨૫૦ બંધ આવ્યો છે.

આ પણ વાંચો : ઈનકમ ટેક્સથી GST સુધી, જાણો આજથી અમલમાં આવેલા પાંચ મોટા ફેરફારો

MRFમાં પ્રદૂષણ બોર્ડ વિલન બન્યું

એસઆરએફ લિમિટેડના દહેજ પ્લાન્ટને ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ જારી થવાના અહેવાલ પાછળ શૅર છ ગણા કામકાજમાં ૨૪૦૪ના આગલા બંધ સામે નીચામાં ૨૨૦૧ થયા બાદ બાઉન્સ બેકમાં ૨૪૩૧ને વટાવી ગયો હતો. ભાવ છેલ્લે બે ટકા ઘટી ૨૩૫૪ રૂપિયા બંધ રહ્યો છે. ઇન્ડોકો રેમેડીઝના ગોવા પ્લાન્ટને અપાયેલી વોર્નિંગ નોટિસ યુએસ એફડીએ તરફથી ડાયલ્યુટ કરાયાના પગલે ઇન્ડોકો રેમેડીઝનો ભાવ થઈ અંતે ૧ ટકા વધીને ૨૦૫ રહ્યો છે. રશીલ ડેકોરના ગુજરાત ખાતેના એક લેમિનેટેડ શીટ્સ યુનિટને પ્રદૂષણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ હોવાના સમાચારમાં શૅર નીચામાં ૪૫૦ થયા પછી ઊછળી ૪૭૬ બતાવી અંતે ૩.૯ ટકાની મજબૂતીમાં ૪૭૫ હતો. વેલસ્પન કૉર્પ દ્વારા પ્લેટ ઍન્ડ રોઇલ મિલ ડિવિઝન તથા ૪૩ મેગાવોટનો પાવર પ્લાન્ટ લેપટેવ ફાઇનૅન્સ નામની પ્રાઇવેટ કંપનીને વેચીને ૯૪૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના છે. શૅર અઢી ગણા વૉલ્યુમમાં ૧૫૦ વટાવી અંતે ૮.૫ ટકાના જમ્પમાં ૧૪૭ રૂપિયા રહ્યો હતો. ઇન્ટલેક્ટ ડિઝાઇન મલ્ટિ-મિલ્યન ડૉલરના કૉન્ટ્રૅક્ટમાં ૬.૮ ટકા અપ હતો.

goods and services tax