જેપી ઈન્ફ્રા હસ્તગત કરવાની ઑફર પર કરાશે પુનઃ વિચારણા

03 May, 2019 10:53 AM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

જેપી ઈન્ફ્રા હસ્તગત કરવાની ઑફર પર કરાશે પુનઃ વિચારણા

જેપી ઈન્ફ્રા હસ્તગત કરવાની ઑફર પર કરાશે પુનઃ વિચારણા

ઋણગ્રસ્ત રિયલ્ટી કંપની જેપી ઇન્ફ્રાટેકને હસ્તગત કરવા માટે સરકાર પાસેથી મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ સરકારની માલિકીની એનબીસીસી (જૂનું નામ નૅશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન)એ અદાલત દ્વારા નીમવામાં આવેલા રિઝોલ્યુશન પ્રોફેશનલને પોતાની બિડ વિશે પુન: વિચારણા કરવાનું બુધવારે કહ્યું હતું અને જણાવ્યું હતું કે તે પોતાનાં હિતોની રક્ષા માટે આવશ્યક બધાં પગલાં લેશે.

એપ્રિલની 26મીએ કમિટી ઑફ ક્રેડિટર્સે એનબીસીસીની બિડ એમ કહીને નામંજૂર કરી હતી કે તે શરતી છે અને સરકાર પાસેથી જરૂરી મંજૂરી પ્રાપ્ત કર્યા વિનાની છે. ધિરાણકર્તાઓએ મુંબઈસ્થિત હરીફ સુરક્ષા રિયલ્ટીની બિડને મતદાન દ્વારા પસંદ કરી હતી. સુરક્ષા રિયલ્ટી સન ફાર્મા ગ્રુપના સુધીર વળિયાનું પીઠબળ ધરાવે છે.

જેપી ઈન્ફ્રા હાઉસિંગ પ્રોજેક્ટ્સ અને નૅશનલ કૅપિટલ રીજનમાં કરોડોનાં લૅન્ડ પાર્સલ ધરાવે છે એટલે ગુજરાત સ્થિત અદાણી ગ્રુપને પણ તેમાં રસ પડ્યો છે. એનબીસીસીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તેણે હાઉસિંગ એન્ડ અર્બન અર્ફેસ મંત્રાલય પાસેથી જરૂરી બધી મંજૂરીઓ પ્રાપ્ત કરી લીધી છે.


ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (આઇઆરપી) અનુજ જૈનને લખેલા પત્રમાં એનબીસીસીએ કહ્યું છે, ‘અમે બધી જરૂરી વહીવટી મંજૂરીઓ પ્રાપ્ત કરી છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા નિર્ણયની ફેરવિચારણા કરો અને અમારી યોજનાને કમિટી ઑફ ક્રેડિટર્સ સમક્ષ વોટિંગ માટે રજૂ કરો. કૃપયા એની નોંધ લેશો કે અમે અમારા, જેપી ઇન્ફ્રાના લેણદારોનાં અને ઘર ખરીદનારાઓનાં હિતોની રક્ષા માટે આવશ્યક બધાં પગલાં લઈશું.’

એનબીસીસીએ કહ્યું છે કે નાણાકીય લેણદારોનાં હિતોની રક્ષા માટે તેણે 5૦૦૦ કરોડની કિંમતની જમીન તેમ જ યમુના એક્સપ્રેસવેની સંપૂર્ણ ઇક્વિટી ઑફર કરી છે. જેપી ઇન્ફ્રા પાસે રોકડ જનરેટ કરતો એકમાત્ર પ્રોજેક્ટ યમુના એક્સપ્રેસ વે છે.

અમને વિશ્વાસ છે કે અમારી દરખાસ્તથી ઘર ખરીદનારાઓ અને ધિરાણકર્તાઓનાં હિતોની રક્ષા થશે. આથી અમે સીઓસીને અમારી દરખાસ્ત પર ફરી વિચારણા કરવાની વિનંતી કરી છીએ, એમ કંપનીએ પત્રમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની દરખાસ્ત ફેડે ઉડાવી દેતાં સોનું ઘટ્યું

નાણાકીય લેણદારો અને જેપી ગ્રુપની રિયલ્ટી કંપની પાસેથી ઘર ખરીદનારાઓ સુરક્ષા રિયલ્ટીની બિડ પર વોટિંગ કરી રહ્યા છે, જે ત્રીજી મેએ પૂરું થશે. ઘર ખરીદનારાઓ પણ જેપી ઇન્ફ્રાટેકના આઇઆરપીને એનબીસીસીની બિડ પર વિચારણા કરવાનું જણાવશે.