મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? આ રીતે ચેક કરો ઍપ પર બતાવાતો ફોલિયો સાચો છે કે ખોટો

24 June, 2024 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગ્રૉ ઍપનો મામલો પ્રકાશમાં આવ્યો તે પહેલાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા સેબીએ ક્વૉન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર આગળ ચાલી રહેલા કેસમાં મોટી કાર્યવાહી કરી છે

પ્રતીકાત્મક તસવીર

અગ્રણી રોકાણ પ્લેટફોર્મ ગ્રૉ પર એક રોકાણકારે (Mutual Funds Safety) છેતરપિંડીનો મોટો આરોપ લગાવ્યો છે. યુઝરે દાવો કર્યો છે કે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગ્રૉએ રોકાણ કર્યા વગર તેના ખાતામાંથી પૈસા કાપી લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હનેન્દ્ર પ્રતાપ સિંહ નામના યુઝરે ગ્રૉ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કંપનીએ પૈસા લેવા છતાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું નથી. જ્યારે તેને ફોલિયો નંબર (Mutual Funds Safety) પણ આપવામાં આવ્યો હતો, જે નકલી હતો. આ સિવાય રોકાણકારે દાવો કર્યો હતો કે તેના ખાતામાં ફંડ સંબંધિત માહિતી પણ દેખાઈ રહી છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે તેની બહેને તેણે કરેલા રોકાણને રોકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે રોકાણ કરવામાં આવ્યું નથી. રોકાણકારે એક્સ પર કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. મામલાએ વેગ પકડ્યા બાદ ગ્રૉએ એક નિવેદન બહાર પાડ્યું છે.

ગ્રૉએ ભૂલ સ્વીકારી

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમણે આ વાત સ્વીકારી લીધી છે. ગ્રૉએ કહ્યું કે, “ગ્રાહકના ડેશબોર્ડ પર આકસ્મિક રીતે ફોલિયો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ વ્યવહાર થયો ન હતો અને ગ્રાહકના ખાતામાંથી કોઈ પૈસા કાપવામાં આવ્યા ન હતા. આ ખાતરી કરવા માટે છે કે રોકાણકારો દાવો કરેલી રકમ વિશે ચિંતા ન કરે, અમે સદ્ભાવનાથી રોકાણકારને તે ક્રેડિટ કરી છે. રોકાણકારને એમ પણ કહ્યું છે કે તેમને ડેબિટ થયેલી રકમનું બેન્ક સ્ટેટમેન્ટ પણ આપવું પડશે. આ દાવો કરેલા રોકાણોની તપાસ કરવામાં અમને તેમ જ અમારા નિયમનકારોને સુવિધા આપશે.”

ક્વૉન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ સવાલ

ગ્રૉ ઍપનો મામલો પ્રકાશમાં આવ્યો તે પહેલાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા સેબીએ ક્વૉન્ટ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds Safety) પર આગળ ચાલી રહેલા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે ફંડ હાઉસ અને તેની સાથે સંકળાયેલા લોકોના હેડક્વાર્ટર અને હૈદરાબાદમાં તેમના સ્થાનો પર દરોડા પાડ્યા છે. આ સમયગાળા દરમિયાન સેબીએ મોબાઈલ ફૉન, કૉમ્પ્યુટર સહિત અનેક ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે. આ બાબત સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “સેબીની મોનિટરિંગ સિસ્ટમથી જાણવા મળ્યું છે કે શંકાસ્પદ એકમોના વ્યવહારો ક્વૉન્ટ મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારો જેવા જ છે.”

મ્યુચ્યુઅલ ફંડનો ફોલિયો નંબર સાચો છે કે કેમ? આ રીતે તપાસો

જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્ટ CAMS Online અને Kfintechની વેબસાઇટ પર તમે તમારા ફોલિયોની માહિતી મેળવી શકો છો. વેબસાઇટ પર જઈ તમારે ઇન્વેસ્ટર પર ક્લિક કરી કૉન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેળવવા માટે સ્ટેટમેન્ટનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પેજ ખૂલ્યા બાદ તમારે તમારું રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી અને એક નવો પાસવર્ડ બનાવી એક એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તમારું સ્ટેટમેન્ટ તમને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. ઈ-મેઈલમાં રહેલી ફાઇલ ખોલવા માટે તમારે ઉપર બનાવેલો પાસવર્ડ નાખાવો પડશે. આ સ્ટેટમેન્ટમાં તમને તમારા ફોલિયોની બધી જ વિગતો મળશે.

mutual fund investment sebi india finance news business news