મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે નવી આશાનું કિરણ

20 August, 2012 05:46 AM IST  | 

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે નવી આશાનું કિરણ

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

લાંબા સમય સુધી ઢગલાબંધ વાતો કર્યા બાદ મૂડીબજારના નિયમનતંત્ર સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા)એ તાજેતરમાં મૂડીબજાર, મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ અને રોકાણકારો તથા મધ્યસ્થી વર્ગ માટે નવા નીતિનિયમોની લાંબી યાદી તૈયાર કરી એના અમલની જાહેરાત કરી છે.

આ કૅપિટલ માર્કેટ રિફૉમ્ર્સમાં રોકાણકારોના, બજારના, મ્યુચ્યુઅલ ફન્ડ્સના હિતમાં પગલાં હોવાનો દાવો છે. સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે ભરેલાં આ પગલાં નવી આશા સાથે એના ભવ્ય ભાવિના સંકેત આપે છે. જ્યારે આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફર) માટે સેબીએ નવા વિશ્વાસની અપેક્ષા જગાડી છે, કિન્તુ એ હજી અધૂરી જણાય છે. આપણે આ તમામ પગલાંની સંભવિત અસર સમજીએ અને એ રોકાણકારો તથા બજારનું કેવું હિત કરશે એ સમજવાનો પ્રયાસ કરીએ.

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ નવસર્જન તરફ

સૌપ્રથમ આપણે મ્યુચ્યુઅલ ફન્ડ્સ માટેનાં પગલાં પર નજર કરીએ. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ છેલ્લાં કેટલાંક વરસથી સતત સંઘર્ષ કરી રહ્યો છે. એનું કલેક્શન ઘટતું રહ્યું છે અને રિડમ્પ્શન વધતું રહ્યું છે. નાના રોકાણકારો સતત એમાંથી બહાર નીકળી રહ્યા છે. એક તાજા અહેવાલ મુજબ રોજના ધોરણે મ્યુચ્યુઅલ ફન્ડના ૮૬૦૦ ર્પોટફોલિયો બંધ થાય છે. જોકે શૅરબજારની કઠણાઈને લીધે રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓમાં કમાવાને બદલે નાણાં ગુમાવી રહ્યા છે. વધુમાં આ ઉદ્યોગનો વિકાસ ચોક્કસ શહેરો પૂરતો મર્યાદિત રહ્યો છે. આ સત્યને ધ્યાનમાં લઈ સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડને એના એજન્ટોને વધુ કમિશન ચૂકવવાની સવલત આપી છે. આ સાથે ટોચનાં મુખ્ય પંદર શહેરોની બહાર મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ વેચવા પર વધારાનું પ્રોત્સાહન-કમિશન ચૂકવવાની પણ પરવાનગી આપી છે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે મ્યુચ્યુઅલ ફન્ડનો વ્યાપ નાના-મધ્યમ શહેરોમાં પણ ફેલાય. બીજું, એજન્ટોને કમિશન વધુ મળે તો તેઓ રોકાણપ્રવાહ વધારવા માટે વધુ મહેનત કરે. વધુમાં સેબીએ એજન્ટોનો વ્યાપ વધારવાના ઉપાય તરીકે નિવૃત્ત સરકારી, બૅન્ક-અધિકારી કે નિવૃત્ત શિક્ષક, પોસ્ટલ એજન્ટને પણ મ્યુચ્યુઅલ ફન્ડની સાદી યોજનાઓના એજન્ટ બનવાની તક આપી છે.

નાનાં પગલાંની મોટી અસર

આ ઉપરાંત સેબીએ ખેડૂતવર્ગ-મજૂરવર્ગ કે નાના ગ્રામ્ય વેપારીઓ પણ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં સહેલાઈથી સહભાગી થઈ શકે એ હેતુસર તેમને પૅન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર) તથા બૅન્ક-અકાઉન્ટમાંથી મુક્તિ આપી છે, અર્થાત્ તેઓ ૨૦ હજાર રૂપિયા સુધી રોકડ સ્વરૂપે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સમાં રોકાણ કરી શકે. સેબીએ વધુમાં મ્યુચ્યુઅલ ફન્ડને તેમની મૅનેજમેન્ટ ફીમાંથી અમુક રકમ રોકાણકારોના શિક્ષણ પાછળ વાપરવાની સૂચના આપી છે. એના એજન્ટો માટે પરીક્ષા સરળ બનાવવા ઉપરાંત એનો ચાર્જ પણ ઘટાડ્યો છે. નોંધનીય બાબત એ છે કે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સનું મિસ-સેલિંગ (જેને ગેરમાર્ગે દોરીને વેચાતી યોજના કહી શકાય) કરનાર સામે કાર્યવાહીની અને આ પ્રવૃત્તિને અનફેર-ફ્રોડ્યુલન્ટ ટ્રેડ પ્રૅક્ટિસ ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

હજી ઘણાં રાહત-પ્રોત્સાહન આવશે

જેની છેલ્લા બજેટમાં જાહેરાત થઈ હતી એ રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમની માર્ગરેખા હવે જ્યારે ટૂંકમાં જાહેર થવાની છે ત્યારે સેબીએ આ રાજીવ ગાંધી સ્કીમનું રોકાણ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં પણ થઈ શકે એવી ભલામણ સરકારને કરવાનું નક્કી કર્યું છે, જે મ્યુચ્યુઅલ ફન્ડ માટે રોકાણપ્રવાહ મેળવવાનો મોટો આધાર બની શકશે, કારણ કે રાજીવ ગાંધી સ્કીમમાં સરકારે નોંધપાત્ર કરરાહત આપી છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ બચતો એકઠી કરી એને બજારલક્ષી રોકાણ તરફ વાળવાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જે અર્થતંત્રના વિકાસ માટે જરૂરી છે એ હકીકતને કેન્દ્રમાં રાખી સરકાર હજી આ ઉદ્યોગના વિકાસ માટે અનેકવિધ પ્રગતિશીલ પગલાં ભરવા માગે છે, જેથી સેબીની આ વિષયક સલાહકાર કમિટી ટૂંક સમયમાં વધુ ભલામણ સાથે આગળ આવશે એવી ખાતરી આપીને સમગ્ર ઉદ્યોગને સેબીએ મોટી આશા આપી છે.

રોકાણકારોનો બોજ ક્યાંક વધશે

જોકે સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારો પર સર્વિસ-ટૅક્સનો બોજ પણ નાખ્યો છે, જ્યારે કે બીજી તરફ ફન્ડોને રોકાણકારો પાસેથી મિનિમમ ૧૦૦ કે ૧૫૦ રૂપિયાનો ચાર્જ લેવો કે નહીં એની છૂટ આપી દીધી છે, જોકે મ્યુચ્યુઅલ ફન્ડની સફળતા મહદંશે શૅરબજારની ગતિવિધિ પર આધાર રાખે છે, એથી આખરી આધાર તો બજાર પર જ રહેશે.

આઇપીઓ : કોઈ પણ ખૂણેથી કરો અરજી

સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડ બાદ સૌથી વધુ અસરકારક અને દૂરંદેશી કદમ પ્રાઇમરી માર્કેટ માટે ભર્યા છે, જેમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ ઈ-આઇપીઓનું પગલું ગણી શકાય. અર્થાત્ હવે પછી આઇપીઓ માટે એકસાથે દેશભરમાં હજારો સેન્ટર ખૂલી જશે. એટલે કે રોકાણકારો પોતાના બ્રોકરના ટર્મિનલ મારફત પણ આઇપીઓ માટે અરજી કરી શકશે. શૅર્સની લે-વેચની જેમ રોકાણકાર બ્રોકરને નવા ઇશ્યુઓ માટે ઇલેક્ટ્રૉનિક અને ફિઝિકલ સ્વરૂપે અરજી આપી શકશે, જેથી દેશના કોઈ પણ ખૂણેથી રોકાણકારોને આ સુવિધા મળી શકશે. શૅરબજારો પોતાની વેબસાઇટ પર નવા ઇશ્યુનાં ફૉર્મ ઉપલબ્ધ બનાવશે. તેને આસબા (ઍપ્લિકેશન સર્પોટેડ બાય બ્લૉક્ડ અમાઉન્ટ)ની સુવિધા પણ મળશે, જેને લીધે રોકાણકારોને રીફન્ડની સમસ્યામાંથી મુક્તિ મળશે એ પણ ખરું. બૅન્કો આ સુવિધા વધુ શાખાઓમાં વિસ્તારે એ દિશામાં પણ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

સેફ્ટી નેટ લાવવી જરૂરી

જોકે નવા ઇશ્યુઓમાં સેફ્ટી નેટ દાખલ કરવાની બાબતે સેબી હજી વધુ ચર્ચાવિચારણા કરવા માગે છે, એથી એણે આ નિર્ણય લેવાનું મોકૂફ રાખ્યું છે, જે રોકાણકારોનો વિશ્વાસ પુન: પ્રાપ્ત કરવામાં મહત્વનું પગલું બની શકે છે. સેબીએ નજીકના ભવિષ્યમાં આનો પણ નક્કર અમલ કરવો જોઈએ. સેફ્ટી નેટમાં ઇશ્યુના લિસ્ટિંગના અમુક સમય સુધી કંપની એના શૅર્સ નિર્ધારિત ભાવે પાછા ખરીદવાની ઑફર આપે છે, એટલે કે ઇશ્યુના લિસ્ટિંગ પછી શૅરનો ભાવ ગગડી જાય તો ચોક્કસ સમયગાળા સુધી રોકાણકારો પાસેથી એના ઇશ્યુભાવે શૅર્સ પાછા લઈ લેવા કંપની તૈયાર રહે છે. સેફ્ટી નેટથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. મૂડીસર્જનની પ્રક્રિયામાં રોકાણકારોનો વિશ્વાસ બહુ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.

રોકાણકારોની રક્ષા માટે તકેદારી

નબળી કે લેભાગુ કંપનીઓ ઇશ્યુ ન લાવી શકે એવી તકેદારી વધારી દેનાર સેબીએ કોઈ પણ ઇશ્યુનાં નાણાં એના ઉદ્દેશના માર્ગે વપરાય છે કે કેમ, કંપની ઇશ્યુ ભરવા વિશે કોઈ ખોટા સંકેત તો નથી આપતીને? જેવી બાબતો ચકાસવા માટે ખાસ યંત્રણા વધારી દેવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ ઇશ્યુમાં નાના રોકાણકારોને નાનું તો નાનું, પણ પાકું અલૉટમેન્ટ મળે એ માટે જોગવાઈ કરી છે અને મિનિમમ ઍપ્લિકેશન સાઇઝ વધારીને ૧૦થી ૧૫ હજાર રૂપિયાની કરી છે, જે અત્યાર સુધી પાંચથી સાત હજાર રૂપિયાની હતી. આમ નાના રોકાણકારો માટે નવા ઇશ્યુઓમાં વધુ શૅર્સ મેળવવાનો સ્કોપ વધશે, જ્યારે ફસાઈ જવાની સંભાવના ઘટશે.