મુકેશ અંબાણીનાં ટ્વિન્સ પણ બની ગયાં રિલાયન્સની કંપનીઓનાં ડિરેક્ટર

12 October, 2014 04:46 AM IST  | 

મુકેશ અંબાણીનાં ટ્વિન્સ પણ બની ગયાં રિલાયન્સની કંપનીઓનાં ડિરેક્ટર




દેશની સૌથી મોટી પ્રાઇવેટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં અંબાણી પરિવારની જનરેશન નેક્સ્ટનો ઉદય થઈ રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે. દેશના ટોચના ઇન્ડસ્ટિÿયલિસ્ટ મુકેશ અંબાણીનાં ૨૩ વર્ષનાં ટ્વિન્સ સંતાનો ઈશા અને આકાશને ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડ અને રીટેલ બ્રાન્ચ રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં અપૉઇન્ટ કરવામાં આવ્યાં છે.

મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોમાંથી ઈશા અને આકાશ ટ્વિન્સ છે, જ્યારે તેમનાથી નાનો દીકરો અનંત અમેરિકામાં સ્ટડી કરી રહ્યો છે. યેલ યુનિવર્સિટીમાં સાઇકોલૉજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ૨૦૧૩માં ગ્રૅજ્યુએશન કર્યા બાદ ઈશાએ અમેરિકામાં થોડો સમય ગ્લોબલ કન્સલ્ટન્સી કંપની મૅકિન્ઝીમાં કામ કર્યું છે. આકાશે બ્રાઉન યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સમાં ગ્રૅજ્યુએશન બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જ 4G ટેલિકૉમ કંપનીમાં અંબાણી પરિવારના વિશ્વાસુ મનોજ મોદી સાથે બિઝનેસના પાઠ ભણ્યા છે.

મુકેશ અંબાણીનાં ટ્વિન્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયાં એ સંબંધી કંપનીના સ્ટેટમેન્ટમાં ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું કે ‘શનિવારે રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી અને એમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીની બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિમણૂકને મંજૂરી મળી હતી.

આ સ્ટેટમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર આદિલ ઝૈનુલભાઈને પણ રિલાયન્સ રીટેલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં લેવામાં આવ્યા છે અને આ બોર્ડમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરપદે દીપક જૈન તો છે જ.

આદિલ ઝૈનુલભાઈ મૅકિન્ઝી ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન છે અને ડિસેમ્બર ૨૦૧૩માં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. આદિલ ઝૈનુલભાઈ અને દીપક જૈન બન્ને રિલાયન્સ જિયો ઇન્ફોકૉમના બોર્ડમાં પણ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરપદે છે.

જિયો અને રીટેલનું જાણવા જેવું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇન્ડિયાની ટોચની પ્રાઇવેટ કંપની છે અને એનું ટર્નઓવર ૪,૪૪,૩૩૯ કરોડ રૂપિયા (૭૪.૫ બિલ્યન ડૉલર)નું છે. ૨૦૧૩-’૧૪માં રિલાયન્સનો નેટ પ્રૉફિટ ૨૨,૪૯૩ કરોડ રૂપિયા (૩.૮ બિલ્યન ડૉલર) નોંધાયો હતો. રિલાયન્સની ટેલિકૉમ બ્રાન્ચ રિલાયન્સ જિયો દેશની એકમાત્ર પ્રાઇવેટ કંપની છે જે દેશનાં તમામ બાવીસ ટેલિકૉમ સર્કલ્સ કે ઝોન્સમાં બ્રૉડબૅન્ડ વાયરલેસ ઍક્સેસ સ્પેક્ટ્રમ ધરાવે છે અને હવે ટૂંક સમયમાં ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી તેમ જ 4G ટેલિફોની સર્વિસ આપવા તત્પર છે. રિલાયન્સની રીટેલ બ્રાન્ચ દેશનાં ૧૪૮ શહેરોમાં મળીને ૧૭૨૩ રીટેલ સ્ર્ટોસ (મૉલ) દ્વારા કારોબાર કરે છે.