મોબાઇલ મારફત શૅર ટ્રેડિંગનું વૉલ્યુમ અને ટ્રેન્ડ સતત વધી રહ્યા છે!

12 April, 2019 10:29 AM IST  | 

મોબાઇલ મારફત શૅર ટ્રેડિંગનું વૉલ્યુમ અને ટ્રેન્ડ સતત વધી રહ્યા છે!

માનો કે ન માનો, પણ આંકડા કહે છે, હવે રોજ મોબાઇલ મારફત શૅરબજારમાં ૨૩૦૦ કરોડ રૂપિયાના શૅરોની લે-વેચ થાય છે. રીટેલ ઇન્વેસ્ટરો પોતાના મોબાઇલ મારફત રોજ સરેરાશ ૨૩૦૦ કરોડ રૂપિયાના સોદા કરે છે. ટકાવારીમાં આ આંકડો કુલ ટર્નઓવરના ૧૦ ટકાથી વધુ છે. માર્ચ, ૨૦૧૯માં આ સરેરાશ નોંધાઈ હતી, જે તેનાં બે વરસ અગાઉ મોબાઇલ મારફત શૅર સોદાનું પ્રમાણ ૩.૬ ટકા હતું અને પાંચ વરસ અગાઉ માત્ર ૧.૧ ટકા હતું.

સરળ અને સસ્તું પણ

મોબાઇલ મારફત સોદા કરવાનું સરળ બને છે તેમ જ હવેના સમયમાં ડેટા પ્લાન પણ સસ્તા થયા છે, જેને કારણે રોકાણકારો મોબાઇલ ટ્રેડિંગ તરફ વધુ વળી રહ્યા છે. અહીં એ નોંધવું મહkવનું છે કે મોબાઇલ ટ્રેડિંગ કરવા માટે રોકાણકારે પોતાના બ્રોકર મારફત લિન્ક થવાનું હોય છે, અર્થાત્, ટ્રેડિંગ ભલે ગ્રાહક પોતે કરે, પણ તે સોદા બ્રોકર મારફત જ રૂટ થતા હોય છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર સોદાનું પ્રમાણ કુલ ટર્નઓવરના ૧૦.૧૫ ટકા થતું હોવાનો અંદાજ છે.

અગ્રણી બ્રોકરેજ હાઉસિસ

મોબાઇલ ટ્રેડિંગ જેમની મારફત સૌથી વધુ થાય છે એવાં અગ્રણી બ્રોકરેજ હાઉસિસમાં આઇસીઆઇસીઆઇ સિક્યૉરિટીઝ, એચડીએફસી સિક્યૉરિટીઝ, કોટક સિક્યૉરિટીઝ, એડલવાઇઝ, મોતીલાલ ઓસવાલ, શેરખાન, પાંચ પૈસા ડૉટકૉમ અને ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએલ)નો સમાવેશ થાય છે. આ માર્ગે મોટા ભાગે કૅશ માર્કેટના સોદા થાય છે. મોબાઇલ ટ્રેડિંગ ઝડપી કામકાજ કરે છે અને તેથી રોકાણકાર તકનો લાભ પણ ઝડપથી મેળવી શકે છે. તે ક્યાંય પણ હોય, આ સોદા કરી શકે છે, ગ્રાહકે પોતાના બ્રોકરને ફોન કરીને આ કામ કરવાની જરૂર રહેતી નથી. આગામી પાંચેક વરસમાં આ વૉલ્યુમ પચાસ ટકા સુધી પહોંચી જવાની ધારણા છે.

news tech news