મેટા ચાલ્યું ટ્વિટરની રાહે: હજારો લોકોની નોકરી પર લટકતી તલવાર, શૅરમાં બોલાયો કડાકો

07 November, 2022 03:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કંપનીએ પહેલાથી જ કર્મચારીઓને આ અઠવાડિયે બિન-જરૂરી મુસાફરી રદ કરવા કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આ સમયે વિશ્વભરના બજારોમાં ઘણી વોલેટિલિટી છે. મંદીના ભય વચ્ચે દિગ્ગજ કંપનીઓ તેમના ખર્ચમાં કાપ મૂકવાની ફરજ પડી છે. આ વખતે અમેરિકાની સિલિકોન વેલીમાંથી કર્મચારીઓની છટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, ફેસબુક (Facebook)ની પેરેન્ટ કંપની મેટા (Meta) આ અઠવાડિયે કર્મચારીઓની છટણી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, 9 નવેમ્બર એટલે કે બુધવારે કંપની તેના હજારો કર્મચારીઓની છટણી શરૂ કરશે.

કંપનીએ પહેલાથી જ કર્મચારીઓને આ અઠવાડિયે બિન-જરૂરી મુસાફરી રદ કરવા કહ્યું હતું. જોકે આ સમગ્ર મામલે મેટા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી, મેટાના વિવિધ પ્લેટફોર્મ પર કુલ 87,000 થી વધુ લોકો કામ કરતા હતા.

ત્રિમાસિક પરિણામો માર્ક ઝકરબર્ગને ટેન્શન આપનારા

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેટાનું પ્રદર્શન તદ્દન નિરાશાજનક રહ્યું છે. 2022ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ઘટીને $4.4 બિલિયન થઈ ગયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 52 ટકા ઘટ્યો છે. કંપનીના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, કંપનીનું માર્કેટ કેપ પણ ઘટીને $600 બિલિયન થઈ ગયું છે.

ઑક્ટોબર 2022માં ઝકરબર્ગે એક નિવેદનમાં કહ્યું હતું કે “વર્ષ 2023માં અમારા રોકાણનું ધ્યાન ઝડપથી વિકસતા ક્ષેત્રો પર રહેશે. આવી સ્થિતિમાં, લોકો કેટલીક ટીમોમાં વધારો જોઈ શકે છે. તે જ સમયે, મોટાભાગની ટીમો કાં તો સ્થિર રહેશે અથવા છટણી થશે. વર્ષ 2023માં કાં તો અમારી કંપનીનું કદ ઘટશે અથવા તે સમાન જ રહેશે.” આનાથી સ્પષ્ટ થાય છે કે કંપની આવનારા સમયમાં નવા લોકોને જોડવા પર વધુ ધ્યાન આપી રહી નથી.

શું મેટા રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી રહી છે?

થોડા સમય પહેલાં મેટા શેરહોલ્ડર અલ્ટીમીટર કેપિટલ મેનેજમેન્ટે માર્ક ઝુકરબર્ગને એક ખુલ્લો પત્ર લખ્યો હતો કે “કંપનીએ કર્મચારીઓની છટણી કરીને ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ.” આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મેટા તેના રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી રહી છે.” તાજેતરમાં જ મેટાવર્સ ઝકરબર્ગ દ્વારા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ બજારમાંથી બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી.

છટણીના સંદર્ભમાં મેટા એકમાત્ર કંપની નથી. Twitter, Microsoft અને Snap Inc. જેવી કંપનીઓ પણ લોકોને કંપનીમાંથી બહાર કાઢી રહી છે. આ બધુ યુરોપમાં વધતી મોંઘવારી, ઊર્જા સંકટ જેવા કારણોને લીધે થઈ રહ્યું છે.

આ પણ વાંચો: બચતનું બહેતર ઇન્વેસ્ટમેન્ટમાં રૂપાંતર કરવાનો ઉત્તમ સમય

business news facebook mark zuckerberg