MCX સ્ટૉક એક્સચેન્જે નવા MD અને CEOની શોધ શરૂ કરી દીધી

22 October, 2013 05:48 AM IST  | 

MCX સ્ટૉક એક્સચેન્જે નવા MD અને CEOની શોધ શરૂ કરી દીધી



MCX સ્ટૉક એક્સચેન્જે નવા મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (MD અને CEO)ની શોધ શરૂ કરી છે. MCX સ્ટૉક એક્સચેન્જના ગ્રુપનું નૅશનલ સ્પૉટ એક્સચેન્જ ૫૬૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જિજ્ઞેશ શાહના નેતૃત્વ હેઠળની કંપની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝે MCX સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્પૉટ એક્સચેન્જ પ્રમોટ કર્યા છે.

ગઈ કાલે MCX સ્ટૉક એક્સચેન્જે પબ્લિક અનાઉન્સમેન્ટ દ્વારા MD અને CEOના હોદ્દા માટે સૂટેબલ, ક્વૉલિફાઇડ ઍન્ડ એક્સ્પીરિયન્સ કૅન્ડિડેટ પાસેથી ઍપ્લિકેશન મગાવી છે.

ઉચ્ચ અધિકારીઓનાં રાજીનામાં

MCX સ્ટૉક એક્સચેન્જનું લાઇસન્સ વધુ એક વર્ષ માટે રિન્યુ કરતી વખતે ગયા મહિને મૂડીબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ એક્સચેન્જને પ્રમોટરોનો ફિટ અને પ્રૉપર સ્ટેટસ બાબતે ઊભા થયેલા સવાલોના સંદર્ભમાં એક્સચેન્જનું કામકાજ હાથ ધરવા માટે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની પૅનલ સ્થાપવા માટે જણાવ્યું હતું.

આ મહિનામાં સ્ટૉક એક્સચેન્જના MD અને CEO જોસેફ મેસીએ રાજીનામું આપ્યું હતું તેમ જ જિજ્ઞેશ શાહે પણ બોર્ડમાંથી વિદાય લેવી પડી હતી. આ રાજીનામા બાદ MCXએ જાહેરાત કરી હતી કે પૂર્ણ સમયના ડિરેક્ટર એક્સચેન્જનું કામકાજ ચલાવવા માટે પબ્લિક ઇન્ટરેસ્ટ ડિરેક્ટર્સની સ્પેશ્યલ કમિટીને અસિસ્ટ કરશે. ગ્રુપની કંપનીઓમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક ઉચ્ચ અધિકારીઓએ રાજીનામાં આપ્યાં છે. ગયા સપ્તાહમાં પ્ઘ્હ્ના MD અને CEO શ્રીકાંત જવળગેકરે રાજીનામું આપ્યું હતું.

MCX સ્ટૉક એક્સચેન્જ દેશનું સૌથી નવું શૅરબજાર હતું. એક્સચેન્જે ઑક્ટોબર ૨૦૦૮માં કરન્સી ડેરિવેટિવ્ઝનું કામકાજ શરૂ કર્યું હતું. કૅપિટલ માર્કેટ્સનું ટ્રેડિંગ ફેબ્રુઆરી ૨૦૧૩થી શરૂ કર્યું હતું.

ઉમેદવારનું ક્વૉલિફિકેશન

એક્સચેન્જે MD અને CEOના હોદ્દા માટે જે પબ્લિક અનાઉન્સમેન્ટ કરી છે એમાં જણાવ્યા મુજબ ઉમેદવાર કૅપિટલ માર્કેટ, ફાઇનૅન્સ અથવા મૅનેજમેન્ટના ફીલ્ડ્સમાં ક્વૉલિફાઇડ હોવો જોઈએ તેમ જ રિલેટેડ ફીલ્ડ્સનો ઓછામાં ઓછાં ૧૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ. MD અને CEOએ બોર્ડ ઑફ ડિરેક્ટર્સને રિપોર્ટ કરવું પડશે અને બોર્ડના ડિરેક્શન તેમ જ સુપરવિઝન હેઠળ એક્સચેન્જનું કામકાજ કરવા માટે જવાબદાર રહેશે. અપૉઇન્ટમેન્ટ સેબીની મંજૂરીને આધીન રહેશે. આ અપૉઇન્ટમેન્ટ ત્રણ વર્ષ માટે હશે જે એક્સટેન્ડ પણ કરી શકાશે. ૩૧ ઑક્ટોબરે ઉમેદવારની વય ૫૦ વર્ષથી વધુની ન હોવી જોઈએ. સિલેક્શન કમિટીને યોગ્ય લાગશે તો ઉંમર અને અનુભવની મર્યાદામાં બાંધછોડ કરવામાં આવશે.