ટ્રેડ-વૉર અને શટડાઉન બાબતે ટ્રમ્પનું વલણ બદલાતાં સોનું સુધર્યું

14 February, 2019 12:50 PM IST  |  | મયૂર મહેતા

ટ્રેડ-વૉર અને શટડાઉન બાબતે ટ્રમ્પનું વલણ બદલાતાં સોનું સુધર્યું

અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉરને ખતમ કરવા માટે ટ્રમ્પે નવેસરથી પહેલ કરી હતી. ટ્રેડ-વૉર ખતમ કરવા માટે નક્કી થયેલી પહેલી માર્ચની ડેડલાઇન વધારવા માટે ટ્રમ્પે તૈયારી બતાવી હતી તેમ જ સોમવારથી બન્ને દેશો વચ્ચે ટ્રેડ-વૉર ખતમ કરવા મંત્રણાનો નવો દોર ચાલુ થશે. ટ્રેડ-વૉર ખતમ થવાની આશા ફરીથી ઊભી થતાં ડૉલર ઘટuો હતો તેમ જ ફાઇનૅન્શિયલ શટડાઉનનો સામનો ન કરવો પડે એવા ડેવલપમેન્ટને પગલે સોનામાં બાઇંગ વધતાં વલ્ર્ડ માર્કેટમાં ભાવ સુધર્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૦.૬ ટકા વધ્યો હતો જે ડિસેમ્બરમાં ૧.૫ ટકા ઘટ્યો હતો. અમેરિકન જૉબ ઓપનિંગ ડેટા ડિસેમ્બરમાં ઑલટાઇમ હાઇ ૭૩ લાખે પહોંચ્યા હતા જે નવેમ્બરમાં ૭૧ લાખ હતા અને માર્કેટની ધારણા ૬૯ લાખની હતી. ભારતનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડિસેમ્બરમાં ૨.૪ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ૦.૩ ટકા ઘટ્યું હતું, જ્યારે ભારતનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ઘટીને ૨.૦૫ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૨.૧૧ ટકા હતું. ટ્રેડ-વૉર ખતમ કરવાની મંત્રણાનું શેડ્યુલ ગોઠવાતાં કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ઘટ્યું હતું.

આ પણ વાંચોઃ ટ્રેડ-વૉરનું ભાવિ અધ્ધરતાલ હોવાથી સોનું રેન્જબાઉન્ડ

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પના હકારાત્મક વલણથી ટ્રેડ-વૉર ખતમ થવાની આશા ફરી ઊભી થઈ છે. ટ્રેડ-વૉર ખતમ થાય તો ડૉલરનું સેફ હેવન સ્ટેટસ નબળું પડે અને સોનામાં તેજીના ચાન્સિસ ઊભા થઈ શકે છે. બીજું ડેવલપમેન્ટ એ પણ થયું છે કે અમેરિકા પર તોળાઈ રહેલા ફાઇનૅન્શિયલ શટડાઉનને ખાળવા ટ્રમ્પે નરમ વલણ અપનાવીને બૉર્ડર-વૉલ બનાવવાના અલગ ફન્ડને બદલે બૉર્ડર સિક્યૉરિટી ફન્ડમાં વધારો કરવાની વાતચીત શરૂ કરી છે. બૉર્ડર સિક્યૉરિટી ફન્ડમાં બૉર્ડર વૉલ બનાવવાની વાતને નકારવામાં આવી નથી અને અલગ ફન્ડનો હઠાગ્રહ પણ રાખવામાં આવ્યો નથી. આમ ટ્રેડ-વૉર અને ફાઇનૅન્શિયલ શટડાઉન બાબતે ટ્રમ્પનું વલણ બદલાતાં સોનામાં તેજીના ચાન્સિસ એકાએક વધ્યા છે.