ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મંદી છતાં મારુતિ સુઝુકીના ત્રિમાસિક નફામાં વધારો

29 October, 2020 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મંદી છતાં મારુતિ સુઝુકીના ત્રિમાસિક નફામાં વધારો

ફાઈલ ફોટો

કોરોના મહામારીને લીધે ભારત સહિત આખા વિશ્વના ઓટોમોબાઈલ ક્ષેત્રને બ્રેક લાગી છે, તબક્કાવાર વાહનોનું વેચાણ વધી રહ્યુ છે તો પણ કોરોના પહેલા જેવુ ચિત્ર હજી આ ક્ષેત્રમાં જોવા મળતુ નથી. આ પરિસ્થિતિમાં પણ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નફો નોંધાવ્યો છે.

સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 2.05 ટકા વધીને રૂ.1,419.6 કરોડ થયો છે, જ્યારે આવક 10.34 ટકા વધીને રૂ.18,755.6 કરોડ થઈ છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ.16,997.9 કરોડ અને નફો રૂ.1,391 કરોડ હતો.

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીની આવક રૂ.18,744.5 કરોડ અને કર બાદનો નફો (PAT) રૂ.1,371.6 કરોડ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ 3.93 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 16.2 ટકા વધુ છે. સ્થાનિક બજારમાં 3,70,619 વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 18.6 ટકા વધુ છે. જોકે નિકાસ 12.7 ટકા ઘટીને 22,511 યુનિટ્સની થઈ હતી.

મારુતિ સુઝુકીનો વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કાચો નફો (ebitda) રૂ.1,933 કરોડ અને ઈબિટડા માર્જિન 10.3 ટકા હતું.

maruti suzuki business news automobiles