રિલાયન્સની રહેમ રાહે બજારનો સુધારો આગળ વધ્યો

03 May, 2025 06:39 AM IST  |  Mumbai | Anil Patel

અંબુજા સિમેન્ટ પરિણામ પાછળ ઘટી, પીએનબી હાઉસિંગ મજબૂત : વ્હર્લપૂલ માંડ બે મહિનામાં ૮૯૯થી વધીને ૧૨૯૦ થયો

પ્રતીકાત્મક તસવીર

‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ફાઇવ ગેઇનર્સમાં તમામ શૅર ડિફેન્સ સેક્ટરના : અંબુજા સિમેન્ટ પરિણામ પાછળ ઘટી, પીએનબી હાઉસિંગ મજબૂત : વ્હર્લપૂલ માંડ બે મહિનામાં ૮૯૯થી વધીને ૧૨૯૦ થયો : PE ફન્ડની એક્ઝિટમાં તાતા ટેક્નૉલૉજીઝ ૬ ટકા ગગડ્યો : ધિરાણની વસૂલાતમાં ધાકધમકી અને બળજબરીને રોકવા તામિલનાડુમાં કાયદો : પ્લાન્ટમાં આગ લાગતાં ઑરોબિંદો ફાર્મા ખરડાયો

સોમવારના હજારી જમ્પ પછી બજારનો મંગળવાર સુસ્ત નીવડ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૬૯ પૉઇન્ટ પ્લસમાં, ૮૦૩૯૭ ખૂલી છેવટે ૭૦ પૉઇન્ટ વધી ૮૦૨૮૮ અને નિફ્ટી સાડાસાત પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૨૪૩૩૬ નજીક બંધ થયો છે. બહુધા પૉઝિટિવ ઝોનમાં રહેલા માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૮૦૬૬૧ અને નીચામાં ૮૦૧૨૨ થયો હતો. આઇટી બેન્ચમાર્ક એક ટકાથી વધુ, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એકાદ ટકો, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણો ટકો સુધર્યા છે. સામે નિફ્ટી મેટલ એક ટકો, નિફ્ટી મીડિયા પોણો ટકો, નિફ્ટી હેલ્થકૅર પોણા ટકાથી વધુ, પાવર અને યુટિલિટીઝ પોણાથી એક ટકો નરમ હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૬૫ શૅર સામે ૧૪૭૮ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૪૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૨૬.૧૫ લાખ કરોડે પહોંચ્યું છે.

એશિયા ખાતે જપાન રજામાં હતું. સિંગાપોર તથા ચાઇના નહીંવત્ નરમ હતા. તાઇવાન અને થાઇલૅન્ડ એક ટકો, સાઉથ કોરિયા અડધો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ તો હૉન્ગકૉન્ગ નજીવું
પ્લસ હતું. યુરોપ રનિંગમાં બહુધા સામાન્યથી અડધો ટકો ઉપર દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૭૦૮ પૉઇન્ટ સુધરી ૧૧૪૭૭૨ હતું. બિટકૉઇન ૯૫૧૪૦ ડૉલર ચાલતો હતો.

પ્રાઇમરી માર્કેટમાં એથર એનર્જીનો એકના શૅરદીઠ ૩૨૧ની અપરબૅન્ડ સાથે ૨૯૮૧ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૧૧૯ ટકા પ્રતિસાદ સહિત કુલ માત્ર ૩૦ ટકા જ ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ એક રૂપિયો બોલાય છે. SME સેગમેન્ટમાં અમદાવાદી આઇવેર સપ્લાય ચેઇનનો શૅરદીઠ ૯૫ના ભાવનો ૨૭૧૩ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ
૯૦ ટકા ભરાયો છે. અન્ય અમદાવાદી કંપની અરુણયા ઑર્ગેનિક્સનો શૅરદીઠ ૫૮ના ભાવનો ૩૩૯૯ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૭૫ ટકા ભરાઈ ગયો છે, જ્યારે ગુજરાતના દસક્રોઈ ખાતેની કેનરિક ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૨૫ના ભાવનો ૮૭૫ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે ફક્ત ૨૫ ટકા ભરાયો છે. ત્રણમાંથી એક પણ SME ઇશ્યુમાં ગ્રેમાર્કેટ ખાતે કામકાજ નથી. ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવવાળી ટૅન્કઅપ એન્જિનિયર્સનું લિસ્ટિંગ આજે થવાનું છે. ગ્રેમાર્કેટમાં હાલ ૧૩ રૂપિયાનું પ્રીમિયમ છે.

રિલાયન્સની આગેકૂચ બજારને ૧૮૬ પૉઇન્ટ ફળી

રિલાયન્સે રાજાપાઠ જાળવી રાખ્યો છે. શૅર સવાબે ટકા વધી ૧૪૦૦ ઉપર બંધ આપી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર રહેતાં બજારને ૧૮૬ પૉઇન્ટ મળી ગયા છે. નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રિક ૪ ટકા વધી ૩૧૭ના બંધમાં બેસ્ટ ગેઇનર હતો. તાતાની ટ્રેન્ટ લિમિટેડે ૩૦૩ કરોડની એકંદર ધારણા સામે ૩૫૦ કરોડ ત્રિમાસિક નફો કરતાં ભાવ સાડાત્રણ ટકા વધી ૫૩૯૧ થયો છે. ટેક મહિન્દ્ર સવાબે ટકા વધી છે. HCL ટેક્નૉલૉજીઝમાં LICનું હોલ્ડિંગ ત્રણ ટકાથી વધી પાંચ ટકા થતાં શૅર ૧.૪ ટકા વધી ૧૫૭૧ હતો. તાતા કન્ઝ્યુમર ૧.૨ ટકા, ઝોમાટો પોણાબે ટકા, ઇન્ફોસિસ એક ટકા વધ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક, ટીસીએસ અને બજાજ ફિનસર્વ પોણો ટકો પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ પરિણામ પૂર્વે ૯૦૮૯ના લેવલે લગભગ ફ્લૅટ હતો.

આગલા દિવસે ત્રણ ટકા વધેલી સનફાર્મા ગઈ કાલે બે ટકા બગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા આટલા જ ઘટાડે વર્સ્ટ પર્ફોર્મર હતી. પરિણામની અસરમાં અલ્ટ્રાટેક બે ટકા કટ થયો છે. ONGC બે ટકા નજીક, પાવરગ્ર‌િડ પોણાબે ટકા, NTPC સવા ટકો, મહિન્દ્ર તથા કોટક બૅન્ક એકાદ ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૯ ટકા, JSW સ્ટીલ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણાબે ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકો, શ્રીરામ ફાઇનૅન્સ સવા ટકો, હિન્દાલ્કો એક ટકો, સિપ્લા-નેસ્લે તથા આઇશર પોણા ટકા આસપાસ ડાઉન હતા. HDFC બૅન્ક તથા આઇટીસી અડધો ટકો અને સ્ટેટ બૅન્ક પોણો ટકો માઇનસ હતી.

RPG લાઇફનો ત્રિમાસિક નફો ૭૮૬ ટકા ઊછળ્યો

કૌભાંડગ્રસ્ત જેનસોલ એન્જિનિયરિંગની અમદાવાદ તથા ગુરુગ્રામ ખાતેના પ્રિમાઇસિસ પર EDના દરોડા પડતાં શૅર વધુ એક નીચલી સર્કિટમાં પાંચ ટકા ગગડી ૮૨ના નવા તળિયે ગયો છે. તાતા ટેક્નૉલૉજીઝમાં PE ફન્ડ TPG રાઇઝ દ્વારા ચારેક ટકા હિસ્સો બલ્કડીલમાં વેચાણ થતાં ભાવ છ ટકા ખરડાઈ ૬૬૩ બંધ થયો છે. ઑરોબિંદો ફાર્માના આંધ્ર પ્રદેશ ખાતેના પ્લાન્ટમાં આગ લાગતાં શૅર ત્રણ ટકા ઘટી ૧૨૧૦ નીચે ગયો છે.

હર્ષ ગોએનકાની RPG લાઇફ સાયન્સનો માર્ચ ક્વૉર્ટરનો નફો ૭૮૬ ટકા ઊછળી ૧૧૭ કરોડને વટાવી જતાં શૅર બાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૩૬૬ બતાવી છેવટે સવાત્રણ ટકા વધી ૨૧૭૭ બંધ થયો છે. ફેસવૅલ્યુ ૮ની છે. વ્હર્લપૂલમાં વિદેશી પ્રમોટર્સનો આંશિક હિસ્સો ખરીદવા કોઈક PE ફન્ડ ઉત્સુક હોવાના અહેવાલમાં શૅર સાડાચાર ગણા કામકાજમાં સાડાસાત ટકા ઊછળી ૧૨૯૦ રહ્યો છે. ૩ માર્ચે અહીં ૮૯૯નું મલ્ટિયર બૉટમ બન્યું હતું. PNB હાઉસિંગ ફાઇનૅન્સ પરિણામ પાછળ ઉપરમાં ૧૦૮૫ બતાવી ૧૮ ગણા વૉલ્યુમે સાડાચાર
ટકા ઊંચકાઈ ૧૦૩૧ નજીક સરકી છે.

અંબુજા સિમેન્ટ્સનો નફો ૧૦૫૧ કરોડથી વધીને ૯૫૬ કરોડ આવ્યો છે. શૅર બે ટકા ઘટી ૫૩૪ બંધ હતો. એસીસી અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા ડાઉન હતી. ટીવીએસ મોટર્સ સારાં પરિણામ પછી પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં સાડાત્રણ ટકા ગગડી ૨૭૦૨ બંધ રહી છે. BSE લિમિટેડ ૬૮૦૮ની નવી ટૉપ બતાવી સવા ટકો વધી ૬૬૪૧ વટાવી ગઈ છે. મહિન્દ્રની એન્ટ્રીમાં આગલા દિવસે ૧૦ ટકા તૂટેલી SML ઇસુઝુ ગઈ કાલે નીચામાં ૧૫૨૦ થઈ અઢી ટકા ગગડી ૧૫૫૦ રહી છે.

માઝગાવ ડૉક નવા શિખરે, પારસ ડિફેન્સ ૨૦ ટકાની તેજીમાં

શિપબિલ્ડિંગ અને ડિફેન્સ શૅરમાં ફૅન્સી આગળ વધી છે. પારસ ડિફેન્સ ૭ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨૮ રૂપિયા ઊછળી ૧૩૭૧ બંધ થયો છે. ડેટા પૅટર્ન્સ ૨૬૫૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાપંદર ટકા કે ૩૨૯ની તેજીમાં ૨૫૬૩ હતો. ગાર્ડનરિચ સાડાસાત ગણા વૉલ્યુમે ૧૨ ટકા કે ૨૦૯ના જમ્પમાં ૧૯૫૯ થયો છે. કોચીન શિપયાર્ડ ૯ ગણા કામકાજમાં ૧૦ ટકાની તેજીમાં ૧૫૦ ઊંચકાઈ ૧૬૫૨ હતો. માઝગાવ ડૉક પાંચ ગણા વૉલ્યુમે ૩૦૪૭ની નવી ટૉપ દેખાડી ૨૪૩ રૂપિયા કે પોણાનવ ટકા ઊછળી ૩૦૩૦ રહ્યો છે.

ડીસીએક્સ સિસ્ટમ્સ ૬ ટકાની મજબૂતીમાં ૨૯૯ હતી. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સવાચાર ટકા નજીક કે ૧૮૪ વધી ૪૬૧૦ વટાવી ગયો છે. ભારત ઇલેક્ટ્રિક ચારેક ટકા, ભારત ડાયનૅમિક્સ સવાત્રણ ટકા, આઇડિયા ફોર્જ ટેક્નૉલૉજીઝ સવાચાર ટકા, ભારત અર્થમૂવર સવાત્રણ ટકા, મિશ્ર ધાતુ નિગમ સવાબે ટકા વધ્યો છે.

એક અન્ય મહત્ત્વની ઘટનામાં ધાકધમકી અને દાદાગીરી કે બળજબરીપૂર્વક ધિરાણની વસૂલાત સામે કર્ણાટકા પછી હવે તામિલનાડૂ રાજ્ય સરકાર પણ કડક બની છે. આ પ્રકારની પ્રવૃત્તિ રોકવા કાયદો બનાવ્યો છે. જે લૅન્ડર્સ ખાસ કરીને માઇક્રો ફાઇનૅન્સ કંપનીઓને કઠશે. માઇક્રો ફાઇનૅન્સ કંપનીઓની કુલ AUMમાં તામિલનાડૂ ૧૩ ટકાના હિસ્સા સાથે બીજા ક્રમે છે. લાર્સન ફાઇનૅન્સ, ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક, મુથુટ માઇક્રોફિન, ક્રેડ‌િટ ઍક્સેસ ગ્રામીણ જેવી કંપનીઓ તરફથી અપાતા ધિરાણમાં તામિલનાડૂનું એક્સ્પોઝર ૨૦ ટકા જેટલું છે.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex reliance