07 May, 2025 07:08 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
સ્પોર્ટકિંગ ઇન્ડિયા અને ઝોડિઍક ક્લોધિંગ્સમાં ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટ, વિક્ટોરિયા મિલ્સમાં ૧૧૩૮ રૂપિયાનો ઉછાળો : વી-માર્ટ રીટેલનું એક શૅરે ત્રણનું બોનસ, પારસ ડિફેન્સમાં ૧૦ના શૅરનું પાંચમાં વિભાજન : અદાણી એન્ટરપ્રાઇઝસના નફામાં થયેલો સાત ગણો વધારો આભાસી નીવડતાં શૅર નહીંવત્ નરમ : પરિણામની પૂર્વસંધ્યાએ સ્ટેટ બૅન્કમાં સુધારો, ICICI બૅન્ક ઑલટાઇમ હાઈ : પાકિસ્તાની બજાર ૨૮૪૪ પૉઇન્ટ બાઉન્સ બૅક
મૂડીઝ, ફિચ, આઇએમએફ પછી હવે સ્ટા. પુઅર્સે પણ ચાલુ વર્ષ માટે ભારતના GDP ગ્રોથને ડાઉન ગ્રેડ કર્યો છે, પરંતુ માર્કેટ એની નોંધ લેવાના મૂડમાં નથી. તાજેતરમાં પૂરા થયેલા ૨૦૨૪-’૨૫ના વર્ષે બૅન્ક-ધિરાણનો વૃદ્ધિદર જે અગાઉના વર્ષે ૨૦.૧ ટકા હતો એ ગગડીને ૧૧.૬ ટકા નોંધાયો છે. બજારને એની કશી ફિકર નથી. અમિત શાહે આતંકવાદીઓને વીણી-વીણીને મારવાનું કાશ્મીરમાં એલાન કર્યું છે, (ચુન-ચુન કે મારુંગાવાળો શોલેનો ડાયલૉગ અનાયાસ યાદ આવી ગયો છે) પરંતુ બજાર આનાથી સાવ બે-અસર રહ્યાં છે. ચૅનલો ઉપર યુદ્ધસ્થ કથાઃ રમ્યાઃની ૨૪/૭ લવરી ચાલી રહી છે. સરકારે ખાસ બેઠક યોજી એનાં વિઝ્યુઅલ્સનો બરાબર પ્રચાર થાય એની ખાસ તકેદારી રાખીને સેનાને છૂટો દોર અપાયો હોવાના અહેવાલ વહેતા કર્યા છે. આના પગલે યુદ્ધ જેવું કંઈક અવશ્ય થશે એવી વ્યાપક ધારણા કામે લાગી છે. પાકિસ્તાન આજકાલમાં પતી જશે એવું માનવાવાળો વર્ગ જોશમાં છે. જોકે અત્યાર સુધી આવું કશું થયું નથી. અમુલે દૂધના ભાવ વધારી દીધા છે. વૉરના ગોકીરા વચ્ચે પણ શૅરબજાર સુધારાના મૂડમાં રહ્યાં છે. FII સતત લેવાલ છે એ પણ સૂચક છે. એમાં પણ સેન્સેક્સ ગઈ કાલે ઉપરમાં ૮૧,૧૭૮ની નજીક જઈને ૨૬૦ પૉઇન્ટ વધી ૮૦,૫૦૨ બંધ આવ્યો એની ખાસ નોંધ લેવાવી જોઈએ. સેન્સેક્સના મુકાબલે નિફ્ટી ઘણો ઓછો, માત્ર ૧૨ પૉઇન્ટ સુધરી ૨૪,૩૪૭ બંધ હતો. રોકડું તથા બ્રૉડર માર્કેટ નહીંવતથી સાધારણ નરમ હતું. બન્ને બજારના મોટા ભાગનાં સેક્ટોરલ ઢીલાં હતાં. કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ ૧.૭ ટકા, ટેલિકૉમ બે ટકા, પાવર-યુટિલિટીઝ એકાદ ટકો, રિયલ્ટી અને મેટલ અડધો ટકો નરમ હતા. સામે કૉગ્નિઝન્ટની હૂંફમાં IT ઇન્ડેક્સ અડધો ટકો સુધર્યો છે. નિફ્ટી ફાર્મા પોણો ટકો ઘટ્યો છે. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૯૨ શૅરની સામે ૧૬૫૧ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪૪,૦૦૦ કરોડ રૂપિયા ઘટી ૪૨૨.૮૧ લાખ કરોડ રૂપિયા જોવાયું છે.
મંગળવારે ૩૫૧૯ પૉઇન્ટના કડાકામાં ૧,૧૧,૩૫૩ બંધ રહેલું પાકિસ્તાની શૅરબજાર વળતા દિવસે ૨૭ પૉઇન્ટની મામૂલી નરમાઈમાં ૧,૧૧,૩૨૬ બંધ રહ્યા પછી ગઈ કાલે ઉપરમાં ૧,૧૪,૫૪૭ બતાવી ૨.૬ ટકા કે ૨૮૪૪ પૉઇન્ટના બાઉન્સ-બૅકમાં ૧,૧૪,૧૭૧ બંધ થયું છે. એશિયા ખાતે ચીન રજામાં છે. અન્ય તમામ અગ્રણી બજાર સુધર્યાં છે. તાઇવાન ૨.૭ ટકા, હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, જપાન એક ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો વધ્યું છે. યુરોપ રનિંગમાં સવાથી પોણાબે ટકા મજબૂત હતું. લંડન ફુત્સી પોણો ટકો પ્લસ હતો. બિટકૉઇન ઉપરમાં ૯૭,૧૯૮ ડૉલર વટાવી રનિંગમાં ૯૬,૮૮૩ ડૉલર દેખાયો છે. ચીન-અમેરિકા વચ્ચે ટૅરિફ-વૉરની તૂ-તૂ, મૈં-મૈનું સ્થાન યારી-દોસ્તીની વાતોએ લીધું છે. આ એક ભ્રમણા ન હોય એવી આશા રાખીએ.
અદાણી પોર્ટ્સ પરિણામ પાછળ તગડા વૉલ્યુમે ટૉપ ગેઇનર
અદાણી પોર્ટ્સનો ત્રિમાસિક નફો ૪૮ ટકા જેવો વધી ૩૦૧૪ કરોડ આવતાં શૅર ૭ ગણા વૉલ્યુમે ૪ ટકાથી વધુ ઊંચકાઈને ૧૨૬૭ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. અદાણીની ફ્લૅગશિપ અદાણી એન્ટર.નો નફો સાડાસાત ગણો વધી ૩૮૪૫ કરોડ રૂપિયા થયો છે. જોકે અદાણી વિલ્મરનો ૧૩.૫ ટકા હિસ્સો વેચીને થયેલા ૩૯૪૬ કરોડના વન ટાઇમ ગેઇનની અસર મજરે લઈએ તો ખરેખર નફો ઘટ્યો છે. શૅર નહીંવત્ ઘટી ૨૨૯૩ હતો. શૅરદીઠ ૪ના ઉદાર બોનસ અને સારા પરિણામ પછી મંગળવારે ગગડેલો બજાજ ફાઇનૅન્સ ગઈ કાલે અઢી ટકા વધીનેને ૮૮૬૨ રહ્યો છે. બજાજ ફિન સર્વ નજીવો સુધર્યો હતો. પરિણામની પૂર્વસંધ્યાએ સ્ટેટ બૅન્ક દોઢ ટકો વધી ૮૦૦ થયો છે, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૭ ટકા, આઇટીસી ૧.૧ ટકા, તાતા સ્ટીલ એક ટકો વધ્યો હતો.
રિલાયન્સ એક ટકાની આગેકૂચમાં ૧૪૨૨ બંધ આવી બજારને સર્વાધિક ૭૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ICICI બૅન્ક ૧૪૪૬ની વિક્રમી સપાટી બનાવી પોણા ટકા નજીકના સુધારે ૧૪૩૨ રહ્યો છે. કૉગ્નિઝન્ટના પરિણામ અને ગાઇડન્સ સારા આવતાં એની પાછળ ઇન્ફી અને ટીસીએસ અડધા ટકા આસપાસ પ્લસ હતા.
સેન્સેક્સ ખાતે બે ટકા બગડી નેસ્લે ટૉપ લૂઝર હતો. નિફ્ટીમાં JSW સ્ટીલ સાડાપાંચ ટકા ખરડાઈને વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. HDFC લાઇફ બે ટકાથી વધુ, સિપ્લા દોઢ ટકો, શ્રીરામ ફાઇનૅન્સ સવા ટકો, ટાઇટન અને પાવર ગ્રીડ એક ટકાથી વધુ, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો ઘટ્યો છે. ઝોમાટોનો નફો ૭૭ ટકા ગગડવા છતાં શૅર પોણો ટકો વધીને ૨૨૪ વટાવી ગયો છે. સ્વિગી સાડાત્રણ ટકા બગડી ૩૦૫ના ઑલટાઇમ બૉટમે બંધ થયો છે. પરિણામ ૯ મેના રોજ છે.
ઑટો શૅરોમાં વેચાણના આંકડાની વધ-ઘટની અસર
ઑટો શૅરોમાં એપ્રિલમાં વાહનોના વેચાણ આધારિત વધઘટની અસર શૅરોના ભાવમાં વિચિત્ર રીતે વરતાઈ છે. મારુતિનું વેચાણ પોણાસાત ટકા વધીને આવતાં શૅર સવા ટકો વધીને ૧૨,૪૦૯ બંધ થયો છે. હ્યુન્દાઇનું વેચાણ સાડાચાર ટકા ઘટવા છતાં પોણો ટકો સુધરી ૧૭૨૦ હતો. મહિન્દ્રના ટ્રૅક્ટર્સનું વેચાણ ૮ ટકા અને SUVનું વેચાણ ૨૮ ટકા વધ્યું છે. શૅર નજીવો સુધરી ૨૯૩૦ હતો. તાતા મોટર્સનું કુલ વેચાણ ૬ ટકા ઘટવા છતાં શૅર સવા ટકો વધીને ૬૫૨ થયો છે. આઇશર મોટર્સનું વેચાણ ગયા મહિને ૨૭.૮ ટકા વધ્યું છે, પરંતુ શૅર અઢી ટકા ગગડી ૫૪૩૦ બંધ થયો છે. બજાજ ઑટો કુલ વેચાણમાં છ ટકાના ઘટાડાની અસરમાં ૧૯૭ રૂપિયા કે અઢી ટકા ખરડાયો છે. ટીવીએસ મોટર્સનું કુલ વેચાણ ૧૬ ટકા વધીને આવતાં શૅર ૧.૪ ટકા વધી ૨૭૦૫ વટાવી ગયો છે. અશોક લેલૅન્ડ છ ટકાના વેચાણમાં ઘટાડા પાછળ સવાબે ટકા ખરડાઈ ૨૨૦ હતો. એસ્કોર્ટનું ટ્રૅક્ટર્સનું વેચાણ માંડ સવા ટકો ઘટ્યું છે એમાં શૅર ૧.૪ ટકાની નરમાઈમાં ૩૨૧૩ બંધ હતો. હીરો મોટો કૉર્પનું વેચાણ લગભગ ફ્લેટ હતું, પરંતુ શૅર અઢી ટકાની ખરાબીમાં ૩૭૩૮ બંધ આવ્યો છે. કરસન પટેલની નુવાકો વિસ્ટાએ ૬૫ ટકાના વધારામાં ૧૬૫ કરોડનો ત્રિમાસિક નફો કર્યો છે જેમાં શૅર સાડાપાંચ ટકા ઊછળીને ૩૩૭ બંધ થયો છે. MOILનો ત્રિમાસિક નફો ૨૭ ટકા વધી ૧૧૬ કરોડ રહેતાં ભાવ સાતેક ટકાના જમ્પમાં ૩૩૯ વટાવી ગયો છે. અદાણી પાવરનો ત્રિમાસિક નફો પોણાચાર ટકા ઘટી ૨૬૩૭ કરોડ આવતાં શૅર સવા ટકાની નરમાઈમાં ૫૨૫ હતો. BSE લિમિટેડ મંગળવારની નબળાઈ આગળ વધારતાં પોણો ટકો ઘટીને ૬૩૦૬ રહ્યો છે. MCX બે ટકા વધી ૬૨૫૫ થયો છે, પરિણામ ૮ મેના રોજ આવશે.
ફોર્સ મોટર્સ ૧૧૪૦ના ઉછાળે નવા બેસ્ટ લેવલે બંધ
ફોર્સ મોટર્સને લશ્કરી દળો માટે ૨૯૭૮ ગુરખા વેહિકલ્સ સપ્લાય કરવાનો ઑર્ડર મળ્યો છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં સારાં પરિણામ જાહેર કર્યાં છે. સરવાળે શૅર ત્રણ ગણા કામકાજે ૧,૦૨,૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી તેર ટકા કે ૧૧૪૦ના ઉછાળે ૧૦૦૬૦ બંધ રહ્યો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૮૮૪ની છે. છેલ્લે બોનસ જુલાઈ ૧૯૮૬માં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના ૨૮.૪ના P/E સામે હાલ આ શૅર ૧૬.૬ના P/E ઉપર મળે છે. ટીમકેન ઇન્ડિયા ૫૮ ગણા કામકાજે ૧૧.૪ ટકા કે ૨૭૮ના જમ્પમાં ૨૭૨૯ બંધ આપી એ-ગ્રુપમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર હતો. ગો ફૅશન્સ મજબૂત ચાલ આગળ વધારતાં નવ ટકા વધી ૮૫૫ થયો છે. જુબિલન્ટ ઇન્ગ્રેવિઆ સાડાસાત ટકા ઊંચકાઈએ ૬૯૧ હતો.
ગોદરેજ ઍગ્રોવિટ પરિણામ પાછળ ૧૪ ટકા તૂટીને ૬ ગણા કામકાજે ૬૬૪ બંધ આવી એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ISGEC હેવી એન્જિનિયરિંગ પોણાઆઠ ટકા, ફિનિક્સ મિલ્સ ૭.૭ ટકા, ડેટા પૅટર્ન્સ સાત ટકા તથા ઇન્ડ્સ ટાવર પણ સાત ટકા ખરડાયો હતો. વી-માર્ટ રીટેલ દ્વારા પરિણામની સાથે એક શૅરદીઠ ત્રણનું બોનસ જાહેર થયું છે. શૅર ત્રણેક ટકા સુધરી ૩૩૭૦ બંધ રહ્યો છે.
ટેક્સટાઇલ કંપની સ્પોર્ટ્સ કિંગ્સ ઇન્ડિયા ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૧૧ નજીક સરક્યો છે. ગાર્મેન્ટ કંપની ઝોડિઍક ક્લોધિંગ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૮ વટાવી ગયો છે. વિક્ટોરિયા મિલ્સ ૧૮.૫ ટકા કે ૧૧૩૮ની તેજીમાં ૭૩૦૦ રૂપિયા બંધ થયો છે, પારસ ડિફેન્સ દ્વારા ૧૦ના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન નક્કી થયું છે. શૅર સવા ટકો ઘટીને ૧૩૪૮ હતો. પીએનબી હાઉસિંગમાં બ્લૉકડીલ મારફત કાર્લાઇલે એક્ઝિટ લીધી છે. શૅર ૪ ટકા વધી ૧૦૫૧ બંધ રહ્યો છે.