તમામ સેક્ટોરલની નબળાઈ સાથે બજાર વધ્યા પછી નજીવું ડાઉન

25 July, 2025 07:00 AM IST  |  Mumbai | Anil Patel

પુણેની મોનાર્ક સર્વેયર્સનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૯૩૭૫ લાખનો SME IPO પ્રથમ દિવસે જ ૧૮ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળી ૧૬૫ રૂપિયે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પુણેની મોનાર્ક સર્વેયર્સનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૯૩૭૫ લાખનો SME IPO પ્રથમ દિવસે જ ૧૮ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળી ૧૬૫ રૂપિયે : પેટીએમ પ્રથમ વાર નફામાં આવી, શૅરમાં હવે રીરેટિંગ જામશે : એટર્નલ પાછળ સ્વિગી પણ જોરમાં, પરાગ મિલ્કનો નફો એક ટકો ઘટતાં શૅર ચાર ટકા બગડ્યો : ICICI બૅન્ક નવા બેસ્ટ લેવલે, રિલાયન્સમાં ખરાબી આગળ વધી : સુંદરમ બ્રેકલાઇનિંગ ૨૦ ટકા તથા SML ઇસુઝુ ૧૦ ટકાની તેજીની સર્કિટે બંધ

ચાઇના અને હૉન્ગકૉન્ગના અડધા ટકા જેવા સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયાઈ બજાર મંગળવારે ડાઉન થયાં છે. તાઇવાન દોઢ ટકો, સાઉથ કોરિયા સવા ટકો, થાઇલૅન્ડ એક ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો માઇનસ હતું. રનિંગમાં લંડન ફુત્સી ફ્લૅટ હતો. અન્ય યુરોપિયન બજાર અડધાથી એકાદ ટકો ઢીલાં હતાં. બિટકૉઇન ૧.૧૬થી ૧.૧૮ લાખ ડૉલરની આસપાસ ઘુંટાઈ રહ્યો છે. રનિંગમાં ૧,૧૮,૨૮૫ ડૉલર ચાલતો હતો. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૨૭ પૉઇન્ટ ઉપર, ૮૨,૫૨૭ ખૂલી છેવટે ૧૩ પૉઇન્ટની પરચૂરણ નરમાઈમાં ૮૨,૧૮૭ તથા નિફ્ટી ૩૦ પૉઇન્ટ ઘટીને ૨૬,૦૬૧ બંધ થયો છે. માર્કેટ પૉઝિટિવ ઝોનમાં ખૂલી તરત ૮૨,૫૩૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી વધ-ઘટે ઘસાતું જોવાયું હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૨,૧૧૦ દેખાયો હતો. બન્ને બજારના લગભગ તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. રિયલ્ટી એક ટકો, ઑટો પોણો ટકો, ટેલિકૉમ ૦.૯ ટકા, આઇટી તથા હેલ્થકૅર અડધા ટકા જેવા, નિફ્ટી ફાર્મા એક ટકો ઘટ્યો છે. નિફ્ટી મીડિયા ૧૦માંથી ૯ શૅરની ખરાબીમાં સવાબે ટકા ખરડાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકા ડૂલ થયો છે. એના ૧૨માંથી ૧૧ શૅર માઇનસ હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નબળાઈ વચ્ચે ૧૯૭ પૉઇન્ટ જેવો સાધારણ ઘટ્યો છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૨૫૩ શૅરની સામે ૧૬૮૨ કાઉન્ટર નરમ હતાં. બજારનું માર્કેટકૅપ ૧.૪૪ લાખ કરોડ ઘટીને ૪૫૮.૪૫ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.

સ્ટેટ બૅન્ક તરફથી રિલાયન્સ કમ્યુનિકેશન્સ તેમ જ એના કારભારી અનિલ અંબાણી ઉપર ફ્રૉડનું લેબલ લગાવી સીબીઆઇને ફરિયાદ કરવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. અનિલ ગ્રુપની રિલાયન્સ પાવર ગઈ કાલે સવાત્રણ ટકા ગગડી ૬૧ ઉપર તો રિલાયન્સ ઇન્ફ્રા બે ટકા નજીક બગડીને ૩૭૬ બંધ થઈ છે. પેટીએમનાં પરિણામ બંધ બજારે આવ્યાં હતાં. કંપનીએ ૨૮ ટકાના વધારામાં ૧૯૧૮ કરોડની આવક મેળવી અગાઉની ૮૩૯ કરોડની ચોખ્ખી ખોટ સામે આ વેળા ૧૨૩ કરોડનો પ્રથમ વાર નેટ પ્રૉફિટ કર્યો છે. શૅરમાં હવે રીરેટિંગ શરૂ થઈ જશે. ઇન્ડિયા સિમેન્ટ્સપાં પરિણામ ત્રણેક દિવસ પહેલાં આવેલાં જેમાં કંપની ૫૮ કરોડના નફામાંથી ૧૩૩ કરોડની નેટ લૉસમાં આવી હતી. ગઈ કાલે આ શૅર ૧૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૭૬ નજીક જઈને આઠ ટકા ઊછળી ૩૭૦ વટાવી ગયો છે, કારણ ખબર નથી. પરિણામ પૂર્વે ડિક્સન ટેક્નૉલૉજીઝ એક ટકો ઘટી ૧૬,૧૧૨ બંધ રહી છે. કંપનીએ બંધ બજારે આવકમાં ૯૫ ટકા વૃદ્ધિ સાથે ૬૮ ટકાના વધારામાં ૨૨૫ કરોડનો નેટ નફો દર્શાવ્યો છે.  

બ્રિગેડ હોટેલના આઇપીઓ કરતાં ITC હોટેલ્સનો શૅર લેવો વધુ સારો

મેઇન બોર્ડમાં આજે બુધવારે સતત ખોટ કરતી ઇન્ડિક્યુબ સ્પેસિસ એકના શૅરદીઠ ૨૩૭ની અપર બૅન્ડમાં ૭૦૦ કરોડ રૂપિયાનો તથા GNG ઇલેક્ટ્રૉનિક્સ બેના શૅરદીઠ ૨૩૭ની અપર બૅન્ડમાં ૪૬૦ કરોડ પ્લસનો આઇપીઓ કરવાની છે. હાલ ઇન્ડિક્યુબમાં ૨૩ રૂપિયા તથા GNGમાં ૯૮ રૂપિયાનું પ્રીમિયમ સંભળાય છે. ગુરુવારે કર્ણાટકના બૅન્ગલોરની બ્રિગેડ હોટેલ વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડમાં ૭૬૦ કરોડ રૂપિયા નજીકનો ઇશ્યુ કરશે. અત્રે ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૧૪ છે. રિયલ્ટી કંપની બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ આ કંપનીમાં પ્રમોટર તરીકે ૯૫.૩ ટકા જેવો હિસ્સો ધરાવે છે જે આઇપીઓ બાદ ઘટી ૭૪.૧ ટકા જેવો રહેશે. બ્રિગેડ હોટેલના ૭૬૦ કરોડના ઇશ્યુથી મહત્તમ લાભ બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસને થવાનો છે. તેનો શૅર ગઈ કાલે એક ટકો ઘટીને ૧૦૯૦ બંધ થયો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. બ્રિગેડ હોટેલ છેલ્લાં બે વર્ષથી નફામાં છે. ગત વર્ષે આવક ૪૦૫ કરોડથી વધીને ૪૭૧ કરોડ થઈ છે પણ નેટ પ્રૉફિટ ૩૧૧૪ લાખથી ઘટી ૨૩૬૬ લાખ નોંધાયો છે. કંપનીનું દેવું ૬૧૭ કરોડ છે. બ્રિગેડ હોટેલનો ઇશ્યુ ઘણો મોંઘો જણાય છે. EPS ૭૨ પૈસા છે. આ ધોરણે ઇશ્યુ પ્રાઇસ ૧૨૫નો પીઈ સૂચવે છે. બુકવૅલ્યુના મુકાબલે ભાવ સવાબત્રીસ ગણો વધુ છે. આ ભાવે બ્રિગેડ હોટેલ લેવી એના કરતાં તો એનાથી દસેક ગણી મોટી એવી ITC હોટેલ્સ ૨૫૦માં લેવી ક્યાંય સારી છે.

SME સેગમેન્ટમાં પુણેની મોનાર્ક સર્વેયર્સ ૧૦ના શૅરદીઠ ૨૫૦ની અપર બૅન્ડમાં ૯૩૭૫ લાખનો BSE SME IPO ગઈ કાલે લાવી છે જે પ્રથમ દિવસે કુલ ૧૮ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૧૫૨વાળુ પ્રીમિયમ હાલમાં ૧૬૫ જેવું બોલાય છે. બીજા દિવસના અંતે સાવી ઇન્ફાનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો કુલ આશરે ૭૦ કરોડનો ઇશ્યુ સાડાઆઠ ગણો અને સ્વસ્તિકા કાસ્ટલનો શૅરદીઠ ૬૫ના ભાવનો ૧૪૦૭ લાખનો ઇશ્યુ ૨.૯ ગણો ભરાઈ ચૂક્યો છે. સાવી ઇન્ફ્રામાં ૧૮વાળુ પ્રીમિયમ વધી હાલમાં ૨૩ બોલાય છે. બુધવારે જાલંધરની TSC ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવે ૨૫૮૯ લાખનો SME IPO કરવાની છે. મુંબઈની મોનિકા આલ્કોબિવનું લિસ્ટિંગ આજે બુધવારે છે. શૅરદીઠ ૨૮૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં હાલ એક રૂપિયાનું પ્રીમિયમ સંભળાય છે.

હેવેલ્સ ઇન્ડિયા નબળાં પરિણામ પચાવી ત્રણ ટકા વધ્યો

વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ રૂપિયાના ડિવિડન્ડમાં એક્સ-ડિવિડન્ડ થતાં ગઈ કાલે સવા ટકો કે ૧૧૧ રૂપિયા ઘટી ૯૪૩૭ બંધ થઈ છે. મહિન્દ્ર લૉજિસ્ટિકસ એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૪૧૩ થઈ સવાબે ટકા વધીને ૪૧૦ હતી. સેબી તરફથી જેન સ્ટ્રીટને બજારમાં કામકાજ કરવાની શરતી છૂટ આપવામાં આવી છે. આના કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વૉલ્યુમ ખાડે જવાની દહેશત હળવી બની છે. BSE લિમિટેડ આગલા દિવસની ત્રણેક ટકાની મજબૂતી આગળ વધારતાં ઉપરમાં ૨૫૭૧ થઈ એક ટકા વધી ૨૫૪૮ રહી છે. જેન સ્ટ્રીટની ઇન્ડિયન પાર્ટનર નુવામો વેલ્થ ઉપરમાં ૭૮૯૦ બતાવી ૧.૮ ટકા વધી ૭૭૬૫ હતી. એન્જલ વન ત્રણ ગણા કામકાજે ૨૮૫૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૭ ટકા વધીને ૨૮૦૫ રહી છે. રેલિગેર એન્ટરપ્રાઇઝીસ ૨૯૨ થઈ પાંચ ટકાની મજબૂતીમાં ૨૮૬ થઈ છે. ૩૬૦ વનવામમાં બીસી એશિયા ઇન્વેસ્ટમેન્ટ્સે બ્લૉક ડીલ મારફત ૧૧૬૦ની ફ્લૉર પ્રાઇસથી આશરે પોણાચાર ટકા હોલ્ડિંગ વેચીને એક્ઝિટ લેતાં શૅર નીચામાં ૧૧૨૯ થઈ છ ટકા બગડી ૧૧૪૭ બંધ આવ્યો છે. પૈસાલો ડિજિટલ અઢી ટકા, માસ્ટર ટ્રસ્ટ સાડાચાર ટકા, મોનાર્ક નેટવર્થ ૩ ટકા પ્લસ હતી.

ઑબેરૉય રિયલ્ટીની ત્રિમાસિક આવક ત્રીસેક ટકા તથા નેટ નફો ૨૮ ટકા ઘટી ૪૨૧ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૭૭૮ થઈ અડધો ટકો ઘટી ૧૮૨૫ હતો. નોમુરાએ પરિણામ પછી ૨૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ યથાવત્ રાખ્યો છે. પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સે ૨૩ ટકાના વધારામાં ૫૩૪ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. ભાવ ઉપરમાં ૧૧૧૬ નજીક જઈ ૧૦૮૬ના લેવલે ફ્લૅટ રહ્યો છે. ચોઇસ ઇન્ટરનૅશનલે ૫૦ ટકાના વધારામાં ૪૮ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૮૦૦ના શિખરે જઈ નજીવો વધીને ૭૬૩ રહ્યો છે. ધનલક્ષ્મી બૅન્ક આઠ કરોડની નેટ લૉસમાંથી સવાબાર કરોડ જેવા નેટ નફામાં આવી છે. શૅર ઉપરમાં ૩૧ નજીક જઈ સામાન્ય ઘટાડે ૨૯ થયો છે. હેવેલ્સ ઇન્ડિયાની આવક છ ટકા ઘટી છે. નફો ૧૪.૮ ટકા ગગડી ૩૪૮ કરોડની અંદર આવ્યો છે. શૅર નીચામાં ૧૫૧૫ થયા બાદ ઉપરમાં ૧૫૮૩ બતાવી ત્રણ ટકા વધી ૧૫૭૮ હતો. પરાગ મિલ્ક ફૂડ્સની આવક સવાબાર ટકા વધવા છતાં નફો માત્ર એક ટકો વધતાં શૅર નીચામાં ૨૩૮ થઈ ચાર ટકા બગડી ૨૪૩ બંધ આવ્યો છે.

નબળાં પરિણામની તેજી આગળ વધારતાં એટર્નલ ઑલટાઇમ હાઈ

ઝોમાટો ફેમ એટર્નલે આવકમાં ૭૦ ટકાના વધારા વચ્ચે ચોખ્ખા નફામાં ૯૦ ટકાનું ગાબડું બતાવ્યું હોવા છતાં શૅર આગલા દિવસે ૫.૪ ટકાના ઉછાળે ૨૭૧ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યા પછી તેજીની ચાલ આગળ વધારતાં ૩૧૨ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૦.૬ ટકાના ઉછાળે ૩૦૦ નજીક બંધ આવી સતત બીજા દિવસે બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. બજારને એના લીધે ૧૬૯ પૉઇન્ટ મળ્યા છે. ભંગાર પરિણામ પછી પણ શૅરમાં વૉલ્યુમ સાથે તગડો ઉછાળો બેશક નવાઈ કહી શકાય. કંપનીમાં નવી તેજી માટે ક્વીક કૉમર્સની થીમ કામ કરી ગઈ છે. ઝોમાટો ફેમ એટર્નલના ટર્નઓવરમાં ફૂડ ડિલિવરી બિઝનેસનો ફાળો ૨૨૬૧ કરોડ નોંધાયો છે. તેની સામે ક્વીક કૉમર્સ બિઝનેસ બ્લિન્કિટની રેવન્યુ ૨૪૦૦ કરોડ થઈ છે. મતલબ કે એટર્નલ હવે ફૂડ ડિલિવરી કંપનીમાંથી ક્વીક કૉમર્સ કંપની તરીકે કાયાપલટ કરવા લાગી છે. સરવાળે નવી ફૅન્સી જામી છે. મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસ તરફથી ૩૨૦થી ૩૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયા છે. એકમાત્ર મેકવાયરે અહીં ૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસને વળગી રહેતાં સેલનો કૉલ આપ્યો છે. એટર્નલની હૂંફમાં હરીફ સ્વિગી લિમિટેડ પણ ગઈ કાલે આઠ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૨૬ વટાવી ૫.૪ ટકાની મજબૂતીમાં ૪૧૭ બંધ આવી છે. એનાં પરિણામ ૩૧ જુલાઈએ છે.

તાતાની ટાઇટને યુએઈ ખાતેની દમાસમાં ૨૩૩૦ કરોડની એન્ટરપ્રાઇઝીસ વૅલ્યુ સાથે કુલ ૬૭ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. શૅર ઉપરમાં ૩૪૮૯ થઈ એક ટકો વધી ૩૪૭૦ બંધ હતો. કંપનીનાં રિઝલ્ટ ૭ ઑગસ્ટે છે. HDFC લાઇફ દોઢ ટકા, હિન્દાલ્કો એક ટકા, મારુતિ ૦.૭ ટકા પ્લસ હતી. ICICI બૅન્ક ૧૪૮૨ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી અડધો ટકો વધી ૧૪૭૩ રહી છે. HDFC બૅન્ક ૨૦૧૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાધારણ સુધરી ૨૦૦૭ હતી. બજાજ ફાઇનૅન્સનાં પરિણામ ૨૪મીએ છે. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અનુપકુમારે રાજીમાનું આપ્યું છે. તેમના સ્થાને રાજીવ જૈનની વરણી થઈ છે. શૅર ૯૪૦ની નીચે ગયા બાદ ઉપરમાં ૭૬૨ થઈ સામાન્ય સુધારામાં ૯૫૨ હતો. માર્જિનની ખરાબીમાં સવાત્રણ ટકા ગગડી બજારને સર્વાધિક ૨૮૦ પૉઇન્ટ નડેલી રિલાયન્સ વળતા દિવસે ઉપરમાં ૧૪૩૩ અને નીચામાં ૧૪૧૦ બતાવી એક ટકો ઘટીને ૧૪૧૩ બંધ આવી છે. જિયો ફાઇનૅન્શ્યલ બે ટકાની ખરાબીમાં ૩૧૧ રહી છે.

શ્રીરામ ફાઇનૅન્સ ૨.૪ ટકા, આઇશર મોટર્સ બે ટકા, અલ્ટ્રાટેક એકાદ ટકો, અદાણી પોર્ટ્સ બે ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકા, બજાજ ઑટો પોણાબે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા, તાતા મોટર્સ બે ટકા, લાર્સન એક ટકા, નેસ્લે સવા ટકો નરમ હતી. સ્ટેટ બૅન્ક એક ટકાથી વધુના ઘટાડે ૮૧૫ થઈ છે.

શ્રી સિમેન્ટ્સ ૯૮૩ રૂપિયા ઊંચકાઈ નવા શિખરે બંધ

પૅકેજિંગ કંપની AGI ગ્રીનપેક દ્વારા ૨૧ ટકાના વધારામાં ૬૮૮ કરોડની આવક પર ૪૧ ટકાના વૃદ્ધિદરથી ૯૭ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. કંપનીએ ૧૦૦૦ કરોડની વિસ્તરણ યોજના જાહેર  કરી છે. એમાં શૅર ૮૩ ગણા કામકાજે ઉપરમાં ૯૮૯ થઈને ૧૪.૮ ટકા કે ૧૨૫ રૂપિયાની તેજીમાં ૯૭૩ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. ભંડોળ ઊભું કરવા માટેની બોર્ડ મીટિંગનો કરન્ટ જાળવી રાખતાં તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ ૪૮૭ના નવા શિખરે જઈ ૧૨ ટકાની આગેકૂચમાં ૪૬૯ રહી છે. આરએચઆઇ મેગ્નેસિટા ૩૮ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૨૬ બતાવી ૭.૩ ટકા ઊંચકાઈ ૫૧૮ હતી.

કિર્લોસ્કર ન્યુમેટિકની આવક માંડ સવા ટકો ઘટી ૨૭૨ કરોડ થઈ છે, નેટ નફો પોણાચાર ટકા વધી ૨૮ કરોડ નોંધાયો છે. કંપનીની ઑર્ડર બુક ૧૭૨૫ કરોડની છે. શૅર ગઈ કાલે ૪ ગણા વૉલ્યુમે ૧૫૦૯ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૧૨૬૫ થઈ અંતે ૧૧ ટકા કે ૧૬૫ રૂપિયા ખરડાઈ ૧૩૧૬ બંધ થયો છે. નફામાંથી તગડી ખોટમાં સરી પડેલી MRPL આગલા દિવસના ધબડકા બાદ ગઈ કાલે ઉપરમાં ૧૪૭ થઈ ૪ ટકા સુધરી ૧૪૫ હતી. સુંદરમ બ્રેકલાઇનિંગ ૪૭ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૭ રૂપિયા ઊછળી ૧૦૦૨ થઈ ત્યાં જ બંધ થઈ છે. SML ઇસુઝુનો ત્રિમાસિક નફો ૪૪ ટકા વધી ૬૭ કરોડ વટાવી જતાં શૅર ૧૦ ટકાની તેજીની સર્કિટે ૩૩૪ રૂપિયાની છલાંગ મારી ૩૬૭૫ની વિક્રમી સપાટી નોંધાવી ત્યાં બંધ આવ્યો છે. ૨૮ ફેબ્રુઆરીએ ભાવ ૧૦૩૧ના તળિયે હતો. ઝી એન્ટરટેઇનમેન્ટનો ત્રિમાસિક નફો બાવીસ ટકા વધી ૧૪૪ કરોડ આવ્યો છે. શૅર દોઢા કામકાજે પરિણામ પૂર્વે ૧૨ ગણા કામકાજે ૨૩૪૨ના બેસ્ટ લેવલે જઈ અઢી ટકા વધી ૨૩૧૯ હતો. ફેસવૅલ્યુ બેની છે. શ્રી સિમેન્ટ્સનાં પરિણામ ચોથી ઑગસ્ટે છે. શૅર ૩ ટકા કે ૯૮૩ રૂપિયા વધીને ૩૨,૫૦૮ના શિખરે બંધ થયો છે.

પેટીએમ પરિણામ પૂર્વે ત્રણ ગણા કામકાજે ૩.૪ ટકાની મજબૂતીમાં ૧૦૫૨ રહ્યો છે. કોલગેટ પામોલિવે ૧૪૯૦ કરોડની ધારણા સામે ૧૪૩૪ કરોડની આવક પર ૧૨ ટકાના ઘટાડામાં ૩૨૧ કરોડ નેટ નફો બતાવી નબળો દેખાવ કર્યો છે. શૅર ૨૪૧૦ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૨૩૫૩ થઈ અડધો ટકો ઘટી ૨૩૭૮ બંધ આવ્યો છે. ઇન્ફીનાં પરિણામ આજે, ૨૩મીએ છે. શૅર ગઈ કાલે એકાદ ટકા જેવી નબળાઈમાં ૧૫૭૦ હતો. TCS નહીંવત સુધર્યો છે. HCL ટેક્નૉ અડધો ટકો નરમ તો ટેક મહિન્દ્ર અને વિપ્રો નામપૂરતી વધઘટે બંધ હતા. 

share market stock market nifty sensex ipo icici bank bitcoin hong kong china reliance business news