28 May, 2025 06:58 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
શૅરબજાર હાલમાં અમુક દિવસ વધે છે, અમુક દિવસ ઘટે છે. આમ તો બજાર ચોક્કસ કારણોની આસપાસ ફર્યા કરે છે જેમાં હાલના તબક્કે યુદ્ધવિરામ(?), USની સમસ્યા, ટૅરિફ-ઇશ્યુઝ, ફૉરેન ઇન્વેસ્ટર્સનાં ખરીદ-વેચાણ, આર્થિક સંકેતો, કૉર્પોરેટ અર્નિંગ્સ, ગ્લોબલ ઇકૉનૉમી વગેરે જેવાં પરિબળો કામ કરી રહ્યાં છે; પરંતુ આમાં એકંદર ટ્રેન્ડ તેજીનો હોવાનું પ્રતીત થાય છે
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝને કારણે સપ્તાહના પ્રથમ દિવસે ગયા સોમવારે માર્કેટનો મૂડ બગડ્યો હતો, કારણ કે મૂડીઝે યુનાઇટેડ સ્ટેટ્સ (US)ના વધતા જતા કરજભારને લીધે USના સૉવરિન રેટિંગ ડાઉનગ્રેડની આગલા શુક્રવારે જાહેરાત કરી હતી. USનું દેવુ વધતું રહીને ૩૬ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર પહોંચી ગયું છે. અગાઉ ૨૦૨૩માં આ રેટિંગ ફિસ્કલ ડેફિસિટ અને વધતા વ્યાજબોજને કારણે ડાઉનગ્રેડ થયું હતું. આની અસર ગ્લોબલ માર્કેટ પર થવી સહજ હતું. આ પહેલાં ફિચ રેટિંગ એજન્સીએ પણ USનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું અને એનાં વર્ષો પૂર્વે સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સે પણ રેટિંગનું સ્તર ઘટાડ્યું હતું. આમ ત્રણેય રેટિંગ એજન્સીઓએ USના દેવાના વધતા ભારની સામે ચેતવણી આપી ગણાય. આવા સંજોગોમાં US ટ્રેઝરી બૉન્ડ્સના યીલ્ડ વધ્યા હોવાથી એની પણ માર્કેટ પર નેગેટિવ અસર હતી. સોમવારે તો નબળી વૈશ્વિક માર્કેટને કારણે એશિયન અને યુરોપિયન માર્કેટ પણ ડાઉન રહી હતી. આ બધાની અસર ભારતના IT સ્ટૉક્સ પર પડી હતી. વૉલેટિલિટી ઇન્ડેક્સ પણ ઊછળ્યો હતો.
મંગળવારે બજાર પર કોવિડની અસર છવાઈ જતાં તેમ જ કેટલાક અંશે પ્રૉફિટ બુકિંગ પણ આવતાં બજાર નેગેટિવ રહ્યું હતું. જોકે બુધવારે પુનઃ રિકવરી જોવા મળી હતી, વળી ગુરુવારે એશિયન માર્કેટ અને US માર્કેટની અવળી અસરે ભારતીય માર્કેટમાં કરેક્શન આવ્યું હતું. ત્યાં શુક્રવારે પુનઃ રિકવરી સાથે બજારના સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો હતો. જોકે ફૉરેન ઇન્વેસ્ટર્સ ફરી વેચવાલ બન્યા હોવાનું નોંધાયું હતું, જેની સામે સ્થાનિક રોકાણકારો લેવાલ તરીકે સતત ઊભા રહ્યા છે. જોકે અગાઉ કરતાં ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી આ વખતે જુદી હોવાનું કહી શકાય, કેમ કે ભારતીય માર્કેટ વિશેનાં પરસેપ્શન બદલાઈ રહ્યાં છે. પરિણામે બજાર બહુ વધતું નથી તો બહુ ઘટતું પણ નથી.
ડિફેન્સ સ્ટૉક્સમાં શા માટે સાવચેતી જરૂરી?
હાલમાં યુદ્ધના માહોલને લીધે ડિફેન્સ કંપનીઓના સ્ટૉક્સમાં નવો જ કરન્ટ જોવા મળી રહ્યો છે, જેમાં આ કંપનીઓના સ્ટૉક્સના ભાવ બેફામ વધતા રહ્યા છે. આ એક જોખમી ટ્રેન્ડ સાબિત થઈ શકે એવો ભય જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. અનુભવી વર્ગ કહે છે કે યુદ્ધને ધ્યાનમાં રાખીને આ કંપનીઓ વિસ્તરણ કરી રહી છે અને સરકાર પણ એને માટે વધારાનું ભંડોળ ફાળવી રહી છે. આમાંની કેટલીક કંપનીઓ નિકાસ માટે આશાવાદ ધરાવે છે. આ બધા સમાચારોમાં અતિરેક થઈ રહ્યો છે અને એમાં આશાઓનો પણ અતિરેક પ્રતિબિંબિત થઈ રહ્યો છે. યુદ્ધ બાદ શસ્ત્રોના વેચાણ પર દબાણની અસર દેખાશે. હાલમાં એક ફૅન્સી યા ઇમોશન્સ કે સેન્ટિમેન્ટ્સ તરીકે સંરક્ષણ ક્ષેત્રના સ્ટૉક્સમાં માગ નીકળી અને વેચાણ પણ વધ્યું, પરંતુ આ લાંબું ચાલુ રહી શકે નહીં. આ તેજીમાં ડિફેન્સ સ્ટૉક્સનાં ઓવરવૅલ્યુએશન પણ થયાં છે, ખાસ કરીને ડ્રોન ઉત્પાદક કંપનીઓમાં ડિમાન્ડ જોવા મળી. પહલગામના હુમલા બાદ આ સિનારિયો જોવા મળ્યો છે. એ પછી ઊંચા ગયેલા ભાવો લાંબા સમય માટે એ ઊંચાઈ પર ટકી શકશે કે નહીં એ સવાલ છે જેથી ઊંચા ભાવોની ખરીદીમાં રોકાણકારોએ અટવાઈ ન જવાય એ માટે સાવચેત રહેવું જોઈશે. આ મામલે રોકાણકારો ઇમોશનલી નિર્ણય લેવાને બદલે વ્યવહારુ બનીને નિર્ણય લે એ મહત્ત્વનું છે.
માર્કેટના વર્તમાન ટ્રેન્ડ વિશે નીલેશ શાહ શું કહે છે?
સુવિખ્યાત માર્કેટ-એક્સપર્ટ અને કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહ કહે છે, ‘આમ તો ઘણા માને છે કે માર્કેટનો વર્સ્ટ સમય પૂરો થઈ ગયો, પણ મને લાગે છે કે હાલમાં જ્યાં સુધી US સાથેના વેપાર-કરાર ફાઇનલ ન થાય ત્યાં સુધી વેઇટ ઍન્ડ વૉચ રાખવામાં સાર રહેશે. અલબત્ત, ટૂંકા ગાળાની વૉલેટિલિટી પણ ઓછી થઈ છે. અત્યારે વૅલ્યુએશન વધુ ઊંચાં થઈ ગયાં છે, ખાસ કરીને મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સ એના લાંબા ગાળાની સરેરાશ કરતાં ઊંચે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે લાર્જકૅપ સ્ટૉક્સ સાધારણ પ્રીમિયમે ચાલી રહ્યા છે. જોકે એમ છતાં આવા સંજોગોમાં લાર્જકૅપ પસંદગીપાત્ર ગણાય. માર્ચ પરિણામ બાદ કંપનીઓના અર્નિંગ્સમાં ધીમે-ધીમે સુધારો થવાની આશા છે, ગ્રામ્ય ડિમાન્ડ, વ્યાજદરોમાં કાપ, પ્રવાહિતામાં સુધારો અને ક્રૂડના ભાવનો ઘટાડો એ માટે પ્રોત્સાહક પરિબળ બન્યાં છે. આમ તો હાલ ગ્લોબલ સ્તરે US સાથેના વેપાર-કરારના નિષ્કર્ષ શું આવે છે એ જોવું પડશે. ટૅરિફની બાબત હજી પણ અનિશ્રિત હોવાથી રાહ જોવી જરૂરી જણાય છે. બાય ધ વે, સ્થાનિક સ્તરે ભારત વિશ્વના અન્ય દેશોની તુલનાએ બહેતર કામગીરી કરી રહ્યું છે. એના આર્થિક સંકેતો-સુધારા સારા છે.’
વિદેશી રોકાણકારોના પ્રવાહ બાબતે નીલેશ શાહ કહે છે, ‘આ પ્રવાહ વિશે અનિશ્ચિતતા રહેશે અને આનો આધાર વિવિધ પરિબળો ઉપરાંત જિયોપૉલિટિકલ સિચુએશન, USની નીતિઓ, ગ્રોથ અને વૅલ્યુએશન પર પણ રહેશે. છેલ્લાં માત્ર ચાર સત્રમાં FIIએ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક રોકાણપ્રવાહ નિયમિત અને શિસ્તબદ્ધ રહ્યો છે, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો સપોર્ટ મજબૂત રહ્યો છે. ઇન્ફ્લેશનનું સ્તર રિઝર્વ બૅન્કના લક્ષ્ય મુજબ ચાર ટકા નીચે આવી જવાથી હવે વ્યાજદરનો કાપ જૂન પૉલિસીમાં નિશ્ચિત જણાય છે. આ સાથે સિસ્ટમમાં પ્રવાહિતા વધવાની આશા પણ નક્કર બની રહી છે.’
યુદ્ધનો ગભરાટ નથી, કેમ કે...
કૅપિટલ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સના નિષ્ણાત ચંદ્રકાંત પારેખ જણાવે છે કે હાલ યુદ્ધનો ગભરાટ નથી. ખરેખર જો ગભરાટ હોય તો કરન્સી અને બૉન્ડ માર્કેટ પર પહેલી અને મોટી અસર થાય, કેમ કે બૉન્ડ અને કરન્સી માર્કેટ વધુ સ્માર્ટ ગણાય છે. શૅરબજારની વાત કરીએ તો એ સેન્ટિમેન્ટ પર વધુ આધાર રાખે છે અને એ કરેક્શન બાદ સેટ થઈ ગયું છે અને નૉન-સ્ટૉપ વધ્યું નથી. આમ પણ યુદ્ધ અત્યારે શાંત થઈ ગયેલું મનાય છે, યુદ્ધ દરમ્યાન પણ એ ફીઅર બહુ નહોતો અને એથી જ બજાર એ સમયે પણ વધતું નોંધાયું હતું.
US બૉન્ડ્સનાં વળતર વધુ ઊંચે જતાં ફૉરેન ઇન્વેસ્ટર્સનું એમાં આકર્ષણ વધ્યું છે, જેને લીધે તેમની શૅરબજારમાં વેચવાલી વધી હોવાનું કહેવાય છે. બૉન્ડ્સ ઇક્વિટી કરતાં ઓછી જોખમી માર્કેટ ગણાય છે. આ વેચવાલીને ધ્યાનમાં રાખીને ક્યાંક ભય પણ ફેલાયો છે, જેમાં આ જાયન્ટ ઇન્વેસ્ટર્સ આક્રમક વેચવાલ બનીને ભંડોળ બહાર તો નહીં લઈ જાયને એવી શંકા વ્યક્ત થાય છે. જોકે હાલના તબક્કે આમ થાય એવું લાગતું નથી.
આક્રમક બનવા કરતાં સાવચેત રહેવું : શ્રીધર શિવરામ
દરમ્યાન હાલમાં શૅરબજારની ચાલ જોઈને બજારમાં વધુપડતા સ્માર્ટ બનવાથી દૂર રહેવું એવો મત એનમ હોલ્ડિંગ્સના શ્રીધર શિવરામે વ્યક્ત કર્યો છે. અત્યારે મૂડીની સુરક્ષા મહત્ત્વની છે. તેમણે કહ્યું છે કે રોકાણકારોએ માત્ર ખરી તક મળે ત્યારે જ ઝંપલાવવું જોઈએ, બાકી ઉતાવળ કરવી નહીં. વર્તમાન સમયમાં પ્રવર્તતી ઘટનાઓમાં ફેરફાર કે ઊથલપાથલ થઈ શકે છે જેથી આ ઘટનાઓની અસર સમજ્યા વિના આંધળૂકિયાં કરાય નહીં, એની ભારતીય માર્કેટ તેમ જ અર્નિંગ્સ પર અસર જોવી પડે. સ્ટૉક્સનાં વૅલ્યુએશન જોવાં પડે અને એમાં અર્નિંગ્સ ટકી રહેવાનો વિશ્વાસ બેસે તો મૂડી રોકાય, અન્યથા હાલમાં વળતર કરતાં મૂડીની રક્ષા વધુ આવશ્યક ગણાય. આશરે ૬ મહિનાના કરેક્શન બાદ છેલ્લાં અમુક સપ્તાહથી ઇક્વિટી માર્કેટમાં સુધારો શરૂ થયો છે. ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારતીય માર્કેટ અન્ય માર્કેટ્સ કરતાં વધુ નીચે ગઈ હતી, જેથી રિકવરી એ મુજબ થઈ રહી છે. હાલમાં ગ્લોબલ રોકાણકારો તરફથી ભારત અને ચીનમાં રોકાણ ફાળવાઈ રહ્યું છે. એ ખરું છે કે વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટમાં પાછા ફર્યા છે, પણ તેમનો પ્રવાહ કેટલો સમય રહેશે એની આગાહી કઠિન છે. અત્યારે તો આ ટ્રેન્ડ ટૂંકા ગાળાનો ગણીને ચાલવું પડે. આપણે કરેક્શન સતત ૬ મહિના જોયું અને હવે રિકવરીને ત્રણ સપ્તાહ જ થયાં છે. બાય ધ વે, હાલ માર્કેટમાં આક્રમક બનવાને બદલે સાવચેતી સાથે આગળ વધવું સલાહભર્યું છે.