14 March, 2026 08:10 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાન-યુદ્ધનાં બે સપ્તાહ પૂરાં થવામાં છે. અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે અમેરિકાની આબરૂના ધજાગરા ઊડી ગયા છે. ટ્રમ્પ વધુ ઘાંઘા થયા છે. ટ્રમ્પ તરફથી ઈરાનને નવી ધમકી આપવામાં આવી છે. એનો સાર એટલો જ કે આ માણસે ઈરાનને ખેદાન મેદાન કરવાના ફરી એક વાર સોંગદ ખાધા છે. શું નવું કરે છે એ જોવું રહ્યું. આ નવી ધમકીમાં ૧૦૦ ડૉલર ઉપર આગલા દિવસે બંધ થયા પછી ક્રૂડ નીચામાં ૯૯ ડૉલરથી વધીને ૧૦૩ ડૉલર નજીક આવી ગયું છે. તમામ અગ્રણી એશિયન બજાર શુક્રવારે ઘટી છે. ઇન્ડોનેશિયા પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા, થાઇલૅન્ડ અને જપાન સવા ટકો, ચાઇના પોણો ટકો, હૉન્ગકૉન્ગ એક ટકો, તાઇવાન અડધો ટકો માઇનસ થયું છે. યુરોપ પણ રનિંગમાં સવા ટકો ડાઉન હતું. ડૉલર સામે રૂપિયો ૯૨.૫૦ નજીક નવું ઑલટાઇમ બૉટમ બનાવી ૯૨.૪૫ ચાલતો હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૫૯૦ પૉઇન્ટના ઘટાડામાં ૭૫,૪૪૪ ખૂલી છેવટે ૧૪૭૦ પૉઇન્ટ તૂટી ૭૪,૫૬૪ તથા નિફ્ટી ૪૮૮ પૉઇન્ટ લથડી ૨૩૧૫૧ બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ લપસણીની ચાલમાં બજાર ઉપર ૭૫,૫૭૬ તથા નીચામાં ૭૪,૪૫૪ થયું હતું. નિફ્ટી નીચામાં ૨૩,૨૧૧ થયો હતો. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૫૮૦ શૅરની સામે ૨૬૪૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧૦.૨૪ કરોડ રૂપિયાના ધોવાણમાં હવે ૪૨૯.૮૨ લાખ કરોડ રહ્યું છે.
આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૪૩૫૫ પૉઇન્ટ કે ૫.૫ ટકા તથા નિફ્ટી ૫.૩ ટકા કે ૧૨૯૯ પૉઇન્ટ સાફ થયો છે. છેલ્લા સવા વર્ષમાં વીજળી ધોરણે પ્રથમ વાર આટલો મોટો ઘટાડો બજારમાં નોંધાયો છે.
સેન્સેક્સ, નિફ્ટીના બે ટકાના ધોવાણ સામે ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૪.૮ ટકા, બૅન્ક નિફ્ટી ૧૩૪૬ પૉઇન્ટ કે અઢી ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી અઢી ટકા, નિફ્ટી મીડિયા ૩.૬ ટકા, ઑટો ઇન્ડેક્સ ૩.૩ ટકા, કૅપિટલ ગુડ્સ ત્રણ ટકા, પાવર ઇન્ડેક્સ બે ટકા, ફાઇનૅન્સ બે ટકા, IT પોણાબે ટકા, હેલ્થકૅર ૨.૧ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૪ ટકા, ટેલિકૉમ ૨.૬ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૩.૭ ટકા ડૂલ થયો છે. ડિફેન્સ ઇન્ડેક્સના તમામ ૧૮ શૅર માઇનસ થયા છે. IT ઇન્ડેક્સ ૨૮,૦૫૩ની ૩૪ મહિનાની બૉટમ બતાવી પોણાબે ટકા ગગડી ૨૮,૧૫૧ થયો છે. એના ૩૭માંથી માત્ર પાંચ શૅર પ્લસ હતા. લાર્સન ટેક્નૉલૉજીઝ સામા પ્રવાહે સાડાનવ ટકા કે ૨૯૯ રૂપિયા ઊછળીને ૩૪૨૭ થઈ છે. ન્યુક્લિઅસ સૉફ્ટવેર અઢી ટકા મજબૂત બની છે. બૅન્કિંગ ઉદ્યોગના કુલ ૪૧ શૅરમાંથી ૩૯ જાતો માઇનસ હતી. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૪ ટકા વધીને ૧૩૧ હતી. ખાનગી ક્ષેત્રની ૨૦માંથી ૨૦ તથા સરકારી ૧૨માંથી ૧૨ બૅન્કો બગડી છે. IDBI બૅન્ક સાડાછ ટકા, જેકે બૅન્ક ૫.૩ ટકા, યુનિયન બૅન્ક સાડાચાર ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક ૫.૫ ટકા ઘટી મોખરે હતી.
ઝાઇડસ વેલનેસ ખરાબ બજારમાં ૭૨૧ ગણા જંગી કામકાજે ઉપરમાં ૪૫૦ બતાવી ચાર ટકા ઊછળીને ૪૦૪ બંધમાં બે ગ્રુપમાં ઝળકી છે. એમકે સોલર ૬.૪ ટકા, IFCI ૫.૮ ટકા, સિન્જેન ઇન્ટરનૅશનલ ૪.૬ ટકા ઊંચકાઈ હતી. સીએટ લિમિટેડ આગલા દિવસની કારણ વિનાની તેજીને ધોઈ નાખતા નીચામાં ૩૪૩૫ થઈ ૯.૪ ટકા કે ૩૫૯ રૂપિયા ગગડી ૩૪૬૦ થઈ છે. જેકે ટાયર ૪.૪ ટકા, અપોલો ટાયર્સ ૪.૧ ટકા તથા MRF ૨.૩ ટકા ઘટી છે. કેપીઆર મિલ્સ પણ ગુરુવારનો સુધારો સાફ કરતાં ૫.૪ ટકા ખરડાઈ ૮૬૦ રહી છે. સ્ટરલાઇટ ટેક્નો ૭ ટકા, ઇલેક્ટ્ટોસ્લી ૯ ટકા અને વૉકહાર્ટ ૬.૮ ટકા ડૂલ થઈ હતી.
ઇજનેરી જાયન્ટ લાર્સનમાં માનસ વધુ ખરડાયું છે. શૅર ૬ ગણા વૉલ્યુમે નીચામાં ૩૪૨૫ થઈ ૭.૫ ટકા કે ૨૮૦ રૂપિયા તૂટી ૩૪૪૧ બંધ આપી સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટાડામાં મોખરે રહ્યા છે. બજારને એના લીધે ૨૭૭ પૉઇન્ટનો માર પડ્યો છે. આ શૅર છેલ્લા એક સપ્તાહમાં ૧૨.૯ ટકા જેવો તૂટ્યો છે. HDFC બૅન્ક ૮૧૨ની સવા વર્ષની બૉટમ દેખાડી ૧.૯ ટકા બગડી ૮૧૭ બંધમાં બજારને ૨૦૦ પૉઇન્ટ નડી છે. ઍક્સિસ બૅન્ક ૩ ટકા, સ્ટેટ બૅન્ક સાડાત્રણ ટકા, કોટક બૅન્ક સવાબે ટકા તથા ICICI બૅન્ક એકાદ ટકો ડાઉન હતી. આ પાંચેય શૅર સેન્સેક્સ માટે કુલ ૫૪૮ પૉઇન્ટની ખરાબીનું કારણ બન્યા છે. ઇન્ફોસિસ ૧૨૪૩ની ૩૪ મહિનાની નવી બૉટમ બતાવી ૧.૪ ટકા ઘટી ૧૨૪૮ તો TCS ૨૩૯૭ની ૬૭ મહિનાની નવી નીચી સપાટી નોંધાવી ૧.૩ ટકા ઘટી ૨૪૧૦ રહી છે. વિપ્રો અઢી ટકા, HCL ટેક્નો અઢી ટકા, ટેક મહિન્દ્ર ૧.૩ ટકા તો લાટિમ કે લાર્સન માઇન્ડ ટ્રી ૨.૬ ટકા ડૂલ થઈ છે. ટ્રેન્ટ ૩૪૭૧ની પચીસ મહિનાની નીચી સપાટીએ જઈને એક ટકો ઘટી ૩૪૯૩ રહી છે. બાય ધ વે, કોટક મહિન્દ્ર બૅન્ક પણ ૩૬૩ની ૧૪ મહિનાની બૉટમ બતાવી ૨.૩ ટકા ઘટીને ૩૬૬ થઈ છે. ICICI બૅન્ક ૧૨૪૮નું વર્ષનું તળિયું દેખાડી એકાદ ટકો ઘટી ૧૨૫૫ તો બજાજ ફિનસર્વ ૧૭૨૬ની વર્ષની નીચી સપાટી નોંધાવી ૧.૮ ટકા ઘટી ૧૭૩૮ રહી છે.
મેઇન બેન્ચમાર્ક ખરડાયેલી અન્ય જાતોમાં તાતા સ્ટીલ સવાપાંચ ટકા, મારુતિ સુઝુકી ૩ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૩.૧ ટકા, અલ્ટ્રાટેક ૩ ટકા, મહિન્દ્ર ૨.૭ ટકા, એટર્નલ ૨.૪ ટકા, ઇન્ડિગો ૨.૩ ટકા, અદાણી પોર્ટસ બે ટકા, હિન્દાલ્કો ૬.૨ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૩.૨ ટકા, આઇશર ૩.૪ ટકા, JSW સ્ટીલ ૪.૬ ટકા, બજાજ ઑટો ૩.૧ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૭ ટકા, ગ્રાસિમ ચાર ટકા, HDFC લાઇફ ૩.૧ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ બે ટકા મુખ્ય હતી. હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો સુધરી ૨૧૬૦ હતી. તાતા કન્ઝ્યુમર ૨.૪ ટકા વધી ૧૦૮૩ બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બની છે.
લંડન ધાતુ બજારમાં ઍલ્યુમિનિયમ વાયદો પોણાબે ટકા વધ્યો છે જ્યારે કૉપર, ઝિન્ક તથા નિકલ વાયદા નહીંવતથી સાધારણ નરમ હતા. આની સામે ઘરઆંગણે મેટલ ઇન્ડેક્સ નીચામાં ૩૭,૧૩૮ થઈ પોણાપાંચ ટકા કે ૧૮૮૯ પૉઇન્ટ પીગળીને ૩૭,૨૬૯ બંધ થયો છે. અત્રે ૧૩માંથી ૧૩ શૅર ડૂલ થયા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૫ શૅરની ખરાબીમાં ૪.૮ ટકા સાફ થયો છે. ઍલ્યુમિનિયમ કંપની નાલ્કોમાં સાડાપાંચ ટકા અને હિન્દાલ્કોમાં સવાછ ટકાનું ગાબડું પડ્યું છે. જિંદલ સ્ટીલ પોણાસાત ટકા, સેઇલ અઢી ટકા, લૉઇડસ મેટલ્સ પોણાપાંચ ટકા, તાતા સ્ટીલ ૫.૨ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૫.૩ ટકા, વેદાન્તા ૪.૨ ટકા, જિંદલ સ્ટેનલેસ ૫.૧ ટકા, હિન્દુસ્તાન કૉપર ૬ ટકા નજીક તો JSW સ્ટીલ ૪.૬ ટકા બગડી છે. ઇન્ડસ્ટ્રિયલ મિનરલ્સ ઉદ્યોગના ૧૩માંથી ૧૧ શૅર ડાઉન હતા. ઓડિશા મિનરલ્સ સાડાછ ટકા, ગ્રેવિટા ઇન્ડિયા પાંચ ટકા, મોઇલ ૪.૩ ટકા, GMDC ૪.૮ ટકા, નાઇલ ત્રણ ટકા, આશાપુરા માઇન ૪.૩ ટકા, NMDC ૨.૯ ટકા ઘટી છે.
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪માંથી ૩૭ શૅરની ખરાબીમાં ૨૦૮૪ પૉઇન્ટ કે ૩ ટકા ખરડાયો છે. ABB ઇન્ડિયા ૬૫૫૫ના નવા શિખરે જઈને નજીવો ઘટી ૬૩૯૪ હતી. કેબલ શૅરોમાં ખુવારી વધી રહી છે. KEI ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૪૧૪૪ થઈ ૪ ટકા કે ૧૭૬ રૂપિયા ગગડી ૪૧૫૦, પૉલિકૅબ ઇન્ડિયા ૩.૩ ટકા કે ૨૪૩ રૂપિયા તૂટી ૭૨૦૩, આર.આર. કેબલ ૬ ટકા લથડી ૧૩૪૫ હતી. અપાર ઇન્ડ. ૪.૮ ટકા કે ૪૫૧ રૂપિયા, જ્યોતિસીએનસી ૫.૮ ટકા, ડેટા પૅટર્ન્સ સાડાત્રણ ટકા, કાર્બોરેન્ડમ યુનિવર્સલ ૪.૧ ટકા, માઝગાવ ડોક ૪.૯ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૩ ટકા, કોચીન શિપયાર્ડ ચાર ટકા, ભારત ડાયનામિક્સ ૨.૮ ટકા, કાયનેસ ૬ ટકા, ભેલ સાડાત્રણ ટકા, એસ્ટ્રલ પાંચ ટકા ડાઉન હતી.
સોમવારે અમદાવાદી જીએસપી ક્રૉપ સાયન્સિસ ૧૦ના શૅરદીઠ ૩૨૦ની અપરબૅન્ડમાં ૧૬૦ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૪૦૦ કરોડનું ભરણું મેઇન બોર્ડમાં કરવાની છે. ૧૯૮૫માં સ્થપાયેલી આ કંપની ઍગ્રો કેમિકલ સેક્ટરમાં છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. કંપનીએ ગયા વર્ષે ૧૨ ટકાના વધારામાં ૧૩૦૧ કરોડની આવક ઉપર ૪૬ ટકા વૃદ્ધિદરથી ૮૧૪૨ લાખ નેટનફો કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં આવક ૮૪૮ કરોડ નજીક તથા નફો ૮૧૦૭ લાખ થયો છે. કંપનીનું દેવું દોઢ વર્ષમાં ૩૪૪ કરોડથી વધીને ૪૯૧ કરોડ થયું છે. ઇશ્યુમાંથી ૧૭૦ કરોડ દેવું પરત ચૂકવવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
દરમ્યાન નવી દિલ્હીની ઇનોવિઝન લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૫૪૮ની અપરબૅન્ડમાં ૩૨૩ કરોડનો ઇશ્યુ ગુરુવારે એના આખરી દિવસ સુધી કુલ માત્ર ૩૩ ટકા જ ભરાતાં ભરણાંની મુદત ૧૭ માર્ચ સુધી લંબાવાઈ છે તથા ઇશ્યુની અપરબૅન્ડ ઘટાડી ૫૧૯ કરાઈ છે. એટલે ઇશ્યુની સાઇઝ હવે ૩૦૬ કરોડની રહે છે. ઇશ્યુમાં રીટેલ પોર્શન ૬૫ ટકા અને HNI પોર્શન ૩૪ ટકા છે. નવી મુદત પ્રમાણે ભરણું ચોથા દિવસના અંતે ગઈ કાલે રીટેલમાં ૨૭ ટકા સહિત કુલ ૩૧ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ચલાવી ઇશ્યુમાં ફેન્સી જમાવવાની રમત જરાય કામ લાગી નથી. એક દિવસ માટે ૭૩થી શરૂ થઈ ૬૬ થયેલું પ્રીમિયમ બીજા દિવસથી જ ઝીરો થઈ ગયું છે. ઘટાડેલી ઇશ્યુ પ્રાઇસ અને વધારેલી મુદત વચ્ચે પણ આ ભરણું સફળ થવું મુશ્કેલ જણાય છે, કેમ કે લોકો અરજી પરત ખેંચી રહ્યા છે.
ઍપ્સિસ ઍરોકૉમનો ૧૦ના શૅરદીઠ ૧૧૦ની ઇશ્યુ પ્રાઇસ સાથે આશરે ૩૬ કરોડનો NSE SME ઇશ્યુ એના આખરી દિવસે રીટેલમાં ૯૯ ગણા સહિત કુલ ૧૩૦ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૩ ચાલે છે. શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન ૯૮ની ઇશ્યુ પ્રાઇસ સામે NSEમાં ૧૦૦ ખુલીને ૧૦૪ બંધ થતાં એમાં પાંચેક ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ એક શૅરદીઠે બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૬૩૪ થઈ સાડાછ ટકા તૂટી ૧૪૨૯ બંધ થઈ છે. ઇક્લેરેક્સ સર્વિસિસ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ૧૬૧૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકા વધીને ૧૬૧૮ હતી. હિન્દુસ્તાન અબન ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ઉપરમાં ૪૭૪ બતાવી ૩.૩ ટકા ગગડી ૪૩૪ હતી. મુંબઈના ડૉ. એની બેસન્ટ રોડ ઉપરની મેટ્રોપૉલિસ હેલ્થકૅર એક શૅરદીઠ ૩ના મેઇડન બોનસમાં આવતા શુક્રવારે, ૨૦મીએ બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૮૩૯ બનાવી અડધો ટકો ઘટી ૧૮૧૦ હતો. ફેસવૅલ્યુ બેની છે. થાણેની ફાઇવપૈસા કૅપિટલ બે શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૦૦ના ભાવથી આશરે ૪૬૯ કરોડ રૂપિયાનો રાઇટ ઇશ્યુ લાવી રહી છે. શૅર ૧૭મીએ, મંગળવારે એક્સ રાઇટ થવાનો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૦૩ તથા નીચામાં ૨૯૭ થઈ એક ટકો ઘટીને ૨૯૮ બંધ થયો છે. ૨૦૨૫ની ૧૪ નવેમ્બરે ભાવ ૨૮૮ની અંદર એપ્રિલ ૨૩ પછીના તળિયે ગયો હતો. ૨૦૨૪ની ૮ જાન્યુઆરીએ શૅરમાં ૭૫૯ની ઑલટાઇમ હાઈ બની હતી.
રિલાયન્સમાં જેફરીઝ તરફથી ૧૮૨૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૧૭૪૦ કરવાની સાથે બાયનું રેટિંગ જાળવી રખાયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૩૭૮ અને ઉપરમાં ૧૪૦૦ થઈ પોણા ટકા નરમાઈમાં ૧૩૮૦ ઉપર બંધ હતો. જિયો ફાઇનૅન્સ ૩ ટકા તૂટી ૨૩૫ હતી. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રા ૫.૮ ટકા તૂટી ૬૪૮ના તળિયે, નેટવર્ક ૧૮ સાડાપાંચ ટકા ગગડી ૩૧ના તળિયે, સ્ટર્લિંગ વિલ્સન ૫.૮ ટકા લથડીને ૧૬૮ના તળિયે, આલોક ઇન્ડન્ટ્રીઝ દોઢ ટકો ઘટીને તેર રૂપિયા બંધ રહી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરમાં ૯૨ થઈ પાંચેક ટકા તૂટી ૮૬ તો રિલાયન્સ પાવર ૨૪ વટાવ્યા બાદ ૬ ટકા તૂટી બાવીસ રહી છે.