23 May, 2025 06:55 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આ મૉર્ગન સ્ટૅનલીવાળા બજારના તેજી-મંદીવાળા તમામ ખેલાડીઓને ખુશ કરવામાં બહુ પાવરધા છે. આગામી જૂન એટલે કે એકાદ વર્ષમાં શૅરબજાર કેટલું થશે એનો વરતારો તેમણે આપ્યો છે જેમાં કહેવાયું છે કે બુલ-રન કામે લાગે તો સેન્સેક્સ અવશ્ય એક લાખનો જોવાશે. તેજીવાળાને ગલગલિયા થાય એવી વાત છે આ તો મંદીવાળાનું શું? વેલ બેર-કેસમાં સેન્સક્સ ૭૦,૦૦૦ થઈ જશે એમ પણ કહી દીધું છે. કોઈ વચલો રસ્તો ખરો? હા, સામાન્ય સંજોગોમાં શૅરઆંક જૂન ૨૦૨૬ સુધીમાં ૮૯,૦૦૦ બતાવશે. બધ્ધા ખુશ થાય એવો વરતારો છે. બીજા પણ એક સમાચાર છે. આ વરતારો નથી, પણ નક્કર સમાચાર છે એ ખાસ યાદ રાખજો. દેશના અર્થતંત્ર માટેનાં ચાવીરૂપ ક્ષેત્રો કે માળખાકીય દૃષ્ટિએ મહત્ત્વના ઉદ્યોગો અર્થાત કોર સેક્ટરનો વૃદ્ધિદર એપ્રિલ મહિનામાં માત્ર અડધો ટકો નોંધાયો છે જે આઠ માહિનાની બૉટમ છે. વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીનું લેવલ આવું હોય? સવાલ નહીં કરવાનો, ન્યુ ઇન્ડિયામાં એની ખાસ મનાઈ છે.
સારું, આપણે શૅરબજારની વાત કરીશું. નરમાઈની હૅટ-ટ્રિક બાદ પુલ-બૅક રૅલી જેવા કશાકમાં સેન્સેક્સ બુધવારે ૪૧૦ પૉઇન્ટ વધી ૮૧,૫૯૭ નજીક તથા નિફ્ટી ૧૨૯ પૉઇન્ટ વધી ૨૪,૮૧૩ બંધ થયો છે. બજાર આગલા બંધથી ૧૪૧ પૉઇન્ટ પ્લસમાં, ૮૧,૩૨૭ ખૂલી છેક સુધી પૉઝિટિવ ઝોનમાં હતું. શૅરઆંક ઉપરમાં ૮૨,૦૨૧ અને નીચામાં ૮૧,૨૩૭ થયો હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૫૩ શૅરની સામે ૧૦૯૫ જાતો માઇનસ હતી. માર્કેટકૅપ ૩.૧૬ લાખ કરોડ વધી ૪૪૧.૧૯ લાખ કરોડ રૂપિયા નજીક જોવાયું છે. રોકડું અને બ્રૉડર માર્કેટ સેન્સેક્સ નિફ્ટી કરતાં વધુ સુધારામાં હતું. મેઇન બેન્ચમાર્કના અડધા ટકા સામે હેલ્થકૅર એક ટકા નજીક, કૅપિટલ ગુડ્સ દોઢ ટકાથી વધુ કે ૧૧૧૯ પૉઇન્ટ, ટેલિકૉમ સવા ટકો, ઑટો પોણો ટકો, રિયલ્ટી દોઢ ટકો, પાવર ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૩.૪ ટકા, નિફ્ટી ફાર્મા સવા ટકો મજબૂત હતા.
એશિયા ખાતે જપાન અને થાઇલૅન્ડ અડધાથી પોણો ટકો નરમ હતાં. તાઇવાન સવા ટકો, સાઉથ કોરિયા એક ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો અને ચાઇના સામાન્ય સુધારે બંધ થયું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવી નબળાઈ દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૨૦,૧૦૬ બતાવી રનિંગમાં ૧૦૧૩ પૉઇન્ટ વધીને ૧,૧૯,૯૮૪ દેખાયું છે. ઇઝરાયલ ઈરાન પર ત્રાટકવા તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ પાછળ ક્રૂડ વધીને ૬૬ ડૉલર નજીક સરક્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકૉઇન ઉપરમાં ૧,૦૭,૯૫૨ ડૉલર બતાવી રનિંગમાં ૧,૦૬,૫૭૬ ડૉલર ચાલતો હતો.
દિંડોશીની ગુજ્જુ કંપની નવો ઇતિહાસ રચશે, યુનિફાઇડ ડેટા-ટેકનો ૧૦૦ ટકા OFS SME ઇશ્યુ આજે
ઔરંગાબાદ ખાતેની ઑટો કમ્પોનન્ટ્સ કંપની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો પાંચના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડ સાથેનો ૨૧૫૦ કરોડનો પબ્લિક ઇશ્યુ બુધવારે પ્રથમ દિવસે કુલ ૭૧ ટકા ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં હાલ ૧૩નું પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટની દાર ક્રેડિટ અને કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવના ૨૫૬૬ લાખ રૂપિયાના ઇશ્યુની વાત કરીએ તો એ પ્રથમ દિવસે જ રીટેલના નવ ગણા રિસ્પૉન્સમાં કુલ ૫.૮ ગણો છલકાયો છે. પ્રીમિયમ વધીને ૧૫ બોલાવા માંડ્યું છે. કંપનીમાં કશો દમ નથી. ગુજરાતના સાણંદ ખાતેની એક્રીશન ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ સામે બિલો પાર, ૭૯ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૮૩ નજીક બંધ થતા એમાં આશરે ૧૮ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. યુનિફાઇડ ડેટા ટેક સૉલ્યુશન્સ ડેટ ફ્રી કંપની છે.
ગુરુવારે, આજે મુંબઈના દિંડોશી ખાતેની આ ગુજ્જુ કંપની ૧૦ના શૅરદીઠ ૨૭૩ના મારફાડ ભાવે ૧૪,૪૪૭ લાખ રૂપિયાનો SME સેગમેન્ટના ઇતિહાસમાં સૌથી મોટા ભરણામાં બીજા નંબરનો ઇશ્યુ કરવાની છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે એટલે કંપનીને આમાંથી કશું મળવાનું નથી. SMEમાં આખો ઇશ્યુ OFS હોય એવો આ પ્રથમ બનાવ છે. ભરણામાં QIB પોર્શન ૫૦ ટકા છે એટલે રીટેલ પોર્શન ૩૫ ટકા રહેશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૭૫થી થયા બાદ રેટ ગગડતો રહી અત્યારે ૫૮ થઈ ગયો છે. સુરતના સચિન ખાતેની બોરણા વીવ્ઝનો ૧૦ના શૅરદીઠ ૨૧૬ની અપર બૅન્ડ સાથે આશરે ૧૪૫ કરોડનો મેઇન બોર્ડનો આઇપીઓ બીજા દિવસના અંતે કુલ ૨૯.૫ ગણો છલકાઈ ગયો છે, પરંતુ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૬૦થી ઘટી હાલ ૫૭ બોલાય છે. આગામી સપ્તાહે મેઇન બોર્ડમાં ત્રણ સહિત કુલ છ નવાં ભરણાં હાલની તારીખે નક્કી છે જેમાંથી ૪ ભરણાં ૨૭મીએ ખૂલવાનાં છે.
ડિક્શન ટેક્નૉલૉજી સારાં પરિણામ છતાં ૯૫૯ રૂપિયા ગગડી
સેન્સેક્સ ખાતે વધવામાં બજાજ ફીનસર્વ બે ટકા, તાતા સ્ટીલ ૧.૯ ટકા તથા સનફાર્મા દોઢ ટકા વધીને મોખરે હતા. નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૩૮૪ના શિખરે જઈ સવાપાંચ ટકા ઊછળી ૩૮૩ના બંધમાં ટૉપ ગેઇનર બની છે. સિપ્લા બે ટકા નજીક પ્લસ હતી. HDFC લાઇફ પોણાબે ટકા નજીક વધી છે. અન્યમાં ટેક મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ, નેસ્લે, તાતા મોટર્સ, NTPC, બજાજ ઑટો, જિયો ફાઇનૅન્સ, અપોલો હૉસ્પિટલ અને હિન્દુસ્તાન યુનિલીવર એકાદ ટકાથી માંડી દોઢ ટકાની નજીક અપ હતી. HDFC બૅન્ક તથા ICICI બૅન્ક અડધા ટકાના સુધારામાં બજારને કુલ ૧૨૨ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. રિલાયન્સ નહીંવત્ સુધારામાં ૧૪૨૯ હતી.
ઇન્ડસઇન્ડ બૅન્ક પરિણામ પૂર્વે દોઢ ટકો ઘટીને બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. JSW સ્ટીલ સવા ટકા નજીક, કોટક બૅન્ક પોણા ટકાથી વધુ, કૉલ ઇન્ડિયા અને પાવર ગ્રીડ અડધો ટકો નરમ હતા. TCSને BSNLનો ૨૯૦૦ કરોડનો ઑર્ડર મળ્યાની હૂંફમાં ભાવ પોણો ટકો સુધરી ૩૫૨૫ બંધ થયો છે. ઇન્ફોસિસ અડધો ટકો વધી છે. ONGC પરિણામ પૂર્વે નજીવા ઘટાડે ૨૪૯ નજીક બંધ આવી છે.
તાતા ટેલિનું AGR પેટેનું સરકારી દેવું ૧૯,૦૦૦ કરોડ વટાવી ગયું છે. એની જોગવાઈ કરવા તાતા સન્સ કંપનીમાં વધારાનું મૂડીરોકાણ કરશે એવી વાત છે. તાતા ટેલિનો શૅર ૨૦ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી અંતે ૧૮.૬ ટકા ઊછળી ૬૯ના બંધમાં ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. સારાં રિઝલ્ટ પાછળ ટ્રાઇડેન્ટ પોણાચૌદ ટકા, જેકે ટાયર્સ સવાતેર ટકા અને જીએસકે ફાર્મા ૭ ટકા કે ૧૯૭ રૂપિયા મજબૂત હતી. ફિનોટેક્સ કેમિકલ નબળાં રિઝલ્ટમાં પોણાદસ ટકા ગગડીને ૨૩૨ થઈ છે. ડિક્શન ટેક્નૉલૉજી સારાં રિઝલ્ટ છતાં પ્રૉફિટ બુકિંગના મારમાં પોણાછ ટકા કે ૯૫૯ રૂપિયા ખરડાઈ ૧૫,૬૦૮ રૂપિયા બંધ રહી છે.
જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૭,૫૦૦ના ટાર્ગેટ સાથે બુલિશ વ્યુ
આદિત્ય બિરલા ફૅશન ઍન્ડ રીટેલ એક્સ ડીમર્જરની પૂર્વ સંધ્યાએ નીચામાં ૨૬૬ થઈ બે ટકા ઘટી ૨૭૧ બંધ થયો છે. કંપની તેના મદુરા ફૅશન તથા લાઇફ સ્ટાઇલ બિઝનેસને આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલ બ્રૅન્ડ્સ નામની અગલ કંપની તરીકે ડીમર્જ કરવાની છે જેની રેકૉર્ડ ડેટ બાવીસમી મે છે. ડીમર્જરમાં આદિત્ય બિરલા ફૅશનના શૅરધારકને પ્રત્યેક શૅરદીઠ નવી કંપનીનો એક શૅર મળશે. નવી કંપનીનું બજારમાં લિસ્ટિંગ પાછળથી કરાવાશે. ૨૭ સપ્ટેમ્બરે આદિત્ય બિરલા ફૅશન ૩૬૪ ઉપર નવા બેસ્ટ લેવલે ગયો હતો. ૨૦૨૫ની ૩ માર્ચે અત્રે ૨૩૧ની વર્ષની બૉટમ બની હતી.
તેજસ નેટવર્ક્સને BSNL તરફથી ૧૫૨૬ કરોડ રૂપિયાનો નવો ઑર્ડર મળતાં ભાવ બમણા વૉલ્યુમે ૭૫૯ વટાવી ૩.૨ ટકા વધી ૭૪૭ રહ્યો છે. જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝમાં મોતીલાલ ઓસ્વાલે ૫૭,૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. શૅર ઉપરમાં ૪૮,૧૦૦ બતાવી નહીંવત સુધરી ૪૭,૪૫૫ બંધ આવ્યો છે. BSE લિમિટેડમાં એક શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ ડેટ ૨૩ મે છે. શૅર ગઈ કાલે એક ટકો ઘટી ૭૩૦૫ બંધ હતો. ઝોડિઍક જેઆરડી મકનજી શૅરદીઠ ૪૦ના ભાવે ૧૦૦ શૅરદીઠ ૧૧૨ના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ-રાઇટ થતાં ત્રણ ગણા કામકાજે નીચામાં ૫૦ થઈ આઠ ટકા ગગડી ૫૦.૫૦ નજીક બંધ થયો છે. હિમાલિયા ફૂડ ઇન્ટરનૅશનલ શૅરદીઠ ૧૩.૮૦ના ભાવે બે શૅરદીઠ એકના પ્રમાણમાં ૨૩મીએ એક્સ-રાઇટ થશે. શૅર સવાબે ટકા ઘટી ૧૮ રહ્યો છે. મહિન્દ્ર લાઇફ સ્પેસ પણ શૅરદીઠ ૨૫૭ના ભાવે આઠ શૅરદીઠ ત્રણના પ્રમાણમાં ૨૩મીએ એક્સ-રાઇટ થવાનો છે. ભાવ ગઈ કાલે અડધો ટકો ઘટીને ૩૫૧ બંધ થયો છે. પર્પલ ફાઇનૅન્સ શૅરદીઠ ૪૨ના ભાવે ૧૪ શૅરદીઠ ૩ના પ્રમાણમાં ૨૩મીએ એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે પોણાચાર ટકા ગગડી ૪૫ ઉપર બંધ આવ્યો છે.