ડીઝલનો ભાવવધારો, ફેડરલ રિઝર્વે સ્ટિમ્યુલસની જાહેરાત કરી એને પગલે ભારતીય બજારોમાં ઉછાળો

15 September, 2012 09:56 AM IST  | 

ડીઝલનો ભાવવધારો, ફેડરલ રિઝર્વે સ્ટિમ્યુલસની જાહેરાત કરી એને પગલે ભારતીય બજારોમાં ઉછાળો




(શૅરબજારનું ચલકચલાણું)

શૅરબજાર સાથે સંકળાયેલા વર્ગની અપેક્ષા મુજબ જ ગઈ કાલે ભારતીય બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સરકારે ડીઝલના ભાવ વધાર્યા તેમ જ કુકિંગ ગૅસમાં વાર્ષિક છ સિલિન્ડરની સિલિંગ જાહેર કરી એને કારણે સબસિડીના બોજમાં ઘટાડો થશે. આ ઉપરાંત ગુરુવારે રાત્રે અમેરિકન ફેડરલ રિઝર્વે ઇકૉનૉમિક સ્ટિમ્યુલસની જાહેરાત કરી હોવાથી ગઈ કાલે ઇન્ડિયન માર્કેટ્સમાં મોટો સુધારો જોવા મળ્યો હતો.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૪૪૩.૧૧ વધીને ૧૮૪૬૪.૨૭ બંધ રહ્યો હતો. સેન્સેક્સ સવારે ૧૮,૨૮૪.૭૫ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૪૯૮.૫૪ અને ઘટીને નીચામાં ૧૮,૨૮૪.૭૫ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી ૧૪૨.૩૦ વધીને ૫૫૭૭.૬૫ બંધ રહ્યો હતો. ગઈ કાલે સરકારે કરેલી જાહેરાત મુજબ ઇન્ફ્લેશન વધીને ૭.૫૫ ટકા થયો છે, પરંતુ બજારે આ નેગેટિવ ન્યુઝની અવગણના કરી હતી. સોમવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા મૉનિટરી પૉલિસીનો રિવ્યુ જાહેર કરશે. બજારની આગામી ચાલનો આધાર રિઝર્વ બૅન્કની જાહેરાત પર છે. જો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તો બજારમાં સુધારો આગળ વધશે. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૪.૭૦ વધીને ફક્ત ૬૨૪૪.૯૦ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ માત્ર ૨૯.૫૮ વધીને ૬૬૨૩.૧૨ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧ વધ્યાં હતાં, જ્યારે બેમાં ઘટાડો થયો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૪૮૫.૧૪ વધીને ૧૨,૧૮૮.૮૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૪ બૅન્કોના ભાવ વધ્યા હતા. ઍક્સિસ બૅન્કનો ભાવ સૌથી વધુ ૬.૩૦ ટકા વધીને ૧૦૦૯.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ક ઑફ બરોડાનો ભાવ ૫.૯૪ ટકા, એસબીઆઇનો ૫.૫૨ ટકા, યસ બૅન્કનો ૫.૧૧ ટકા, કૅનેરા બૅન્કનો ૫.૦૬ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાવ ૪.૯૭ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૧૦ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૮.૮૩ ટકા વધીને ૩૭૨.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૮ ટકા, સેસાગોવાનો ૫.૪૦ ટકા, સેઇલનો ૪.૫૯ ટકા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૪.૫૬ ટકા, હિન્દુસ્તાન ઝિન્કનો ૪.૩૨ ટકા અને તાતા સ્ટીલનો ૪.૨૧ ટકા વધ્યો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૩૭.૫૬ વધીને ૧૦,૦૪૨.૭૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૭ના ભાવ વધ્યા હતા. એલ ઍન્ડ ટીનો ભાવ સૌથી વધુ ૪.૮૭ ટકા વધીને ૧૪૮૬.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. અલ્સટૉમ ટી ઍન્ડ ડીનો ભાવ ૩.૪૯ ટકા, પુંજ લૉઇડનો ૩.૨૭ ટકા અને બીઈએમએલનો ૨.૩૪ ટકા વધ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૨૭૯.૩૯ વધીને ૯૯૪૫.૪૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના ભાવ વધ્યા હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૪.૩૨ ટકા વધીને ૨૭૦.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ ૪.૨૮ ટકા, અશોક લેલૅન્ડનો ૩.૩૧ ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૨.૯૩ ટકા વધ્યો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૨૪૩.૭૬ વધીને ૮૭૧૭.૦૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૪ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૩૫ ટકા વધીને ૮૪૦.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. કેઇર્ન ઇન્ડિયાનો ભાવ ૩.૯૫ ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ સૌથી વધુ ૨.૬૧ ટકા ઘટીને ૩૦૦.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૪.૪૨ ઘટીને ૭૫૨૧.૯૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૩ કંપનીના ભાવ ઘટ્યા હતા. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સનો ભાવ સૌથી વધુ ૪.૨૬ ટકા ઘટીને ૪૧૫.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. લુપિનનો ભાવ ૪.૦૧ ટકા અને ઑપ્ટો સરકિટ્સનો ૩.૬૨ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૨૪ના ભાવ વધ્યા હતા અને ૬ના ઘટ્યા હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૮.૮૩ ટકા વધ્યો હતો. ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝનો ભાવ સૌથી વધુ ૧.૫૯ ટકા ઘટીને ૧૭૪૫.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૨ કંપનીના શૅર્સ સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૨ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં એચડીએફસી બૅન્ક, ગ્લેક્સો સ્મિથક્લાઇન કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગૃહ ફાઇનૅન્સ, ટીસીએસ, પેજ ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ છે. ૧૬ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, પ્રોઝોન કૅપિટલ શૉપિંગ સેન્ટર્સ, માર્સ સૉફ્ટવેર, સૂર્યા ફાર્મા, વિકાસ મેટલ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૯૭ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૨૦ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

ઓડિશા મિનરલ્સ

ઓડિશા મિનરલ્સ ડેવલપમેન્ટ કંપનીનો ભાવ ૧૦ ટકા ઘટીને ૪૭,૮૮૭.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. બોનસ શૅરની વિચારણા કરવા માટે ગુરુવારે કંપનીની બોર્ડ-મીટિંગ મળી હતી, પરંતુ એમાં બોનસ શૅરની દરખાસ્ત રિજેક્ટ કરવામાં આવી હતી. સરકારે કંપનીને બોનસ શૅૅર ઇશ્યુ કરવાની વિચારણા કરવા જણાવ્યું હતું એ પછી ૨૫ જુલાઈથી અત્યાર સુધી બોનસ શૅરની અપેક્ષાએ શૅરનો ભાવ ૭૫ ટકા વધ્યો હતો.

એલ ઍન્ડ ટી

એલ ઍન્ડ ટીનો ભાવ ૪.૮૭ ટકા વધીને ૧૪૮૬.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૪૮૯.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪૪૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૪.૭૦ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. ટર્નઓવર ૬૯.૨૩ કરોડ રૂપિયા રહ્યું હતું. કંપનીએ એના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સર્વિસિસ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે જેથી ગ્રોથનો લાભ લઈ શકાય. કંપની એની ઑર્ડર-બુકમાં શિપ-બિલ્ડિંગ અને ડિફેન્સ બિઝનેસનો હિસ્સો વધારવાનો પ્લાન ધરાવે છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૫૩૫૫.૨૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૨૧.૫૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૮૩૩.૭૨ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૮૧૮.૪૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૦૬.૪૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૬૮૮ કરોડ રૂપિયા રહી હતી.

ઑઇલ કંપનીઓના શૅર્સના ભાવ વધીને ઘટ્યા

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓના શૅરના ભાવ પ્રારંભમાં વધ્યા હતા, પરંતુ બાદમાં ઘટ્યા હતા. ડીઝલના ભાવમાં વધારો કરવાથી તેમ જ કુકિંગ ગૅસનાં વાર્ષિક છ સિલિન્ડરોની સિલિંગ મુકાવાને કારણે પ્રારંભમાં શૅર્સના ભાવ વધ્યા હતા, પરંતુ અમેરિકાની સરકારે ઇકૉનૉમિક સ્ટિમ્યુલસ જાહેર કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા. એને કારણે પૉઝિટિવ ઇફેક્ટ ધોવાઈ ગઈ છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ ૨.૬૧ ટકા ઘટીને ૩૦૦.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ૩૨૭ રૂપિયા અને ઘટીને ૨૯૭.૬૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનનો ભાવ ૨.૨૪ ટકા ઘટીને ૨૪૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ૨૬૯.૯૦ રૂપિયા અને ઘટીને ૨૪૭.૭૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ભારત પેટ્રોલિયમનો ભાવ ૧.૨૭ ટકા ઘટીને ૩૫૦.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૭૮.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૪૬.૫૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.