પૅસેન્જર વાહનોની માર્કેટમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર તાતા મોટર્સ કરતાં આગળ

11 November, 2012 05:29 AM IST  | 

પૅસેન્જર વાહનોની માર્કેટમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર તાતા મોટર્સ કરતાં આગળ



પૅસેન્જર વાહનોના વેચાણમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા નંબર વનના સ્થાને છે. જોકે નંબર ૨ અને ૩ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. અગાઉ તાતા મોટર્સ બીજા સ્થાને અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ત્રીજા સ્થાને હતી, પરંતુ છેલ્લા સાત મહિનામાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રે પૅસેન્જર વાહનોની બજારમાં નંબર ટૂનું સ્થાન જાળવી રાખ્યું છે અને તાતા મોટર્સ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી યુટિલિટી વેહિકલ્સ તેમ જ ડીઝલ પૅસેન્જર વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રની પ્રોડક્ટ રેન્જમાં યુટિલિટી વેહિકલ્સ તેમ જ ડીઝલ વાહનોનો જ સમાવેશ થાય છે એને કારણે એનું વેચાણ નોંધપાત્ર વધી રહ્યું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ સાત મહિના એપ્રિલ-ઑક્ટોબર દરમ્યાન પણ તાતા મોટર્સ કરતાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું પૅસેન્જર વાહનોનું વેચાણ વધારે થયું છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું કુલ વેચાણ સાત મહિનામાં ૧,૫૭,૯૪૬ વાહનો જેટલું થયું છે, જ્યારે તાતા મોટર્સનું ૧,૫૧,૭૨૭ વાહનોનું થયું છે. એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન બન્ને કંપનીઓનાં પૅસેન્જર વાહનોના વેચાણની વિગત જોઈએ.

તાતા મોટર્સનું એપ્રિલમાં વેચાણ ૨૨,૬૫૮ નંગ, મેમાં ૨૦,૫૦૩ નંગ, જૂનમાં ૧૭,૨૪૪ નંગ, જુલાઈમાં ૨૬,૨૪૦ નંગ, ઑગસ્ટમાં ૨૨,૩૧૧ નંગ, સપ્ટેમ્બરમાં ૨૧,૬૫૨ નંગ અને ઑક્ટોબરમાં ૨૧,૧૧૯ નંગ થયું છે. આ સમયગાળામાં એપ્રિલ અને જુલાઈમાં તાતા મોટર્સનું વેચાણ મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કરતાં વધારે થયું છે.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું એપ્રિલમાં વેચાણ ૨૦,૫૫૮ નંગ, મેમાં ૨૧,૧૫૪ નંગ, જૂનમાં ૧૯,૯૪૨ નંગ, જુલાઈમાં ૨૨,૫૭૧ નંગ, ઑગસ્ટમાં ૨૨,૬૩૪ નંગ, સપ્ટેમ્બરમાં ૨૪,૧૭૩ નંગ અને ઑક્ટોબરમાં ૨૬,૯૩૨ નંગ થયું છે. એપ્રિલ અને જુલાઈમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું વેચાણ તાતા મોટર્સ કરતાં ઓછું થયું છે.