31 May, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરી
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી)નાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરીને મોટી રાહત આપતાં લોકપાલે હિન્ડનબર્ગ કેસમાં તેમની સામેની ફરિયાદોનો નિકાલ કર્યો છે. ભ્રષ્ટાચારવિરોધી લોકપાલે કહ્યું હતું કે માધવી પુરી બુચ સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ ભૌતિક પુરાવા નથી.
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારવિરોધી લોકપાલે ફરિયાદીઓના આરોપોને ગેરકાયદે રીતે મેળવેલા આવકવેરા રિટર્ન પર આધારિત બનાવટી ગણાવ્યા હતા.
લોકપાલ દ્વારા ૨૮ મેએ પસાર કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે અમે તારણ કાઢ્યું છે કે ફરિયાદમાંના આરોપો ધારણાઓ પર આધારિત છે અને કોઈ પણ ચકાસણીયોગ્ય સામગ્રી રજૂ કરવામાં આવી નથી અને ૧૯૮૮ના કાયદાના ભાગ IIIમાં ગુનાઓના ઘટકોને આધારિત નથી એટલે આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે.
આ કેસમાં નિર્ણય લેતી વખતે લોકપાલે માધબી પુરી બુચ સામે લગાવવામાં આવેલા પાંચ મુખ્ય આરોપોની તપાસ કરી હતી.
લોકપાલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોઈ પણ આરોપોમાં તથ્ય નથી. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદી આવા ચકાસણી વિનાના અને નબળા અથવા નાજુક આરોપો કરીને ફક્ત સનસનાટી મચાવવા અથવા કહો કે આ બાબતનું રાજકીયકરણ કરવા માગતા હતા અને આમ કરીને લોકપાલ સમક્ષ પ્રક્રિયાને અનિવાર્યપણે તુચ્છ બનાવી દીધી હતી એટલે અમે હવે કંઈ કહીશું નહીં.
લોકપાલે તેના આદેશમાં એ હકીકત પર ભાર મૂક્યો હતો કે ફરિયાદીઓએ સત્તાધિકારીને રોવિંગ ઇન્ક્વાયરી કરવાનો પ્રયાસ કરતી વખતે આ મામલે કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નહોતા.