29 December, 2021 02:58 PM IST | Mumbai | Nisha Sanghvi
પ્રતીકાત્મક તસવીર
ક્યુમ્યુલેટિવ બોનસ એટલે શું?
આરોગ્ય વીમામાં કોઈ પણ વીમાધારક ક્લેમ કરે નહીં તો કંપનીના ક્લેમ ચૂકવવાના પૈસા બચી જાય. આથી કંપની એનો અમુક લાભ વીમાધારકને આપતી હોય છે. એને ‘નો ક્લેમ બોનસ’ અથવા ‘ક્યુમ્યુલેટિવ બોનસ’ તરીકે ઓળખાવાય છે. આ લાભને પૉલિસીધારકને પોતાની તંદુરસ્તી બદલ મળેલો શિરપાવ પણ કહી શકાય.
ક્લેમરહિત વર્ષ પૂરું થયા બાદ પૉલિસીનું નવીનીકરણ કરવામાં આવે ત્યારે વીમાની રકમમાં ઉમેરો કરીને આ લાભ આપવામાં આવશે. દર વર્ષે અમુક નિશ્ચિત પ્રમાણમાં આ રકમ ઉમેરાય છે અને અમુક નિશ્ચિત મર્યાદા પછી બોનસ મળતી બંધ થઈ જાય છે. સમાન કંપનીની પૉલિસીનું નવીનીકરણ કરવામાં આવે અને વચ્ચે કોઈ બ્રેક પડે નહીં ત્યારે આ બોનસ આપવામાં આવે છે.
ચાલો, નો ક્લેમ બોનસને લગતું એક ઉદાહરણ જોઈ લઈએ ઃ
ધારો કે તમે કોઈ એક આરોગ્ય વીમા પૉલિસી લીધી છે જેની વીમાની રકમ ૧૦ લાખ રૂપિયા છે. જો તમે પહેલા વર્ષમાં કોઈ ક્લેમ કરો નહીં તો શક્ય છે કે તમને વીમાની રકમમાં ૧૦૦ ટકાનો ઉમેરો કરીને આપવામાં આવે. આ સ્થિતિમાં તમારી વીમાની રકમ ૨૦ લાખ રૂપિયા થઈ જશે. જો તમે બીજા વર્ષે પણ કોઈ ક્લેમ ફાઇલ કરો નહીં તો બીજા ૧૦૦ ટકા લાભ સાથે કુલ રકમ ૩૦ લાખ રૂપિયા થઈ જાય.
જો કોઈ એક વર્ષમાં ક્લેમ આવી જાય તો પછીના વર્ષે વીમાની રકમ અગાઉ જેટલા ટકા વધી હતી એટલા જ ટકા ઘટી જાય છે. જોકે આ ઘટાડા પછી પણ મૂળ વીમાની રકમમાં ઘટાડો નહીં થાય એટલે કે ૧૦ લાખ રૂપિયા કરતાં ઓછો વીમો ક્યારેય નહીં થાય. ક્લેમ આવે ત્યારે ફક્ત જમા થયેલી બોનસમાં ઘટાડો થાય છે.
આ વાતને પણ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિએ ૧૦ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો લીધો હતો અને દર વર્ષે બોનસ તરીકે ૧૦-૧૦ ટકાનો વધારો થઈને કુલ બોનસ ૫ લાખ રૂપિયા થઈ ગઈ. જો આ વર્ષે ક્લેમ આવી જાય તો જમા થયેલી બોનસમાંથી ૧૦ ટકા રકમનો ઘટાડો થઈ જાય.
બોનસ પર ક્યારે અસર ન થાયઃ
અહીં જણાવવું રહ્યું કે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં કરાવાયેલી સારવારનો જો ક્લેમ આવ્યો હોય તો એને લીધે બોનસ પર કોઈ અસર થતી નથી. એ જ રીતે તમે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવીને એનો ક્લેમ કરો તો પણ બોનસ પર કોઈ અસર થતી નથી.
નો ક્લેમ બોનસ બૂસ્ટર અથવા સુપર નો ક્લેમ બોનસઃ
વીમા કંપનીઓ પૉલિસીની શરતમાં ‘નો ક્લેમ બોનસ બૂસ્ટર’ કે ‘સુપર નો ક્લેમ બોનસ’ની કલમ ઉમેરતી હોય છે. જો તમે વધારાનું પ્રીમિયમ ચૂકવો તો કંપની એની સામે ૨૫થી લઈને ૨૦૦ ટકા સુધીની સુપર નો ક્લેમ બોનસનો લાભ આપતી હોય છે.
પૉલિસીનું એકત્રીકરણઃ
જો વીમાધારકો અગાઉ એક કરતાં વધારે પૉલિસી હેઠળ આવરી લેવાયા હોય અને એક્સપાયર થઈ રહેલી એ પૉલિસીનું નવીનીકરણ ફૅમિલી ફ્લોટર પૉલિસી તરીકે કરવામાં આવ્યું હોય તો પણ ક્યુમ્યુલેટિવ બોનસનો લાભ મળે છે. જોકે જૂની પૉલિસીઓમાંથી જે પૉલિસીમાં સૌથી ઓછી વીમાની રકમ હોય એના પર લાગુ થતી ક્યુમ્યુલેટિવ બોનસની સૌથી ઓછી ટકાવારી જેટલા પ્રમાણમાં જ નવી પૉલિસીમાં એ લાભ આપવામાં આવે છે.
પૉલિસીનું વિભાજનઃ
એક્સપાયર થઈ રહેલી પૉલિસી હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓને ફૅમિલી ફ્લોટર આધારે પૉલિસી આપવામાં આવી હોય અને એ સભ્યો નવીનીકરણ વખતે પૉલિસીનું વિભાજન કરીને એક કરતાં વધુ ફૅમિલી ફ્લોટર પૉલિસી લે અથવા એક કરતાં વધુ વ્યક્તિગત પૉલિસી લે તો ક્યુમ્યુલેટિવ બોનસનું પ્રમાણ નવીનીકરણ કરાયેલી દરેક પૉલિસીની વીમાની રકમના આધારે દરેક પૉલિસીમાં વહેંચી દેવામાં આવશે.
વીમાની રકમમાં ઘટાડાની સ્થિતિમાં:
જો નવીનીકરણ વખતે વીમાની રકમ ઘટાડવામાં આવે તો ક્યુમ્યુલેટિવ બોનસની ગણતરી પ્રો-રેટા ધોરણે નવી વીમાની રકમના આધારે ગણવામાં આવશે.
વીમાની રકમમાં વધારો
કરવાની સ્થિતિમાં
જો નવીનીકરણ વખતે વીમાની રકમ વધારવામાં આવે તો ક્યુમ્યુલેટિવ બોનસની ગણતરી પાછલા પૉલિસી વર્ષની વીમાની રકમના આધારે ગણવામાં આવશે.