અમે સરકાર પાસે બેલઆઉટ માટેની માગણી કરી નથી : માલ્યા

16 November, 2011 06:40 AM IST  | 

અમે સરકાર પાસે બેલઆઉટ માટેની માગણી કરી નથી : માલ્યા



કિંગફિશર ઍરલાઇન્સના ચૅરમૅન ડૉક્ટર વિજય માલ્યાએ ગઈ કાલે મુંબઈમાં કહ્યું હતું કે ‘અમે સરકાર પાસે કોઈ જ બેલઆઉટની માગણી નથી કરી. અમે ટૅક્સપેયર્સના પૈસા વાપરવા નથી માગતા. અમે ક્યારેય આવું નથી કર્યું અને ક્યારેય કરીશું પણ નહીં. અમને બૅન્કો પાસેથી ટૂંકા ગાળા માટે ૭૦૦થી ૮૦૦ કરોડ રૂપિયાની વર્કિંગ કૅપિટલ તેમ જ ઇન્ટરેસ્ટ કન્સેશનની જરૂર છે.’


વિજય માલ્યાએ ઉમેર્યું હતું કે ‘બે સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ અને ભારત પેટ્રોલિયમને કંપનીએ પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમને ૬૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. જોકે એના માટે ઑઇલ કંપનીને બૅન્ક-ગૅરન્ટી આપવામાં આવી છે. કંપનીએ જેટ ફ્યુઅલના ડાયરેક્ટ ઇમ્પોર્ટ માટે પરમિશન મેળવવા અરજી કરી છે. એને કારણે ફ્યુઅલ કૉસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થશે. બૅન્કોએ કંપનીને નવી મૂડી રોકવા માટે જણાવ્યું નથી. જો નવી મૂડીની જરૂર હશે તો કંપની એ બાબત ધ્યાનમાં લેશે.’

ડિફૉલ્ટર નથી

એસબીઆઇ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા)ના ચૅરમૅન પ્રતીપ ચૌધરીએ ગઈ કાલે મુંબઈમાં કહ્યું હતું કે ‘કિંગફિશર ઍરલાઇન્સ ડિફૉલ્ટર નથી અને કંપનીએ કોઈ નવી લોનની માગણી નથી કરી.’

કિંગફિશર ઍરલાઇન્સની ખોટમાં ૧૦૩ ટકાનો જમ્પ

કિંગફિશર ઍરલાઇન્સે સપ્ટેમ્બર ૨૦૧૧માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં ૪૬૯ કરોડ રૂપિયાની ખોટ કરી છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૨૩૧ કરોડ રૂપિયા હતી. કંપનીની ખોટમાં ૧૦૩ ટકાની વૃદ્ધિ થઈ છે. કુલ આવક ૧૩૮૨.૭૨ કરોડ રૂપિયાથી ૧૦ ટકા વધીને ૧૫૨૮.૧૬ કરોડ રૂપિયા થઈ છે. અગ્રણી બ્રોકરેજ હાઉસના ઇક્વિટી ઍનલિસ્ટના જણાવ્યા મુજબ છ વર્ષ પહેલાં કંપનીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય નફો નથી કર્યો. સેકન્ડ ક્વૉર્ટરમાં ફ્યુઅલ કૉસ્ટ ૭૦ ટકા વધીને ૮૧૭ કરોડ રૂપિયા થઈ છે, જેને કારણે ઑપરેશનલ એફિશિયન્સીને અસર થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે વધી રહેલી સ્પર્ધાને કારણે વિમાની ભાડાંમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ જ વધી રહેલા વ્યાજખર્ચને કારણે કંપનીની નેટવર્થ ધોવાઈ ગઈ છે. કંપનીનું કુલ ડેટ ૭૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે. કંપનીએ ફાઇનૅન્શિયલ રિસ્ટ્રક્ચરિંગની કામગીરી હાથ ધરી છે.