29 August, 2023 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક વ્યક્તિના ફાઇનૅન્શિયલ પોર્ટફોલિયોમાં પ્રૉપર્ટી એ એક મહત્ત્વનું પાસું છે અને રોકાણની દૃષ્ટિએ એને મૂલ્યવાન સંપત્તિ ગણાય છે. ટૅક્સેશનના ક્ષેત્રમાં પ્રૉપર્ટીની માલિકી વિવિધ નિયમોને આધીન હોય છે.
સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટી
સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટી એટલે એવી પ્રૉપર્ટી કે જેમાં પ્રૉપર્ટીનો માલિક અથવા એનો પરિવાર એ પ્રૉપર્ટીને પોતાના રહેઠાણ તરીકે વાપરતો હોય. આવી પ્રૉપર્ટીમાંથી ભાડું ન મળવાને કારણે ટૅક્સેશન હેતુ માટે આવી પ્રૉપર્ટીનું ગ્રૉસ વાર્ષિક મૂલ્ય શૂન્ય હોય છે.
સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટી માટે હોમ લોન લેવામાં આવી હોય તો એની ઉપર ભરવા પડતા વ્યાજને ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ના સેક્શન ૨૪ હેઠળ કપાતની મંજૂરી મળે છે. આથી જે કરદાતા પાસે સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટીની માલિકી હોય એ પોતાની હોમ લોન પરના વ્યાજ ઉપર કપાત ક્લેમ કરી શકે છે. એક નાણાકીય વર્ષ દરમ્યાન મહત્તમ કપાતપાત્ર રકમ બે લાખ રૂપિયા છે. આ કપાત બાંધકામ થાય એ પહેલાંના સમયગાળા દરમ્યાન તથા બાંધકામ થઈ ગયું હોય એ પછીના સમયગાળા દરમ્યાન–આ બન્ને સમયગાળા માટેના વ્યાજની રકમ ઉપર મળે છે, પરંતુ બાંધકામ પાંચ વર્ષની અંદર થઈ જવું જોઈએ એ શરત છે. ઉપરાંત આવી પ્રૉપર્ટીના રિપેર અને રેનોવેશન માટે ચૂકવવામાં આવતા વાર્ષિક ૩૦,૦૦૦ રૂપિયા સુધીના વ્યાજની રકમ પણ કપાત તરીકે મળી શકે છે.
સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટી ઉપર ૩૦ ટકાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે આવી પ્રૉપર્ટીમાંથી કોઈ પ્રકારની આવક થતી હોતી નથી, પરંતુ નવા ટૅક્સ રેજિમમાં હોમ લોનના વ્યાજ ઉપરની કપાત નહીં મળી શકે.
લેટ-આઉટ પ્રૉપર્ટી
જે પ્રૉપર્ટી ભાડૂતને ભાડે આપી હોય એવી પ્રૉપર્ટીને લેટ-આઉટ પ્રૉપર્ટી કહેવાય છે.
ફેયર રેન્ટલ વૅલ્યુ ઍક્ચ્યુઅલ રેન્ટલ વૅલ્યુ અથવા મ્યુનિસિપલ વૅલ્યુએશન આ બધામાંથી જે સૌથી વધુ હોય એને આધારે લેટ-આઉટ પ્રૉપર્ટીની ગ્રૉસ વાર્ષિક વૅલ્યુ નક્કી કરાય છે.
કરદાતાઓ નેટ વાર્ષિક વૅલ્યુના ૩૦ ટકાને હિસાબે સ્ટાન્ડર્ડ ડિડક્શન ક્લેમ કરી શકે છે. મેઇન્ટેનન્સ ખર્ચ, રિપેર ખર્ચ અને પ્રૉપર્ટીને લાગતા-વળગતા બીજા ખર્ચાઓ આ ડિડક્શનની રકમમાંથી કરી શકાય એવો આ ડિડક્શનનો હેતુ છે. નવા ટૅક્સ રેજિમ હેઠળ પણ આ ડિડક્શન મેળવી શકાય છે. કરદાતાઓ નાણાકીય વર્ષ દરમ્યાન ભરેલી મ્યુનિસિપલ ટૅક્સની રકમને પણ પ્રૉપર્ટીની ગ્રૉસ વાર્ષિક વૅલ્યુમાંથી બાદ કરી શકે છે.
લેટ-આઉટ પ્રૉપર્ટી માટે લીધેલી હોમ લોન ઉપર ભરાતા વ્યાજની ચુકવણીની રકમ ઉપર કરદાતાઓ ડિડક્શન ક્લેમ કરી શકે છે. વ્યાજની સંપૂર્ણ રકમ ઉપર ડિડક્શન મળે છે. નવા ટૅક્સ રેજિમ હેઠળ પણ આ ડિડક્શન મળે છે.
જો કરદાતા બે કરતાં વધારે સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટી ધરાવતા હોય તો પણ ટૅક્સની ગણતરી માટે ફક્ત બે પ્રૉપર્ટીને જ સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રૉપર્ટી તરીકેની ગણતરીમાં લેવાય છે. બાકીની બધી પ્રૉપર્ટીઓને ડીમ્ડ ટુ બી લેટ-આઉટ પ્રૉપર્ટી તરીકે ગણવામાં આવે છે. એટલે કે આ પ્રૉપર્ટીઓને ભાડા ઉપર આપેલી છે એમ જ ગણવામાં આવે છે. એટલે આવી પ્રૉપર્ટીમાંથી ભાડું ન મળતું હોવા છતાં, ભાડું મળ્યું છે એમ સમજીને આવી નોશનલ રેન્ટલ ઇન્કમને કરદાતાની ટૅક્સેબલ ઇન્કમના ભાગ તરીકે ગણવામાં આવે છે. પ્રૉપર્ટી ખાલી પડી હોય અથવા પ્રૉપર્ટીના માલિક એને પોતાને માટે વપરાશમાં લેતા હોય એનાથી આ રીતની ગણતરીમાં કોઈ ફરક પડતો નથી. જે બધાં ડિડક્શન લેટ-આઉટ પ્રૉપર્ટીને મળે છે એ બધા જ આવી ડીમ્ડ ટુ બી લેટ-આઉટ પ્રૉપર્ટીઓને પણ મળે છે.
જો હોમ લોનનું વ્યાજ, સ્ટાન્ડર્ડ ડિડક્શન અને મ્યુનિસિપલ ટૅક્સ - આ બધાં ડિડક્શન મળીને કુલ ડિડક્શન, ભાડામાંથી ઊપજતી આવકથી વધી જાય, જેને કારણે હાઉસ પ્રૉપર્ટીમાં નુકસાન વેઠવું પડે, તો આવા નુકસાનને મહત્તમ બે લાખ રૂપિયા સુધી એ જ નાણાકીય વર્ષમાં આવકના બીજા કોઈ પણ મથાળા (હેડ) હેઠળ સેટ-ઑફ કરી શકાય છે. ભવિષ્યનાં નાણાકીય વર્ષોમાં આ નુકસાને કેવળ ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટીના મથાળા હેઠળ જ સેટ-ઑફ કરી શકાય છે.
ભારતમાં હાઉસ પ્રૉપર્ટીઓના માલિકો માટે ઇન્કમ ટૅક્સના નિયમોનું ચોક્સાઈભર્યું અનુપાલન અને અસરકારક ટૅક્સ પ્લાનિંગ કરવા માટે આ જોગવાઈઓને બરાબર સમજીને એમનો યોગ્ય ઉપયોગ થાય એ મહત્ત્વનું છે. ટૅક્સના કાયદાઓમાં થતા બદલાવો વિશે માહિતગાર રહેવું સલાહભર્યું છે તથા શ્રેષ્ઠ ટૅક્સના આયોજન માટે અને કાયદાકીય જરૂરિયાતોને વળગી રહેવા માટે પ્રોફેશનલની સલાહ લેવી હિતાવહ છે.