સાગમટે ખરાબીમાં IT ઇન્ડેક્સ સવાપાંચ ટકા કે ૧૭૯૫ પૉઇન્ટ ડૂલ

13 February, 2026 09:11 AM IST  |  Mumbai | Anil Patel

પાંચ વર્ષ જૂની ૭ માણસથી શરૂ થયેલી અમેરિકન કંપની ઍન્થ્રોપિકને લઈને ભારતીય IT સેક્ટરનું ત્રણ દાયકા જૂનું બિઝનેસ-મૉડલ હચમચવા માંડ્યું : ટીસીએસ, વિપ્રો, ઓરેકલ, સિએન્ટ, સિગ્નિટી, હેક્સાવેર સહિત સંખ્યાબંધ IT શૅર નવા ઐતિહાસિક તળિયે : માર્કેટ બ્રેડ્થ ગબડી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમેરિકન કંપની ઍન્થ્રોપિકના અટૅકમાં IT સેક્ટરની હાલત બગડી ગઈ છે. પાંચ વર્ષ જૂની અને મૂળ ૭ માણસથી શરૂ થયેલી આ કૅલિફૉર્નિયન કંપનીએ ભારતીય IT કંપનીઓના ત્રણ દાયકા જૂના મૉડલની રીતસર વાટ લગાડી દીધી છે. આખિર, મામલા ક્યા હૈ? આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં પ્રવૃત્ત ઍન્થ્રોપિક તરફથી કોડિંગવાળુ નવું AI ટૂલ્સ લૉન્ચ થયું છે એને કારણે AI હવે માત્ર ચૅટબૉટ ન રહેતાં માણસોની બદલીમાં કામકાજ કરનાર AI-વર્કર બની ગયું છે. કોડિંગ, ટેસ્ટિંગ, લીગલ ડ્રાફ્ટિંગ, અકાઉન્ટિંગ, મેઇન્ટેનન્સ જેવાં કામ હવે ગણતરીની મિનિટમાં જ મશીનથી થવાનાં છે. લાખો માણસોની રોજીરોટી છીનવાઈ જશે. નવા ટૂલ્સના પગલે AI હવે પોતે જ સૉફ્ટવેર બનાવી શકે છે, એને ચલાવી શકે છે, મેઇન્ટેન કરી શકે છે. સૉફ્ટવેર ડેવલપર્સ અને પ્રોગ્રામર્સ તરીકે માણસોની જરૂર રહેતી નથી. દેશના IT સેક્ટરમાં લાખો નોકરીઓનો જ સવાલ નથી. IT સેક્ટરનું પરંપરાગત સમગ્ર બિઝનેસ મૉડલ જોખમમાં આવી ગયું છે. ભારતીય કંપનીઓ પાસે IT પ્રોડક્ટ્સ ગણીગાંઠી છે. મોટા ભાગે મેઇન્ટેનન્સ અને જોબવર્ક પર તેમનો કારોબાર ટકેલો છે. ITના શૅરાંકે માંધાતા થઈને ફરતા નારાયણમૂર્તિઓ દેશના વિકાસ માટે સપ્તાહના ૭૦ કલાક કામ કરવાના ઉપદેશ આપતા રહે છે. ગધ્ધામજૂરી કરવાની શીખ આપવાને બદલે સ્માર્ટવર્ક કરવાની સમજ આ લોકોએ કેળવી હોત તો દેશનું IT સેક્ટર કંઈક ઑર હોત. પાંચ વર્ષ જૂની ૭ માણસથી શરૂ થયેલી અને હાલમાં માત્ર ૨૫૦૦ કર્મચારી ધરાવતી ઍન્થ્રોપિકનું વૅલ્યુએશન આજે ૩૭૪ અબજ ડૉલર એટલે કે ૩૪ લાખ કરોડ રૂપિયાનું બોલાય છે. આપણી નંબર વન TCS તથા નંબર ટૂ ઇન્ફીનું સંયુક્ત માર્કેટકૅપ આના અડધા કરતાંય ઓછું છે. ઈવન ઇન્ડિયાની ટૉપ-10 IT કંપનીઓનું ડૂલ માર્કેટકૅપ પણ આટલું નહીં હોય.

ઍન્થ્રોપિકના શૉકમાં ખરાબી વકરતાં ગઈ કાલે IT ઇન્ડેક્સ નીચામાં ૩૨,૦૨૨ બતાવી ૫.૩ ટકા કે ૧૭૯૫ પૉઇન્ટ ગગડી ૩૨,૧૨૩ બંધ થયો છે. એના ૭૭માંથી ૬૯ શૅર ઘટ્યા છે. નિફ્ટી IT ૧૦માંથી ૧૦ શૅરના બગાડમાં સાડાપાંચ ટકા કે ૧૯૩૫ પૉઇન્ટ સાફ થયો છે. ગઈ કાલે ઇન્ફોસિસ પોણાછ ટકા, TCS સાડાપાંચ ટકા, ટેક મહિન્દ્ર ૬ ટકા જેવી અને HCL ટેક્નો ૪.૮ ટકા ગગડીને બજારને કુલ ૫૧૨ પૉઇન્ટ નડી છે. વિપ્રો ૪.૭ ટકા તૂટ્યો હતો. સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટાડામાં આ શૅર ટૉપ લૂઝર હતા. લાટિમ જે હવે LTM લિમીટેડ બની ગઈ છે એ ૫.૫ ટકા કે ૩૦૩ રૂપિયા ગગડી છે. IT ઇન્ડેક્સમાં નેટવર્ક પીપલ સવાદસ ટકા તૂટી હતી. KPIT ટેક્નો ૭ ટકા, કોફોર્જ ૬.૫ ટકા, બિરલા સૉફ્ટ ૬.૮ ટકા, સેન્સિસ ટેક ૯.૮ ટકા, ઓરેકલ સવાપાંચ ટકા, ઝેનસાર ૬ ટકા, તાતા ઍલેક્સી ૫.૨ ટકા, સિગ્નિટી ટેક્નો ૬.૮ ટકા લથડી છે. એક્સેલ્યા, સિએન્ટ, હૅપિએસ્ટ માઇન્ડ, ફર્સ્ટ સોર્સ, હેક્સાવેર ટેક્નો, KPIT ટેક્નો માસ્ટેક, ઓરેકલ, TCS, વિપ્રો, ન્યુજેન સૉફ્ટવેર જેવા શૅરમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં બૉટમ બન્યાં છે. સોનાટા સૉફ્ટવેર ૨૭૮ના વર્સ્ટ લેવલે જઈ ૮ ટકા ખરડાઈ ૨૯૦ નજીક રહી છે. 

યાત્રા ઑનલાઇન નબળા રિઝલ્ટ પચાવી તેજીમાં બંધ રહી

મલ્ટીનૅશનલ ફાર્મા કંપની ઍસ્ટ્રાઝેનેકાએ સાડાપાંચ ટકા વધારામાં ૩૨૬૦ લાખ નેટ નફો મેળવ્યો છે. જ્યારે આવક ૩૯ ટકા વધીને ૬૧૨ કરોડ જેવી થઈ છે. શૅર નીચામાં ૮૬૦૬ થઈ ૨.૭ ટકા ઘટીને ૮૮૨૫ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. બુકવૅલ્યુ ૩૨૦ રૂપિયા જેવી છે. છેલ્લે ઑક્ટોબર ૧૯૯૫માં બોનસ આવ્યું હતું. કૉન્કૉર્ડ બાયોટેકની આવક પોણાચૌદ ટકા વધી ૨૭૮ કરોડ થઈ છે, નફો સવાત્રણ કરોડની વન ટાઇમ પ્રોવિઝન પછી ૧૫ ટકા ઘટી ૬૪૫૦ લાખ થયો છે. શૅર નીચે ૧૧૯૦ થઈ દોઢ ટકો ઘટી ૧૨૨૭ હતો. ફેસવૅલ્યુ એકની છે. યાત્રા ઑનલાઇનની આવક સવાનવ ટકા વધીને ૨૫૭ કરોડ થઈ છે. નફો ૧૬.૭ ટકા ઘટીને ૮૩૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૧૩૬ બતાવી ૧૦.૭ ટકા ઊછળી ૧૬૬ રહ્યો છે.

અમદાવાદી હાઇકલ લિમિટેડની આવક સાડાદસ ટકા વધી ૪૯૪ કરોડ થઈ છે. લેબર કોડને લઈને ૩૮ કરોડની વનટાઇમ પ્રોવિઝનના પગલે કંપની ૧૭ કરોડના નફામાંથી ૫૯૦ લાખની નેટ લૉસમાં આવી છે. શૅર નીચામાં ૧૯૩ બતાવી ૧૩.૨ ટકા વધી ૨૧૬ બંધ થયો છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે પોણાપાંચ ટકા વધારામાં ૫૦૫૧ કરોડની આવક પર પોણાનવ ટકા વધારામાં ૨૦૫ કરોડ નજીક ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ૯૮૭ થઈ અડધો ટકો ઘટી ૧૦૧૦ હતો. સરકારની ૬૫.૨ ટકા માલિકીની ઇરકોન ઇન્ટરની આવક ૧૯ ટકા ઘટી ૨૧૧૯ કરોડ થઈ છે, નફો ૧૬ ટકા વધીને ૧૦૦ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર ઉપરમાં ૧૫૭ થઈ સવા ટકો ઘટી ૧૫૪ થયો છે. જ્યુપિટર વૅગન્સની આવક ૧૩.૫ ટકા ઘટતાં નફો ૩૫.૩ ટકા ગગડી ૬૩ કરોડ થયો છે. શૅર નીચે ૨૯૬ થઈ ૩.૬ ટકા ઘટીને ૩૯૯ બંધ આવ્યો છે. 

બાયોપોલ કેમિકલ્સ અને પાન HRનું આજે લિસ્ટિંગ

નવી દિલ્હીની મરુશિકા ટેક્નૉલૉજીનો ૧૦ના શૅરદીઠ ૧૧૭ની અપરબૅન્ડમાં ૨૬૯૭ લાખનો NSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ ૨૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. બાયોપૉલ કેમિકલ્સ તથા પાન HR સૉલ્યુશન્સના SME ઇશ્યુ આજે શુક્રવારે લિસ્ટેડ થશે. બાયોપૉલમાં ૪નું પ્રીમિયમ બોલાય છે. ગોરેગામની ફેક્ટલ ઍનલિટ‌િક્સનો એકના શૅરદીઠ ૯૦૦ના ભાવનો ૨૮૩૪ કરોડનો મેઇનબોર્ડનો ઇશ્યુ આખરી દિવસે કુલ ૨.૮ ગણો ભરાઈને પૂરો થતાં ગ્રેમાર્કેટમાં બે રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યું હતું. હાલમાં બે રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે. નવી દિલ્હીની આઇ ફાઇનૅન્સનું બેના શૅરદીઠ ૧૨૯ના ભાવનું ૧૦૧૦ કરોડનું ભરણું HNI પોર્શનમાં માત્ર પાંચ ટકા અને રીટેલમાં ૮૧ ટકા ભરાયું હતું, પણ QIBની મહેરબાનીથી ઇશ્યુ એક ગણો ભરાઈને પૂરો થઈ શક્યો છે. એમાં ૩૫ પૈસાનું પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં શરૂ થયા પછી હાલ રેટ ત્યાં જ છે. ફેક્ટલના ભરણામાં કંપનીના કર્મચારીઓ માટે ૮૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું છતાં એમ્પ્લાયી ક્વોટા ફક્ત ૬૫ ટકા ભરાયો છે.

આગલા દિવસે સવાનવ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯૨ બંધ રહેલી બ્રૅન્ડમૅન રીટેલ ગઈ કાલે ૨૦૨ નજીક જઈ પાંચ ટકા વધીને ત્યાં જ રહી છે, તો ગ્રોવર જ્વેલ્સ સાડાચૌદ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૧૦૦ રૂપિયા બંધ થયા બાદ ગઈ કાલે ઉપરમાં ૧૦૬ બતાવી પાંચ ટકા વધી ત્યાં જ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી વરલીની CKK રીટેલ ૨૦૮ની ટોચે જઈ પાંચ ટકા વધી ત્યાં બંધ રહી છે. 

નફામાં ૬૧ ટકા ગાબડું પડતાં LG ઇલેક્ટ્રૉનિક્સ ખરડાયો

LG ઇલેક્ટ્રોનિક્સે ડિસેમ્બર ક્વૉર્ટરમાં સાડાછ ટકાના ઘટાડામાં ૪૧૧૪ કરોડની આવક પર ૬૧.૬ ટકાના ગાબડામાં ૮૯૭૦ લાખ નેટ નફો બતાવ્યો છે. શૅર નીચામાં ૧૩૯૪ થઈ ૩.૨ ટકા ઘટી ૧૪૭૦ બંધ થયો છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૧૪૦ના ભાવથી ૧૧૬૦૭ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ઑક્ટોબર ૨૦૨૫માં લાવી હતી એ કુલ ૫૪ ગણો છલકાયો હતો. ૨૦૨૫ની ૧૪ ઑક્ટોબરે ભાવ લિસ્ટિંગમાં ૧૬૮૯ બંધ થયો એ દિવસે ઇન્ટ્રા-ડેમાં ૧૭૩૬ની ઑલટાઇમ હાઈ બની હતી. લેન્સકાર્ટ સૉલ્યુશન્સે ૩૮.૩ ટકા વધારામાં ૨૩૦૮ કરોડની આવક પર ૭૧ ગણા વધારામાં ૧૩૧ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ગઈ કાલે ૫૩૧ના શિખરે જઈને ૧૦ ટકા ઊછળી ૫૧૩ રહ્યો છે. આ કંપની ઑક્ટોબર ૨૦૨૫ની આખરમાં બેના શૅરદીઠ ૪૦૨ના ભાવથી ૫૧૨૮ કરોડની OFS સહિત કુલ ૭૨૭૮ કરોડનો ઇશ્યુ લાવી હતી. ૨૦૨૫ની ૧૦ નવેમ્બરે લિસ્ટિંગમાં ભાવ ઉપર ૪૧૪ અને નીચામાં ૩૫૫ થઈ છેવટે ૪૦૩ બંધ થયો હતો. અગાઉ ૨૨ ડિસેમ્બરે શૅર ૪૯૫ના બેસ્ટ લેવલે ગયો હતો.

પતંજલિ ફૂડ્સની આવક સાડાસોળ ટકા વધી ૧૦,૪૮૪ કરોડ તથા નેટ નફો ૬૦ ટકા વધીને ૫૯૩ કરોડ થયો છે. ભાવ ઉપરમાં ૫૩૦ થઈ નજીવો સુધરી ૫૨૩ થયો છે. અમારરાજા એનર્જીની આવક સવાચાર ટકા વધી ૩૪૧૦ કરોડ થઈ છે. અગાઉના ૧૧૧ કરોડના વન ટાઇમ ગેઇન સામે આ વેળા ૪૮ કરોડ નજીકની વન ટાઇમ લૉસને લીધે નેટ પ્રૉફ‌િટ ૫૩ ટકા ગગડીને ૧૪૦ કરોડ રહ્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૮૫૫ થઈ ૫.૪ ટકા ગગડી ૮૬૨ હતો. મફતલાલની નોસિલ લિમ‌િટેડે પોણા ટકાના ઘટાડામાં ૩૧૬ કરોડ આવક પર ૨૮.૩ ટકાના ગાબડામાં સવાનવ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૧૪૬ થઈ અઢી ટકા વધીને ૧૫૩ હતો. 

તાતા મોટર્સ નવા શિખરનો શિરસ્તો જાળવી રાખતાં ૫૦૦ થઈ

સેન્સેક્સ આગલા બંધથી ૨૬૬ પૉઇન્ટના ઘટાડે ૮૩,૯૬૮ ખૂલી છેવટે ૫૫૯ પૉઇન્ટ ગગડી ૮૩,૬૭૫ તથા નિફ્ટી ૧૪૭ પૉઇન્ટ ખરડાઈ ૨૫,૮૦૭ બંધ થયો છે. આરંભથી અંત સુધી નબળા માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૮૪,૦૬૨ નજીક જઈ નીચામાં ૮૩,૫૧૭ થયો હતો. નિફ્ટી નીચામાં ૨૫,૭૫૨ દેખાયો છે. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૧૫૧ શૅરની સામે ૨૦૦૮ કાઉન્ટ ઘટ્યાં છે. માર્કેટકૅપ ૨.૫૧ લાખ કરોડ ઘટી ૪૭૨.૪૮ લાખ કરોડ રહ્યું છે. જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ માઇનસ હતાં. IT ઉપરાંત અન્યમાં ઑઇલ-ગૅસ સવા ટકો, રિયલ્ટી દોઢ ટકા, એનર્જી સવા ટકા, નિફ્ટી મીડિયા ૧.૩ ટકા ડાઉન હતો. નિફ્ટી ડિફેન્સ અડધો ટકો સુધર્યો છે.

બજાજ ફાઇનૅન્સ ૩.૨ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા, આઇશર ૨.૨ ટકા, ICICI બૅન્ક ૧.૯ ટકા, ટ્રેન્ટ દોઢ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૧.૪ ટકા વધી છે. સ્ટેટ બૅન્ક ૧૨૦૩ની નવી ટૉપ બતાવી પોણો ટકો વધી ૧૧૯૨ બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૧૧ લાખ કરોડ પાર થયું છે. ઘટાડામાં IT શૅર મોખરે હતા. અન્યમાં મહિન્દ્ર સવાબે ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૨.૧ ટકા, કોટક બૅન્ક પોણો ટકો, એટર્નલ એકાદ ટકા, HDFC બૅન્ક ૦.૭ ટકા, રિલાયન્સ સવા ટકો, સિપ્લા દોઢ ટકા, જિયો ફાઇનૅન્સ એક ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ એક ટકા, કોલ ઇન્ડિયા એક ટકો નરમ હતી.

રત્નમણ‌િ મેટલ ૮૭ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૩૭૫ વટાવી ૨૩૬૩ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. અવંતી ફીડ્સ પણ ૨૦ ટકાની તેજીમાં ૧૪૩૨ની ટૉપ બનાવી ૧૪૧૨ બંધ થઈ છે. શારદા ક્રૉપકેમ ૧૨૬૨ના શિખરે જઈ ૯.૪ ટકા વધી ૧૨૫૨, સ્કાયગોલ્ડ ૯.૮ ટકા ઝળકી ૩૬૭, સ્ટરલાઇટ ટેક્નો ૮.૨ ટકાના બાઉન્સબૅકમાં ૧૫૫ રહી છે. સોનાટા સૉફ્ટવેર ૮ ટકા ગગડી ૨૯૦ બંધમાં એ-ગ્રુપમાં મોખરે હતી. આશાપુરા માઇનકેમ ૮ ટકા તો સફારી ઇન્ડસ્ટ્રીઝ ૩.૮ ટકા ડૂલ થઈ છે. નબળા રિઝલ્ટમાં ઘટેલી હાઇકલ ૧૩.૨ ટકા બાઉન્સબૅક થઈને ૨૧૬ બંધ આવી છે. તાતા મોટર્સ ૫૦૦ની નવી વિક્રમી સપાટી નોંધાવી સવાબે ટકા વધી ૪૯૮ હતી. તાતા મોટર્સ પૅસેન્જર નજીવી ઘટીને ૩૮૩ રહી છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange ai artificial intelligence