07 March, 2026 08:00 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બહુમતી અગ્રણી એશિયન બજારોએ ગુરુવારનો સુધારો ગઈ કાલે આગળ વધાર્યો છે. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા નજીક, જપાન અડધો ટકો, ચાઇના અડધા ટકા નજીક, સાઉથ કોરિયા તેમ જ સિંગાપોર નહીંવત્ પ્લસ હતા. સામે ઇન્ડોનેશિયા પોણાબે ટકા તથા થાઇલૅન્ડ અને તાઇવાન સાધારણ ઘટ્યા છે. યુરોપ રનિંગમાં પોણાથી એકાદ ટકા આસપાસ ઉપર દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૬૧,૨૧૦ના આગલા બંધ સામે નીચામાં ૧,૫૭,૦૭૨ બતાવી રનિંગમાં ૩૪૨૧ પૉઇન્ટ ગગડી ૧,૫૭,૭૮૯ ચાલતું હતું. બિટકૉઇન ૭૧,૦૦૦ ડૉલર ઉપર ટકેલો હતો. બ્રૅન્ટક્રૂડ ૮૫ ડૉલર વટાવી ગયું છે. ચાંદી વાયદો ત્રણેક ટકા વધીને ૮૪.૪ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ પોણા ટકાના સુધારામાં ૫૧૧૪ ડૉલર ક્વોટ થતું હતું. લંડન ધાતુ બજાર ખાતે કૉપર, ઍલ્યુમિનિયમ, નિકલ તેમ જ ઝિન્કના ભાવ સવાથી ત્રણ ટકા જેવા ડાઉન હતા. ડૉલર સામે રૂપિયો સાતેક પૈસાની નરમાઈમાં ૯૧.૬૮ દેખાતો હતો.
૩ દિવસમાં ૩૧૩૨ પૉઇન્ટના ધોવાણ બાદ ગુરુવારે ૯૦૦ પૉઇન્ટનો બાઉન્સબૅક આપનાર બજારનો તમામ સુધારો ગઈ કાલે સાફ થઈ ગયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૫૭ પૉઇન્ટ નરમ, ૭૯,૬૫૯ ખૂલી છેવટે ૧૦૯૭ પૉઇન્ટ ઘટી ૭૮,૯૧૯ તથા નિફ્ટી ૩૧૫ પૉઇન્ટના ઘટાડે ૨૪,૪૫૦ ગઈ કાલે બંધ થયો છે. બજાર નરમ ખૂલ્યા બાદ ઉપરમાં ૭૯,૭૫૩ થયા બાદ ઘસાતું રહીને નીચામાં ૭૮,૮૧૨ થયું હતું. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૧૭ શૅર સામે ૧૮૭૪ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૩.૨૨ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૪૯.૬૮ લાખ કરોડ થયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૩૬૮ પૉઇન્ટ કે ૨.૯ ટકા તથા નિફ્ટી ૭૨૮ પૉઇન્ટ કે ૨.૯ ટકા ડાઉન થયો છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૩ ટકાના ઘટાડા સામે ગઈ કાલે પાવર ઇન્ડેક્સ અડધો ટકો, કૅપિટલ ગુડ્સ સવા ટકો, નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૨.૮ ટકા મજબૂત થયો છે. સામે ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૨.૧ ટકા, બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા, રિયલ્ટી બે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા ડાઉન હતો.
રેલવે શૅરમાં ગઈ કાલે સિલેક્ટિવ ફેન્સી જોવાઈ છે. જ્યુપિટર વેગન્સ ૫૯ ગણા કામકાજે ઉપરમાં ૩૦૫ વટાવી ઇર્કોન ઇન્ટરનૅશનલ ૯.૮ ટકા ઊછળીને ૧૪૭ થઈ છે. અન્યમાં ટિટાગર રેલ સિસ્ટમ્સ ૩.૨ ટકા, રેલટેલ કૉર્પોરેશન ૩.૨ ટકા, રેલવિકાસ નિગમ ૨.૧ ટકા, રાઇટ્સ અઢી ટકા, ટૅક્સમારો રેલ ૪ ટકા, હિન્દ રેક્ટિફાયર્સ સાડાસાત ટકા, ભારત અર્થ મૂવર્સ ૨.૧ ટકા મજબૂત હતી. સરકાર રેલવિકાસ નિગમ તથા ઇર્કોન ઇન્ટર.નું મર્જર કરવા વિચારી રહી હોવાના બજારમાં અહેવાલ હતા.
કર્ણાટકા રાજ્ય સરકાર લિકર કે શરાબના મામલે હાલની નીતિમાં ઘરખમ ફેરફાર કરવા સક્રિય બની છે. એના પગલે આલ્કોહોલ કંપનીઓ ઉપર વેરાનું ભારણ ઘટવાની તથા લિકર અને બિઅરના વેચાણ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની વાત છે. આના લીધે ગઈ કાલે યુનાઇટેડ બેવરેજિસ ઉફરમાં ૧૭૭૧ થઈ સાડાપાંચ ટકા ઊછળી ૧૭૩૬, રેડીકો ખૈતાન ૨૧૬ રૂપિયા કે ૮.૪ ટકાની તેજીમાં ૨૭૮૧, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ ૫.૬ ટકાના જમ્પમાં ૪૪૯ બંધ થઈ છે. રવિકુમાર ડિસ્ટિલિયરીઝમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. યુનાઇટેડ સ્પિરિટ ૪.૬ ટકા, મૉનિકા આલ્કોબિવ ૫.૮ ટકા, એલાઇડ બ્લેન્ડર પાંચ ટકા ઝૂમી છે.
સોમવારે મેઇન બોર્ડમાં ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસ ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપરબૅન્ડમાં ૭૬ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૨૫૫ કરોડનો ઇશ્યુ કરવાની છે. ૧૯૯૧માં સ્થપાયેલી આ કંપની બિલેટ્સ, ઇન્ગૉટ્સ, બાર્સ, પટ્ટી સહિત વિવિધ ગ્રેડની ૮૦ જેટલી સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સ બનાવે છે, નિકાસ પણ કરે છે. કંપનીએ ગયા વર્ષે અઢી ટકા જેવા વધારામાં ૯૩૭ કરોડ પ્લસની આવક ઉપર ૨૬ ટકા વૃદ્ધિદરથી ૪૦ કરોડ નજીક નફો મેળવ્યો છે. ચાલુ વર્ષના છ મહિનામાં આવક ૫૦૩ કરોડ જેવી તથા નફો ૨૪૪૧ લાખ થયો છે. દેવું ૮૬ કરોડ નજીક છે અને ઇશ્યુમાંથી ૯૮ કરોડ દેવાની પરત ચુકવણીમાં વાપરવાની વાત કંપની કરે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
દરમ્યાન પુણેની સેડમેક મેસ્ટ્રોનિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૫૨ રૂપિયાના ભાવનો ૧૦૮૭ કરોડનો પ્યોર OFS ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૨૧ ટકા સહિત કુલ ૨.૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. HNI પોર્શન ૭૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૩૦થી શરૂ થયા પછી ઘણી મોટી ચડઊતરમાં રેટ ૧૭ રૂપિયા ડિસ્કાઉન્ટમાં ગયા પછી ફરી પાછું પંચાવનનું પ્રીમિયમ બોલાયું હતું અને વળતા દિવસે પાંચના ડિસ્કાઉન્ટ બાદ હાલ ૧૮નું ડિસ્કાઉન્ટ ચાલે છે. રાજસ્થાનના ભીલવાડા ખાતેની એલ્ફીન ઍગ્રો ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૪૭ના ભાવનો ૨૫૦૩ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ એક ગણો ભરાયો છે. પ્રીમિયમ ઝીરો છે. ઓડિશાની શ્રી નિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૨૦ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧૫ ટકા સહિત કુલ ૧૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. મુંબઈના ઘાટકોપર-વેસ્ટની સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ ૧૦ દીઠ ૭૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમની સામે ગઈ કાલે NSEમાં ૭૦ ખૂલી ઉપરમાં ૭૦ અને નીચામાં ૬૬.૫૦ થઈ ૬૬.૫૦ બંધ રહેતાં ૭.૬ ટકા લિસ્ટિંગ લૉસ એમાં મળી છે.
આગલા દિવસે સવાત્રણ ટકાની તેજીમાં ૧૩૯૦ નજીક બંધ આપી બજારને સર્વાધિક ૨૫૩ પૉઇન્ટ લાભદાયી નીવડેલી રિલાયન્સ ગઈ કાલે પણ ઉપરમાં ૧૪૨૪ થઈ ૧.૧ ટકા વધી ૧૪૦૫ બંધ થતાં સેન્સેક્સને ૮૮ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનેન્સ દોઢ ટકા નરમ હતી. ONGC એકાદ ટકો તથા ઑઇલ ઇન્ડિયા સવા ટકો વધી છે. NTPC વધુ ૦.૬ ટકા સુધરી ૩૮૦ થઈ છે. હિન્દાલ્કો ૦.૯ ટકા વધીને ૯૬૩ હતી. સનફાર્મા ૦.૭ ટકા ૧૭૯૫ હતી. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરની નબળાઈમાં ૨.૨ ટકા કે ૧૨૭૩ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની નરમાઈમાં બે ટકા ડાઉન હતો. HDFC બૅન્ક ૨.૪ ટકા બગડી ૮૫૭ બંધમાં બજારને ૨૭૦ પૉઇન્ટ તો ICICI બૅન્ક ૩.૪ ટકા ખરડાઈ ૧૩૧૩ બંધમાં ૨૭૯ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક સતત ચોથા દિવસની ખરાબીમાં નીચામાં ૧૧૪૦ થઈ ૨.૪ ટકા ઘટીને ૧૧૪૩ રહી છે. ઍક્સિસ બૅન્ક અઢી ટકા તથા કોટક બૅન્ક દોઢ ટકો માઇનસ થઈ છે. પાંચેક બૅન્કોએ કુલ મળીને બજારને ૭૭૦ પૉઇન્ટનો માર માર્યો છે.
સેન્સેક્સ નિફ્ટી ખાતે નોંધપાત્ર ઘટેલા અન્ય શૅરમાં એટર્નલ ૩.૪ ટકા, બજાજ ફિનસર્વ ૨.૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ અઢી ટકા, ઇન્ડિગો બે ટકા, હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો, HDFC લાઇફ સવાબે ટકા, મેક્સ હેલ્થકૅર દોઢ ટકા, આઇશર મોટર્સ ૧.૭ ટકા, કોલ ઇન્ડિયા બે ટકા, અદાણી એન્ટર ૨.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૩ ટકા, મારુતિ ૧.૯ ટકા ખરડાઈ હતી.
IT ઇન્ડેક્સ ૭૭માંથી ૪૯ શૅરની નરમાઈ વચ્ચે ૨૬ પૉઇન્ટ ઘટ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૦.૩ ટકા સુધરી ૧૩૦૮, TCS એક ટકો ઘટી ૨૫૫૮, HCL ટેક્નો સામાન્ય સુધારે ૧૩૫૭, વિપ્રો નહીંવત્ ઘટી ૧૯૫, ટેક મહિન્દ્ર નજીવો ઘટીને ૧૩૩૧ બંધ થઈ છે. માસ્ટેક ૩.૮ ટકા તથા નાઇન્ટેક સિસ્ટમ્સ ૬.૪ ટકા બગડી હતી. ઝગલ ૩.૮ ટકા, સિલ્વર ટચ પાંચ ટકા, એક્સેલ્યા પોણાપાંચ ટકા વધી છે.
વૉરના પગલે હાલ તો ડિફેન્સ જોરમાં છે. ડિફેન્સ ઇન્ડેક્સ ગઈ કાલે પણ ૨.૮ ટકા વધ્યો છે. એના ૧૮માંથી ૧૭ શૅર મજબૂત હતા. BSE ખાતે ડિફેન્સ ઍરોસ્પેસ ઉદ્યોગની પચીસમાંથી ૨૪ જાતો પ્લસ હતી. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનો બાવન કરોડ જેવો ઑર્ડર મળતાં ડીસીએક્સ સિસ્ટમ્સ ૩૯ ગણા કામકાજે ઉપરમાં ૨૦૯ નજીક જઈ ૭.૪ ટકાની તેજીમાં ૧૯૧ બંધ હતો. એમટાર ટેક્નૉલૉજીઝ ૫.૮ ટકા કે ૨૦૬ રૂપિયા ઊછળી ૩૭૮૫ થયો છે. ડેટા પૅટર્ન્સ ૩૬૧૦નું નવું શિખર દેખાડી ૧૩૦ રૂપિયા કે ૩.૯ ટકા ઊંચકાઈ ૩૪૯૦ હતો. તનેજા ઍરોસ્પેસ ૫.૨ ટકા સિકા ઇન્ટરપ્લાન્ટ ૩.૨ ટકા મજબૂત બની છે. મઝગાંવ ડોક આગલા દિવસની તેજી આગળ ધપાવતાં ૬ ગણા વૉલ્યુમે ઉપર ૨૫૫૯ બતાવી પાંચ ટકા કે ૧૧૮ રૂપિયા વધીને ૨૪૭૦ થઈ છે. ગાર્ડન રીચ ૨૫૭૮ વટાવી ૧૨૨ રૂપિયા કે પાંચ ટકા વધી ૨૫૩૦ તથા કોચિન શિપયાર્ડ ૩ ટકા વધી ૧૪૯૦ હતી. મિશ્રધાતુ નિગમ, અપોલો માઇક્રોવેવ, અવાન્ટેલ, રસેલ ટૅક્સિસ, આઇડિયા ફોર્જ, CFF ફ્લુઇડ કન્ટ્રોલ, સોલર ઇન્ડસ્ટ્રીઝ, યુનિમેક બેથી પોણા પાંચ ટકા વધીને બંધ થયા છે. ભારત ઇલેક્ટ્રૉનિકસ ૪૭૩ની નવી ટૉપ બનાવી ૧.૮ ટકા વધીને ૪૬૮ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળકી છે.
ડિફેન્સ શૅરની સાથે થર્મેક્સ, સિમેન્સ, એબીબી, સીજી પાવર, કિર્લોસ્કર ઑઇલ એન્જિન, જ્યોતિ સીએનસી, ભેલ જેવી જાતો દોઢથી સાડાત્રણ ટકા વધતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પણ આગલા દિવસની ૧૫૦૦ પૉઇન્ટ પ્લસની તેજી જાળવી રાખતાં ૯૦૯ પૉઇન્ટ કે ૧.૩ ટકા વધ્યો છે. એના ૩૪માંથી પચીસ શૅર પ્લસ હતા. લાર્સન આગલા દિવસના બાઉન્સ બૅક બાદ નીચામાં ૩૯૪૧ થઈ ૨.૧ ટકા ઘટીને ૩૯૪૯ બંધ રહી છે. એના કારણે બજારને ૮૩ પૉઇન્ટની હાનિ થઈ હતી.
અંધેરી વેસ્ટની યાપ ડિજિટલ ૮ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૩૩ બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકા વધી ૧૪૦ રહી છે. સાડાનવ ટકા જેવી લિસ્ટિંગ લૉસમાં ૨૦૫ બંધ થયેલી રાજકોટની ઓમ્નિટેક એન્જિનિયરિંગ ગઈ કાલે ૭.૨ ટકા ગગડી ૧૯૦ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી અન્ય જાતોમાં પુણેની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરી ગઈ કાલે ૫.૯ ટકા વધીને ૩૯૨ હતી. શ્રીરામ ટ્વિસ્ટેક્સ ૬૩ના તળિયે જઈને પાંચ ટકા તૂટી ૬૩ ગૌડિયમ IVF પાંચ ટકા તૂટી ૭૬ નીચે, એકૉર્ડ ટ્રાન્સફૉર્મર ૪.૭ ટકા ગગડી ૪૯, કિયાસા રીટેલ પાંચ ટકા ગગડી ૧૦૦, મોબિલાઇસ ઍપ લૅબ પાંચ ટકા બગડી ૫૮, યશતેજ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકા તૂટી ૬૧, મણિલમ ઇન્ડસ્ટ્રીઝ ૨.૭ ટકા ઘટી બાવન બંધ થઈ છે. મુંબઇના ગોરેગામની ફ્રૅક્ટલ ઍનૅલિટિક્સે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૧ ટકા વધારામાં ૮૫૪ કરોડની આવક ઉપર સાડાદસ ટકાના વધારામાં ૧૦૨ કરોડથી વધુનો નેટ નફો કર્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૮૨૬ થઈ સવાપાંચ ટકા વધીને ૭૯૮ બંધ હતો. કંપની તાજેતરમાં એકના શૅરદીઠ ૯૦૦ના ભાવથી ૨૮૩૪ કરોડનો ઇશ્યુ લાવી હતી.
અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ બોનસ તથા એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપર ૧૪૧ વટાવી પાંચ ટકા વધીને ત્યાં જ રહી છે. એલકેપી ફાઇનૅન્સ એક શૅરદીઠ ૪ બોનસમાં બોનસ બાદ થતાં ઉપર ૨૦૧ બતાવી ૩.૨ ટકા વધીને ૧૯૯ હતી. મુંબઈના અંધેરી-વેસ્ટની અગાઉ ઈ-કોમ ઇન્ફોટેક તરીકે ઓળખાતી એક્સેડેરે લિમિટેડ ૧૦ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં પાંચ ટકા વધીને ૫૫.૬૩ બંધ હતી. કૅપ્સ્ટોન સર્વિસિસ બે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં પાંચ ટકા વધીને ૨૭૮ રહી છે.