દીવીઝ લૅબોરેટરીઝ લિમિટેડમાં મધ્યમગાળાનું રોકાણ કરી શકાય

22 December, 2011 09:08 AM IST  | 

દીવીઝ લૅબોરેટરીઝ લિમિટેડમાં મધ્યમગાળાનું રોકાણ કરી શકાય

 

કંપનીના મુખ્ય ઉત્પાદન અને સંશોધન કેન્દ્ર હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં આવેલાં છે. આ બન્ને કેન્દ્રનું અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે પરીક્ષણ થતું રહે છે.

નાણાકીય વર્ષ ૨૦૧૧-’૧૨ના બીજા ક્વૉર્ટરમાં કંપનીની આવક ૨૬૨.૮૧ કરોડ રૂપિયાથી વધીને ૩૭૬.૮૨ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે નેટ પ્રૉફિટ ૭૨.૯૬ કરોડ રૂપિયાથી વધીને ૧૦૬.૦૫ કરોડ રૂપિયાનો થયો છે. જિનેરિક એપીઆઇના ઉત્પાદન માટેનું કંપનીનું વિશાખાપટ્ટનમમાંનો નવો ડીએસએન સેઝ યુનિટ ૧ જૂન ૨૦૧૧થી વેપારી ધોરણે કાર્યરત થયો હતો. કંપની પોતાની પ્રોડક્ટોની ભવિષ્યની ડિમાન્ડને પહોંચી વળવા માટે વર્તમાન નાણાકીય વર્ષમાં વધુ ૧૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરીને એના યુનિટનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. કંપની સંખ્યાબંધ નવા જિનેરિક પ્રોડક્ટોનો ઉમેરો કરી રહી છે. પરિણામે આવકમાં વધારો જોવા મળે એવી શક્યતા છે. દીવીઝ લૅબોરેટરીઝે કૉન્ટ્રૅક્ટ રિસર્ચ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ સર્વિસિસ (સીઆરએએમએસ) સેગમેન્ટમાં પોતાના હરીફો કરતાં મજબૂત કામગીરી જાળવી રાખી છે. કંપની ગ્લોબલ ડિમાન્ડમાં વધારો થવાને કારણે આગામી પરિણામોમાં પણ સતત આવક તથા નફામાં વધારાની ધારણા રાખે છે. અમેરિકાની ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનની નવી ગાઇડલાઇન કારણે કંપનીના બાયોસિમિલર સેગમેન્ટને ફાયદો થશે.

કંપનીના મૅનેજમેન્ટની ધારણા અનુસાર વર્તમાન નાણાકીય વર્ષની આવકમાં ૨૫ ટકાનો વધારો થશે. ભારતમાંથી વધી રહેલી ફાર્માસ્યુટિકલ્સની નિકાસની પૉઝિટિવ ઇફેક્ટ કંપનીની નાણાકીય કામગીરી પર જોવા મળશે અને ડૉલરની સામે રૂપિયો નબળો પડવાને કારણે કંપનીના માર્જિનમાં વધારો નોંધાશે. મધ્યમગાળા માટે ૭૮૫ રૂપિયાના ટાર્ગેટથી રોકાણ કરી શકાય.