વીમાકંપનીઓને સોનામાં રોકાણ કરવાની છૂટને પગલે સંખ્યાબંધ ગોલ્ડ સ્કીમ બજારમાં આવશે

28 December, 2011 05:40 AM IST  | 

વીમાકંપનીઓને સોનામાં રોકાણ કરવાની છૂટને પગલે સંખ્યાબંધ ગોલ્ડ સ્કીમ બજારમાં આવશે




જયેશ ચિતલિયા

મુંબઈ, તા. ૨૮

વીમાકંપનીઓ ફિઝિકલ સોનાની ખરીદી કરવાને બદલે મ્યુચ્યુઅલ ફન્ડની ગોલ્ડ ફન્ડ અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ વધુ પસંદ કરે એમ જણાય છે. જોકે એ તો ઇન્શ્યૉરન્સ કંપનીઓના કામકાજને નિયંત્રિત કરતી સરકારી સંસ્થા ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (ઇરડા)ની ભાવિ માર્ગરેખા નક્કી કરશે, પરંતુ ઇન્શ્યૉરન્સ કંપનીઓનાં સાધનો કહે છે કે આ છૂટ આવવાથી વીમાકંપનીઓને રોકાણ માટે વધુ એક વિકલ્પ મળશે એટલે આ પગલું ખરા અર્થમાં ઉપયોગી સાબિત થશે.

તાજેતરમાં ઇરડાની બેઠકમાં આ વિશે ચર્ચા-વિચારણા થયા બાદ મ્યુચ્યુઅલ ફન્ડની વર્તમાન ગોલ્ડ સ્કીમ તેમ જ સૂચિત ગોલ્ડ સ્કીમને નવો કરન્ટ મળવાની આશા વધી હોવાનું જણાવતાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગનાં વિશ્વસનીય સાધનોએ કહ્યું હતું કે ‘અત્યારે પાંચેક ગોલ્ડ સ્કીમ ઑલરેડી પાઇપલાઇનમાં છે. આમ પણ છેલ્લા એકાદ વરસમાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ વધી ગયું છે, જે ખાસ કરીને વ્યક્તિગત તેમ જ કૉર્પોરેટ્સ તરફથી છે; પણ હવે પછી વીમાકંપનીઓનું રોકાણ ભરપૂર માત્રામાં આવી શકે છે. વીમાકંપનીઓ પાસે નોંધપાત્ર રોકાણપાત્ર ભંડોળ રહેતું હોય છે અને એ સામાન્ય

રીતે ઇક્વિટી તેમ જ ડેટ ફન્ડોમાં જતું હોય છે. હવે જો સોનામાં પણ એને રોકાણ કરવા દેવાય તો વીમાકંપનીઓનું આપોઆપ હેજિંગ મારફત રિસ્ક મૅનેજમેન્ટ થઈ જશે.’

આ ઇન્વેસ્ટમેન્ટ પેપરગોલ્ડ તરફ વધુ હશે એમ જણાવતાં સાધનોએ ઉમેર્યું હતું કે ‘ઇન્શ્યૉરન્સ સાથે ઇક્વિટી પણ ઑફર કરતા ઇન્શ્યૉરન્સ પ્લાનમાં હવે પછી ગોલ્ડનું કૉમ્બિનેશન દાખલ કરતાં એમાં રોકાણ કરનારાનું રિસ્ક પણ સોનામાં વહેંચાઈ જશે. અત્યારે અનેક મ્યુચ્યુઅલ ફન્ડ ઇક્વિટી ગોલ્ડ સ્કીમ ઑફર કરતાં હોય છે. એમના માટે પણ હવે પછી આવી સ્કીમ વેચવાનો સ્કોપ વધશે.’

જોકે સોનામાં રોકાણ કરવામાં પણ જોખમ તો હોય જ છે એટલે ઇરડા આ મંજૂરી આપશે તો પણ ચોક્કસ મર્યાદા સાથે આપશે. અત્યારે ઇન્શ્યૉરન્સ કંપનીઓએ એમનું મહત્તમ ફન્ડ સરકારી સિક્યૉરિટીઝમાં કરવાનું રહે છે. ત્યાર બાદ એએએ રેટેડ સાધનોમાં રોકાણ કરવાનું રહે છે. એ પછી ઇક્વિટીમાં કરવાનું હોય છે. આમ વીમાકંપનીઓનું રિસ્ક ન વધે એની કાળજી પણ લેવાની હોવાથી ઇરડા સોનામાં રોકાણને શરતી અને મર્યાદા સાથેની મંજૂરી આપશે. જોકે હવેના સંજોગોમાં સોનામાં રોકાણ કરવાની જરૂરિયાત વધતી રહી છે અને ઇક્વિટી સામે સોનું રિસ્ક-મૅનેજ કરતું સાધન પણ સાબિત થયું છે.

બજેટમાં કે એ પહેલાં નિર્ણયની શક્યતા

ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ એના વૅલ્યુએશનનો સવાલ ઊભો થાય છે, જેના જવાબમાં સાધનો કહે છે કે આ રોકાણ ગોલ્ડ ફન્ડ કે ગોલ્ડ ઈટીએફ (ઇક્વિટી ટ્રેડેડ ફન્ડ)માં થાય ત્યારે એની નેટ ઍસેટ વૅલ્યુ માર્કેટમાંથી મળી જતી હોય છે. પરિણામે આ રોકાણ પેપર ગોલ્ડમાં વધુ પ્રિફરેબલ રહેશે. વીમાકંપનીઓને સોનામાં રોકાણ કરવાની છૂટ અપાય એ માટે લાંબા સમયથી પ્રયાસો થઈ રહ્યા હતા, કારણ કે સોનાનું રોકાણ અન્ય સાધનો કરતાં સલામત અને ખાસ કરીને ઇક્વિટી સામે હેજિંગ સાધન તરીકે વધુ પાત્ર ગણાયું છે. ૨૦૧૧માં તો ઇક્વિટીના રોકાણ કરતાં સોનાનું રોકાણ બહુ જ બહેતર અને ફળદાયી સાબિત થયું છે, જ્યારે ઇક્વિટીમાં તો નેગેટિવ વળતર જોવા મળ્યું છે.

આમ હવે વીમાકંપનીઓને સોનામાં રોકાણની છૂટનો પ્રેશ્ન એકદમ પાકી ગયો હોવાનું કહેવાય છે. પરિણામે આ બજેટમાં કે એ પહેલાં આ રોકાણ-છૂટ આવવાની આશા છે.