ઇન્ફ્રા, ઑટો અને PSU સ્ટૉક્સ સારા ચાલવાની ધારણા

01 December, 2014 05:00 AM IST  | 

ઇન્ફ્રા, ઑટો અને PSU સ્ટૉક્સ સારા ચાલવાની ધારણા



બ્રોકર-કૉર્નર-દેવેન ચોકસી

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો થવાને પગલે શુક્રવારે ભારતીય મૂડીબજારના બૅરોમીટર ઇન્ડેક્સ S&p BSE સેન્સેક્સમાં જોરદાર વૃદ્ધિ થઈ અને આંક નવી સપાટીએ પહોંચ્યો. સાથે CNX નિફ્ટી પણ નવા સ્તરે પહોંચ્યો. ટ્રેડિંગ બંધ થતાં પૂર્વે બન્ને ઇન્ડેક્સ થોડા ઘટયા, છતાં અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી યથાવત્ રહી. એ જ દિવસે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો આંક વટાવીને થોડું ઘટયુ હતું. વધેલા શૅરોમાં બૅન્કિંગ સ્ટૉક્સ અગ્રેસર હતા. ક્રૂડના ભાવ ઘટી રહ્યા હોવાથી ફુગાવો નિયંત્રણમાં આવશે અને એને પગલે રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજદર ઘટાડશે એવી ધારણાએ આ વૃદ્ધિ આવી હતી. ખાનગી બૅન્કો કરતાં સરકારી બૅન્કોના સ્ટૉક્સ સારાએવા વધ્યા હતા. એમાં અઢી ટકાથી લઈને આઠ ટકા સુધીનો વધારો થયો હતો. દરમ્યાન, નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જયંત સિંહાએ સંસદમાં લેખિત ઉત્તર દ્વારા જણાવ્યું હતું કે સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કોમાં પોતાનો હિસ્સો ઘટાડીને બાવન ટકા કરવા માગે છે. એથી તેણે જાહેર જનતાને ૮૯,૧૨૦ કરોડ રૂપિયાના શૅર આપવાના રહેશે. આ રીતે મળનારાં નાણાંનો ઉપયોગ બૅન્કોને કરાનારી આર્થિક સહાય માટે કરવામાં આવશે.

વિદેશી હૂંડિયામણ બજારમાં ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય ઘટીને ૬૨ સુધી પહોંચી ગયું છે. શુક્રવારે યુરોપિયન સ્ટૉકમાં પણ ઘટાડાનું વલણ હતું. ઑઇલના ભાવ ઘટવાને લીધે ઑઇલ સંબંધિત શૅરોના ભાવ ઘટયા હતા. ફ્રાન્સ, જર્મની અને શ્ધ્માં મુખ્ય ઇન્ડેક્સ ઘટયા હતા, જ્યારે જપાન અને ચીનમાં સુધારો જણાયો હતો.


આકર્ષક મૂલ્ય : UPL લિમિટેડ કંપની

UPL લિમિટેડ કંપની મને પહેલેથી ગમતી આવી છે. આ કંપનીમાં નવા મૉલેક્યુલ શોધાવાથી તથા નવી પ્રોડક્ટ લૉન્ચ થવાથી એમાં સારી વૃદ્ધિ થવાનો અંદાજ છે. કંપનીએ પોતાની ક્ષમતા વિકસાવી છે તથા પોતાનું અલગ બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે. UPL સારો દેખાવ કરશે, પરંતુ એ માટે ત્રણ વર્ષ કે એનાથી વધારે સમયનું લક્ષ્ય રાખવું જરૂરી છે. બજારમાં ઘટાડો થાય ત્યારે એની ખરીદી કરવાની ભલામણ છે.

ભાવિ દિશા

વર્તમાન નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં અર્થતંત્રમાં સુધારો આગળ વધવાની ધારણાના આધારે કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો અમલમાં મુકાશે અને એને કારણે કમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં માનસ સુધરશે. મને અશોક લેલૅન્ડ અને તાતા મોટર્સમાં તેજીની સંભાવના દેખાય છે. એકંદરે ઑટો સેક્ટરમાં વૃદ્ધિ થશે. ઘણા મિડકૅપ સ્ટૉક પણ સારી કામગીરી કરી રહ્યા છે. ઍડ્વાન્ટા સીડ્સનાં આર્થિક પરિણામ સારાં આવ્યાં હોવાથી મને એને માટે આશા છે. આ કંપની ૬ ખંડમાં હાજરી ધરાવે છે.

હું રોકાણકારોને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને પંજાબ નૅશનલ બૅન્ક જેવી મોટી સરકારી બૅન્કોમાં રોકાણ કરવાની સલાહ આપું છું. ધિરાણનું વાતાવરણ સુધરતાં તેમને ઘણો લાભ થઈ શકે એમ છે. વળી સ્ટેટ બૅન્કનો ફ્ભ્ખ્નો પ્રશ્ન પણ ધીમે-ધીમે હલ થઈ રહ્યો છે.

ફાર્મા સેક્ટરમાં મોટા ભાગની કંપનીઓ પોતાના વાજબી સ્તરે આવી ગઈ છે. ગ્લેનમાર્ક સ્ટૉક પણ છેલ્લા થોડા દિવસોમાં સારો આગળ વધ્યો છે. આવામાં ફાર્મા સ્ટૉક ફક્ત કરેક્શન વખતે ખરીદવાની સલાહ છે. અત્યારે તો એ સિવાયનાં ક્ષેત્રોમાં સારી તક દેખાય છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)