ઇન્ફોસિસ ઇફેક્ટ: 355 કરોડનો ડખો ને 53451 કરોડનું ધોવાણ

23 October, 2019 08:55 AM IST  |  મુંબઈ

ઇન્ફોસિસ ઇફેક્ટ: 355 કરોડનો ડખો ને 53451 કરોડનું ધોવાણ

ઇન્ફોસિસ

ઇન્ફોસિસમાં ગેરરીતિ ચાલી રહી છે અને નફો ઊંચો દર્શાવવા માટે પાંચ કરોડ ડૉલરનો ખર્ચ નહીં ઉધારવા માટે દબાણ છે એવું એક પત્રમાં બોર્ડને જણાવાયું છે. આ પાંચ કરોડ ડૉલર નહીં ઉધારી કંપનીનો નફો ઊંચો દર્શાવ્યો છે જેથી શૅરના ભાવ પણ ઊંચા રહે એવો આક્ષેપ છે. લગભગ ૩૫૫ કરોડ રૂપિયાના આ ખર્ચની શંકામાં કંપનીના રોકાણકારોએ આકરી કિંમત ચૂકવવી પડી છે.

આ દરમ્યાન આ સમાચારના કારણે અમેરિકામાં ઇન્ફોસિસના અમેરિકન ડિપોઝિટરી રીસિટ (એડીઆર)ના ભાવ સોમવારે ૧૨.૨૪ ટકા ઘટ્યા હતા. મંગળવારે ભારતીય બજારમાં કંપનીના શૅર ૧૬.૨૧ ટકા ઘટી ૬૪૩.૩૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. આ એક જ દિવસમાં કંપનીના શૅરના ભાવમાં પડેલો છ વર્ષનો સૌથી મોટો કડાકો છે. શૅરહોલ્ડરની સંપત્તિમાં ૫૩,૪૫૧ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. મંગળવારે પણ કંપનીના એડીઆર પ્રી-માર્કેટમાં ૨.૯૧ ટકા ઘટેલા છે. દેશમાં ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ક્ષેત્રની અગ્રણી, નિકાસ અને આવકમાં દેશની બીજા ક્રમની આ કંપની ઉપર ફરી મુશ્કેલીનાં વાદળ ઘેરાયાં છે. ગત મુશ્કેલીમાં કંપનીના સ્થાપકો અને બોર્ડ વચ્ચે ખુલ્લેઆમ પત્રયુદ્ધ ચાલ્યું હતું. આ વખતે સહસ્થાપક અને વર્તમાન ચૅરમૅન નંદન નિલેકાનીએ હમણાં કોઈ જાહેર ચર્ચા નહીં થાય, તપાસ પૂર્ણ કર્યા પછી જ નિવેદન આપવામાં આવશે એવું નિવેદન આપ્યું છે.

ઇન્ફોસિસ સામે શું આક્ષેપો થયા

વ્હીસલબ્લોઅર કોણ છે તે અંગે હજી કોઈ ચોક્કસ જાણકારી નથી મળી, પણ તેમણે કંપનીના વર્તમાન ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર (સીઈઓ) સલીલ પારેખ અને ચીફ ફાઇનેન્શિયલ ઑફિસર (સીએફઓ) નિલાંજન રોય સામે ગંભીર આક્ષેપ મૂક્યા છે. કંપનીના બોર્ડ અને અમેરિકામાં કરવામાં આવેલી આ ફરિયાદ અનુસાર કંપનીના સીઇઓ નજીવા પ્રોફિટ માર્જિન સાથે નવા સોદા (કે કોન્ટ્રાકટ) મેળવી રહ્યા છે. કંપનીનો નફો ઊંચો જાહેર કરવા માટે ટૂંકા ગાળાના કરાર પાછળ વિઝા ખર્ચ જેવા જે ખર્ચ છે તે પૂરેપૂરા દર્શાવતા નથી.

કંપનીના બોર્ડ અને ઑડિટ વિભાગને કરારની વિગતો અંગે પૂરતી માહિતી આપવામાં આવતી નથી. ફરિયાદી અનુસાર સીઇઓ અને સીએફઓ એવું માને છે કે બોર્ડના સભ્યોને શૅરનો ભાવ ઊંચો રહે એનાથી જ મતલબ છે એટલે તેમને બધી માહિતી આપવી જરૂરી નથી. એવો પણ આક્ષેપ છે કે કંપની માર્કેટ રેગ્યુલેટરની અપૂરતી માહિતી આપી હકીકત છુપાવી રહી છે અને માત્ર શૅરહોલ્ડરને પસંદ આવે એટલી જ વિગતો જાહેર કરવામાં આવે છે. કંપનીના ખર્ચે સીઇઓ વ્યક્તિગત પ્રવાસ કરે છે કે વેકેશન માણે છે એવી પણ ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદીઓ પોતાની વાત પુરવાર કરવા માટે અમેરિકાના વ્હીસલબ્લોઅર પ્રોટેક્શન પ્રોગ્રામમાં પુરાવા તરીકે સીઇઓ અને સીએફઓની માહિતી છુપાવવાનો આદેશ કે નિર્દેશ આપતા ઓડિયો રેકર્ડ, ઈ-મેઇલ પણ આપ્યાં છે.

અમેરિકામાં ફરિયાદ થઈ છે એટલે વધારે ચિંતાજનક છે. અહીં કોઈ પણ રોકાણકાર ફરિયાદમાં તથ્ય જણાય તો કંપની સામે કેસ કરી શકે છે અને તેની પતાવટમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

ભૂતકાળમાં શું થયું હતું

કંપનીના ફાઉન્ડર નારાયણ મૂર્તિ, નંદન નિલેકાની, મોહનદાસ પાઈ એક પછી એક રિટાયર થયા બાદ કંપનીનું સંચાલન કરવાની જવાબદારી પ્રોફેશનલ વ્યક્તિઓ પાસે આવી હતી. વિશાલ સિક્કા ઉપર સૌથી મોટી જવાબદારી હતી કે કંપનીને નવી ટેકનૉલૉજી, ડિઝિટાઇઝેશન, ઑન શોર સર્વિસમાંથી કલાઉડ ઉપર સેવાઓ અને ઑટોમેશનના નવા યુગમાં વધારે વિકસાવે. તેમણે એવો લક્ષ્યાંક રાખ્યો હતો કે વર્ષ ૨૦૨૦માં કંપનીની કુલ આવક ૨૦ અબજ ડૉલર પહોંચે. જોકે, સિક્કાની નાલેશીભરી વિદાય પછી કંપની અત્યારે માત્ર ૧૨ અબજ ડૉલર સુધી જ પહોંચી છે.

સિક્કા ઉપર પણ આક્ષેપ થયા હતા કે તેમણે પોતાનો પગાર ઊંચો રાખ્યો છે. અમેરિકાની પનાયાની ૨૦ કરોડ ડૉલરની કિંમત વાસ્તવિકતા કરતાં વધારે ચૂકવવામાં આવી છે અને એ સમયના સીએફઓ રાજીવ બંસલ નિવૃત્ત થયા તો તેમને ૧૭.૪ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જે દેશના નિયમો અને કંપનીની પૉલિસી કરતાં વધારે હતું. આ ચુકવણી અંગે ખુદ નારાયણ મૂર્તિએ સવાલ ઊભા કર્યા હતા.

આ પછી કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિ અને કંપનીના બોર્ડ વચ્ચે લાંબુ યુદ્ધ ચાલ્યું હતું. સિક્કાની કાર્યશૈલી, તેમણે ઇન્ફોસિસ માટે ખરીદેલી એક કંપનીના મૂલ્ય અંગે સવાલ ઊભા થયા હતા. છેલ્લે સિક્કાએ રાજીનામું આપી દેવું પડ્યું હતું. એ સમયમાં પણ કંપનીના શૅરના ભાવ સતત ઘટેલા રહ્યા હતા.

સિક્કાના આગમન પહેલાં કંપની ઉપર વધુ વિકાસનાં વાદળો મંડરાયેલાં હતાં. ડિઝિટલ ટેકનૉલૉજી, ઑટોમેશન સામે કંપની ટકી નહીં શકે એવા પ્રશ્નો ઊભા થયા હતા અને કંપનીની આવક અને નફો બન્ને ધીમા પડી ગયા હતા. આજે વ્હીસલબ્લોવરની ફરિયાદથી ફરી એક વાર કંપની ઉપર શંકાનાં વાદળ ઘેરાયાં છે.

સીઇઓ અને સીએફઓ સામેની ફરિયાદ અંગે કંપનીની આંતરિક સમિતિ તપાસ શરૂ કરશે. બન્નેને આ સમિતિથી બહાર રાખવામાં આવ્યા છે. આ ફરિયાદ અંગે જેટલી તપાસ કંપની પોતે ચલાવશે એટલી જ ભારત અને અમેરિકામાં રેગ્યુલેટર પણ તપાસ કરશે અને કંપનીએ પુરાવા આપવાના રહેશે. આ તપાસ દરમ્યાન સતત કંપનીની કામગીરી અને નફાશક્તિ અંગે શંકાઓ વ્યક્ત થતી રહેશે અને એટલે જ આવનારો પડકાર ઝીલવા માટે તપાસ જેટલી ઝડપથી પૂર્ણ થાય એટલું જ રોકાણકારો માટે સારું રહેશે.

infosys business news