ઇન્ફોસિસનો નફો ૩૦ ટકા ઘટ્યો, ૮૨૬૦ કરોડના શૅરનું બાયબૅક કરવાની જાહેરાત

12 January, 2019 09:13 AM IST  | 

ઇન્ફોસિસનો નફો ૩૦ ટકા ઘટ્યો, ૮૨૬૦ કરોડના શૅરનું બાયબૅક કરવાની જાહેરાત

ઈન્ફોસિસનો નફો ઘટ્યો

ઇન્ફોસિસ કંપનીએ ૮૨૬૦ કરોડના શૅરનું બાયબૅક કરવામાં આવશે એવી જાહેરાત કરવાની સાથે-સાથે દરેક શૅરદીઠ ચાર રૂપિયાના વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરનાં પરિણામો જાહેર કરવા ઉપરાંત ઉક્ત જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યા મુજબ એના ર્બોડે ૧૦,૩૨,૫૦,૦૦૦ ઇક્વિટી શૅરનું બાયબૅક કરવા મંજૂરી આપી છે. આટલા શૅર એની પેઇડઅપ મૂડીના આશરે ૨.૩૬ ટકા જેટલા થાય છે.

નોંધનીય છે કે કંપનીએ ઓપન માર્કેટ રૂટ દ્વારા અર્થાત્ શૅરબજારો મારફતે બાયબૅક કરવાનું નક્કી કર્યું છે એમાં દરેક શૅરદીઠ ૮૦૦ રૂપિયાનો મહત્તમ ભાવ આપવામાં આવશે. જેઓ અમેરિકન ડિપોઝિટરી શૅર ધરાવે છે તેઓ તેમને ઇક્વિટી શૅરમાં પરિવર્તિત કરીને સ્ટૉક એક્સચેન્જોમાં વેચી શકે છે.

કંપનીએ એનું પ્રથમ બાયબૅક ડિસેમ્બર ૨૦૧૭માં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું કર્યું હતું. એ વખતે દરેક શૅરદીઠ ૧૧૫૦ રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો હતો.આ વખતના બાયબૅક માટેની રેકૉર્ડ ડેટ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯ નક્કી કરવામાં આવી છે. વિશેષ ડિવિડન્ડ ૨૮ જાન્યુઆરીએ ચૂકવવામાં આવશે.

ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૩૦ ટકા ઘટ્યો

કંપનીએ જાહેર કરેલાં નાણાકીય પરિણામો મુજબ ત્રીજા ક્વૉર્ટરનો એનો ચોખ્ખો નફો ૩૬૧૦ કરોડ રૂપિયા થયો છે, જે પાછલા વર્ષે સમાન ગાળાના અંતે રહેલા ૫૧૨૯ કરોડના નફા કરતાં લગભગ ૩૦ ટકા નીચો છે.

આ પણ વાંચોઃ TCSમાં માનસ બગડ્યું, એની પાછળ IT શૅર ને બજાર ઘટ્યાં

બૅન્ગલોરસ્થિત આ સૉફ્ટવેર સર્વિસિસ કંપનીએ જણાવ્યા મુજબ એની આવક ગયા ડિસેમ્બરના અંતે ૨૦.૩ ટકા વધીને ૨૧,૪૦૦ કરોડ રૂપિયા થઈ હતી. પાછલા વર્ષે સમાન ગાળામાં એનું પ્રમાણ ૧૭,૭૯૪ કરોડ રૂપિયા હતું.