ઇન્ફોસિસમાં નારાયણમૂર્તિનો કાળ પૂરો : વિશાલ સિક્કા નવા CEO-MD

13 June, 2014 03:08 AM IST  | 

ઇન્ફોસિસમાં નારાયણમૂર્તિનો કાળ પૂરો : વિશાલ સિક્કા નવા CEO-MD


સિક્કા સૉફ્ટવેર કંપની સેપના ટોચના અધિકારી રહી ચૂક્યા છે. નારાયણમૂર્તિની સાથે-સાથે તેમનો એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ દીકરો રોહન પણ કંપનીમાંથી બહાર નીકળી જવાનો છે.

જર્મન સૉફ્ટવેર કંપની સેપના એક્ઝિક્યુટિવ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય સિક્કા પહેલી ઑગસ્ટથી CEO અને મૅનેજિંગ ડિરેક્ટરનું પદ ગ્રહણ કરશે. હાલમાં જ એસ. ડી. શિબુલાલે આ પદેથી રાજીનામું આપ્યું હતું. શિબુલાલ, નારાયણમૂર્તિ, એસ. ગોપાલક્રિષ્નન તથા અન્ય ચાર વ્યક્તિઓએ ૧૯૮૧માં ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. એક્ઝિક્યુટિવ વાઇસ ચૅરમૅન ગોપાલક્રિષ્નન પણ શનિવારથી હોદ્દો છોડવાના છે.

નારાયણમૂર્તિ કંપનીમાં પાછા જોડાયા બાદ ટોચના અધિકારીઓ કંપની છોડી ગયા હતા. આ ઉપરાંત કંપનીમાં જોડાવા માટેની અરજીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ હતી. કંપનીએ ગુરુવારે સ્ટૉક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે એણે ચૅરમૅનની ઓફિસ બરખાસ્ત કરી છે. રોહન પણ શનિવારથી જ કંપની છોડી દેશે. એ જ દિવસે બૅન્ગલોરમાં કંપનીની વાર્ષિક મીટિંગ બોલાવવામાં આવશે.

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નારાયણમૂર્તિએ કંપની માટે આપેલા યોગદાનને અનુલક્ષીને તેમને ૧૧ ઑક્ટોબરથી ચૅરમૅન એમિરેટ્સનું પદ સોંપવામાં આવશે.

નારાયણમૂર્તિએ જતાં-જતાં શું કહ્યું?


હું શિક્ષકનો દીકરો છું અને અમારા પરિવારમાં વિદ્વાનોને સર્વોચ્ચ માન આપવામાં આવે છે. ફક્ત એક જ આસન હોય અને એના પર બેસવા માટેના ઉમેદવારોમાં એક અબજોપતિ, એક ઘણો મોટો અધિકારી અને એક વિદ્વાન એમ ત્રણ માણસો હોય તો એ આસન વિદ્વાનને આપવામાં આવે એવો અમારો શિરસ્તો છે. આ દ્રષ્ટ્રિએ વિશાલ સિક્કા મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ સ્ટૅનફર્ડની કમ્પ્યુટર સાયન્સની Ph.D. પદવી ધરાવતી વ્યક્તિ છે. આવી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવવી એ બૌદ્ધિક તરીકેનું સર્વોચ્ચ માન છે. આથી વિશાલ ઇન્ફોસિસના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરવા તૈયાર થયા એનાથી મારું પણ માન વધ્યું છે.

સિક્કાનો અર્થ ચલણી નાણું અર્થાત્ પૈસા થાય છે. ઇન્ફોસિસને હવે એની જ જરૂર છે. નાણાંનું પ્રતિનિધિત્વ કરતી હોય અને સાથે-સાથે બૌદ્ધિક સંપદા પણ ધરાવતી હોય એવી વ્યક્તિ આવી રહી છે એ બાબત અસાધારણ કહેવાય.