દેશનો નેગેટિવ GDP ચિંતાનો વિષયઃ રઘુરામ રાજન

07 September, 2020 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશનો નેગેટિવ GDP ચિંતાનો વિષયઃ રઘુરામ રાજન

ફાઈલ તસ્વીર

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં દેશનું ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (GDP) ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનાએ 23.9 ટકા ઘટ્યો છે, એમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO)એ જણાવ્યું હતું. આ ઘટાડો છેલ્લા ચાર દાયકાનો સૌથી અધિક ઘટાડો છે.

કોરોના વાયરસ મહામારીને અંકુશમાં લેવા માટે સતત પાળવામાં આવી રહેલા લૉકડાઉન્સને પગલે નહીંવત આર્થિક કામકાજ થતા આવો તોતિંગ ઘટાડો આવ્યો છે. 1996થી ભારતે GDPના ત્રિમાસિક આંકડા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું એ પછીના સમયમાં પણ નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

આ બાબતે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે, નેગેટિવ GDP એ દરેક માટે ચિંતાનો વિષય છે.

વર્તમાન પરિસ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવતી રાહત કે સપોર્ટના મહત્વને સમજાવતા કહ્યું કે, હાલ સરકાર પુરતી રાહત આપી રહી નથી. લિન્કડીનમાં પબ્લિશ થયેલી તેમની નોટમાં જણાવવામાં આવ્યું છે કે, જો અસંગઠિત ક્ષેત્રમાં થયેલી પ્રતિકૂળ અસરની ગણતરી કરીએ તો GDPનો આંકડો હજી ખરાબ આવશે.

રાજને કહ્યું કે, GDP આંકડા ચિંતાનો વિષય છે કારણ કે,કોરોનાની મહામારીની સૌથી વધુ અસર પડનારા બે વિકસિત દેશ ઈટલી અને અમેરિકાના જીડીપીમાં ઘટાડો અનુક્રમે 12.4 ટકા અને 9.5 ટકા છે, તેથી સરખામણીએ ભારત ગંભીર પરિસ્થિતિમાં છે. જ્યાં સુધી કોરોનાનો કહેર છે ત્યાં સુધી હાઈ-કોન્ટેક્ટ સર્વિસ ક્ષેત્રો જેવા કે રેસ્ટોરન્ટ્સમાં મંદી રહેશે.પરિણામે સરકારે આવા ક્ષેત્રોને રાહત આપવી જોઈએ. સરકાર હાલ જે રાહત આપી રહી છે તે પુરતી નથી.

તેમણે ઉમેર્યું કે, ગરીબ પરિવારોને મફતમાં અનાજ કે SME ક્ષેત્રને લોન માટે બૅન્કોને ક્રેડિટ ગેરેન્ટી આપવાથી પરિસ્થિતિમાં ધાર્યા મુજબની રિકવરી આવશે નહીં.

સરકાર અને સરકાર હસ્તક કંપનીઓએ તેમની ચૂકવણી ત્વરિત પૂરા કરવા જોઈએ જેથી લિક્વિડિટી ફરતી રહે. સરકાર હસ્તક બૅન્કોનું પુનઃમૂડીકરણ કરવા માટે સરકાર અલગથી એક ભંડોળ રાખવું જોઈએ. ખાનગી ક્ષેત્રોની બૅન્કોએ પણ આગળ આવવું જોઈએ. એમેઝોન, રિલાયન્સ અને વોલમાર્ટ જેવા પ્લેટફોર્મ્સ નાના સપ્લાયર્સને ભંડોળ પુરુ પાડીને તેમને ટેકો આપી શકે છે. 

indian economy gdp