31 January, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતીયોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં બાધારૂપ બનનારું એક મોટું પરિબળ એટલે ક્રિપ્ટોના વ્યવહારોમાં થતા કૅપિટલ ગેઇન્સ પરનો ૩૦ ટકાનો કરવેરો. ક્રિપ્ટો રોકાણ માટેના પ્લૅયફૉર્મ મુદ્રેક્સે કરાવેલા સર્વેક્ષણ મુજબ લોકોને ક્રિપ્ટોકરન્સી માટેના કરવેરાના દર ઓછા કરવામાં આવે એવી દેશના બજેટ પાસેથી અપેક્ષા છે. સર્વેક્ષણમાં ભાગ લેનારાઓમાંથી ફક્ત ૭.૧૪ ટકા લોકોને ક્રિપ્ટો વ્યવહાર પરનો ૧ ટકાનો ટીડીએસ વાંધાજનક લાગ્યો હતો, જ્યારે ૬૭.૫ ટકા લોકોએ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ૮૫ ટકા લોકોએ કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાં ઘટાડો થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આશરે ૪૪ ટકા લોકોએ કહ્યું હતું કે ૧૦ ટકા સુધીનો ટૅક્સ વાજબી ગણાય.
દરમ્યાન ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી પાછી ફરી હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન ૪.૩૪ ટકા વધીને ૩.૫૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું, જ્યારે બિટકૉઇન ૩.૭૩ ટકાની વૃદ્ધિ સાથે ૧,૦૬,૨૧૨ ડૉલર થયો હતો. ઇથેરિયમ ૫.૦૫ ટકા વધીને ૩૨૭૨ ડૉલર પર પહોંચ્યો હતો. એક્સઆરપીમાં ૨.૪૩ ટકા, સોલાનામાં ૬.૪૯ ટકા, બીએનબીમાં ૨.૩૬ ટકા, ડોઝકૉઇનમાં ૩.૬૦, કાર્ડાનોમાં ૬.૯૮, ટ્રોનમાં ૫.૧૧, ચેઇનલિન્કમાં ૯.૬૯ ટકા અને અવાલાંશમાં ૬ ટકાનો વધારો થયો હતો.