બજારમાં સુધારાની આગેકૂચ : FMCG મજબૂત, મેટલ અને CGમાં નવી ટૉપ

18 April, 2026 07:53 AM IST  |  Mumbai | Anil Patel

VST ઇન્ડસ્ટ્રીઝ પરિણામ પાછળ વૉલ્યુમ સાથે ૧૨૦ ટકા ઊંચકાઈ, એની હૂંફમાં સિગારેટ શૅર મજબૂત : BSE લિમિટેડમાં ઑલટાઇમ હાઈની ડબલ હૅટ-ટ્રિક, MCX નહીંવત્ નરમ: સરકારે ૧૫ બૅન્કો માટે સોના-ચાંદીની આયાતછૂટની મુદત લંબાવતાં જ્વેલરી શૅર નીચા મથાળેથી વધ્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

યુદ્ધનો અંત નજીકમાં હોવાનો પ્રલાપ જારી રાખતાં ટ્રમ્પે જણાવ્યું છે કે હાલમાં અમારી વચ્ચે ફળદાયી વાટાઘાટ ચાલુ છે. ઈરાન ડીલ માટે તૈયાર છે. હવે એ કેટલાક મુદ્દા ઉપર સહમત, આજથી બે મહિના પહેલાં એ આ માટે તૈયાર નહોતું. અમે બહુ ટૂંકમાં સૌકોઈ માટે સારા સમાચાર જાહેર કરીશું. જોકે બીજી તરફ ઈરાન રાબેતા મુજબ ટ્રમ્પની થેકડી ઉતારવાના મૂડમાં છે. વાટાઘાટો ચાલુ હોવાની વાત સ્વીકારતું નથી. દરમ્યાન બે સપ્તાહનો સીઝફાયર પૂરો થવામાં છે. શાંતિ સમજૂતી કેવળ હવામાં છે. એને સાકાર કરવા યુદ્ધવિરામની મુદત લંબાવવાની જરૂર ઘણાને લાગે છે, પરંતુ ટ્રમ્પ કહે છે, એની કોઈ જરૂર નથી. એક અન્ય ઘટનાક્રમમાં ઇઝરાયલે લેબૅનનના મામલે શુક્રવારથી અમલી બને એ રીતે ૧૦ દિવસનો સીઝફાયર જાહેર કર્યો છે. મતલબ કે ઈરાનની એક વધુ જીત થઈ છે. હવે આ વીક-એન્ડમાં અમેરિકા અને ઈરાન સીધી વાતચીત માટે મળે છે કે કેમ એ જોવું રહ્યું. બ્રેન્ટક્રૂડ ૯૯.૩૯ ડૉલરના આગલા બંધ સામે ૯૮ ડૉલરની અંદર જઈ હાલ એકાદ ટકાના ઘટાડે ૯૮.૪૦ ડૉલર ચાલી રહ્યો છે. હાજર સોનું ૪૭૮૮ ડૉલર, કોમેક્સ ગોલ્ડ ૪૮૦૭ ડૉલર, કોમેક્સ સિલ્વર ૭૯ ડૉલર તથા બિટકૉઇન ૭૫,૦૭૪ ડૉલરે આવી ગયા છે. તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે નરમ હતાં. જપાન એક ટકો, તાઇવાન-થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ પોણા ટકાથી એકાદ ટકો, સાઉથ કોરિયા અડધો ટકો, સિંગાપોર અને ચાઇના નહીંવત માઇનસ હતાં. લંડન ફુત્સી રદિંગમાં નેગેટિવ બાયસમાં ફ્લૅટ તો યુરોપનાં અન્ય બજાર સાધારણથી અડધો ટકો પ્લસ થયાં છે. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૭૩,૪૭૩ બતાવી રનિંગમાં ૩૧૫૮ પૉઇન્ટ વધી ૧,૭૩,૦૭૦ હતું.

સેન્સેક્સ આગલા બંધથી ૧૩ પૉઇન્ટની નજીવી નરમાઈમાં ૭૭,૯૭૬ ખૂલી છેવટે ૫૦૫ પૉઇન્ટ વધી ૭૮,૪૯૩ તો નિફ્ટી ૧૫૭ પૉઇન્ટ વધી ૨૪,૩૫૩ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૭,૭૨૬ અને ઉપરમાં ૭૮,૫૫૩ થયો હતો. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૩૬૪ શૅરની સામે ૮૯૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૮૪ લાખ કરોડ વધી ૪૬૫.૬૪ લાખ કરોડ થયું છે. FMCG બેન્ચમાર્ક ૨.૬ ટકા, એનર્જી ૧.૪ ટકા, યુટિલિટીઝ દોઢ ટકા, ઑઇલ-ગૅસ ૧.૧ ટકા, પાવર બે ટકા, નિફ્ટી મીડિયા ૧.૩ ટકા પ્લસ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ બેન્ચમાર્ક દોઢ ટકા પ્લસ થયો છે. અપોલો માઇક્રો સિસ્ટમ્સ ઉપરમાં ૨૮૭ થઈ ૧૫.૮ ટકાની તેજીમાં ૨૮૩ થઈ છે. એકવીસ લિમિટેડ ૧૭૫ના શિખરે જઈ સાડાછ ટકા વધી ૧૭૦ હતી. યુનિમેક ૫.૨ ટકા, ઍક્સિસ કેડસ પાંચ ટકા, CFF ફ્લુઇડ ૫.૨ ટકા, કોચીન શિપયાર્ડ ૪.૪ ટકા વધી છે. મેટલ ઇન્ડેક્સ ૪૨,૪૮૯ના નવા શિખરે જઈ ૧.૧ ટકા વધી ૪૨,૪૧૬ હતો. વેદાન્ત ૭૯૧ની ટોચે જઈ ૦.૬ ટકા વધી ૭૮૭, નાલ્કો ૪૪૦ના બેસ્ટ લેવલે જઈ ૧.૪ ટકા વધી ૪૩૯, જિંદલ સ્ટીલ ૧૨૮૪ની ટોચ બનાવી ૩.૭ ટકા ઊંચકાઈ ૧૨૬૯ થળ છે. લોઇડ્સ મેટલ્સ ૧૬૩૫ની ઊંચી સપાટી નોંધાવી સવાચાર ટકા વધી ૧૬૨૨ રહી છે. 

એન્જલ વન પરિણામની તેજીમાં સાડાદસ ટકા ઊછળી

HDFC લાઇફ ઇન્સ્યૉરન્સે માર્ચ ક્વૉર્ટરમાં નવ ટકાના વધારા સાથે ૨૫,૯૯૮ કરોડની નેટ પ્રીમિયમ ઇન્કમ ઉપર ૪.૭ ટકા વૃદ્ધિદરથી ૪૯૭ કરોડ નેટ નફો કરી શૅરદીઠ ૨.૧૦ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ વધુમાં HDFC બૅન્કની તરફેણમાં શૅરદીઠ ૬૮૮ના ભાવે ૧૪૫ લાખ શૅર પ્રેફરન્શિયલ ધોરણે ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૦૬ થઈ સવાબે ટકા ઘટી ૬૧૬ બંધ થયો છે. એન્જલ વનની આવક ૩૮ ટકા વધી ૧૪૫૯ કરોડ તથા નફો ૮૩.૫ ટકા વધી ૩૨૦ કરોડ વટાવી જતાં શૅર ઉપરમાં ૩૨૭ થઈ ૧૦.૬ ટકા ઊછળી ૩૨૩ રહ્યો છે. વારિ રિન્યુએબલ ટેક્નૉલૉજીની આવક ૧૩૧ ટકા વધી ૧૧૦૨ કરોડ તથા નેટ નફો ૬૬ ટકા વધી ૧૫૬ કરોડ નજીક જોવાયો છે. શૅર ૨૪ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૨૦૨ બતાવી સાડાપાંચ ટકા ઊછળી ૧૧૧૭ થયો છે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વૉર્ટરમાં ૩૧ ટકા વધારામાં ૪૫૭ કરોડની આવક ઉપર ૧૨૦ ટકાના વૃદ્ધિદરથી ૧૧૭ કરોડ નજીકનો ચોખ્ખો નફો મેળવ્યો છે. ભાવ ૪૨ ગણા કામકાજે ઉપરમાં ૨૮૬ થઈ ૯.૭ ટકાની તેજીમાં ૨૬૫ બંધ હતો. વીએસટી ઇન્ડસ્ટ્રીઝની તેજી પાછળ ગોડફ્રે ફિલિપ્સ ઉપરમાં ૨૨૬૫ થઈ ૩.૮ ટકા વધી ૨૨૦૮, એનટીસી ઇન્ડસ્ટ્રીઝ ૧૭૭ થઈ સાત ટકા ઊચકાઈ ૧૭૧ તથા એલીટકૉમ ઇન્ટરપ્રાઇઝ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૩.૫૨ બતાવી ત્યાં જ બંધ થઈ છે. ITC લિમિટેડ ઉપરમાં ૩૧૦ થઈ એક ટકા વધી ૩૦૭ હતી. રિલાયન્સ જેમાં ૪૦ ટકા હિસ્સા સાથે સહ-પ્રમોટર્સ છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝની આવક ત્રણ ટકા વધી ૯૮૩ કરોડ થઈ છે. સાથે નેટલૉસ ૭૪ કરોડથી વધી ૧૯૨ કરોડ વટાવી ગઈ છે. શૅર નીચામાં ૧૪.૧૫ થઈ એક ટકો ઘટી ૧૪.૩૧ રહ્યો છે.

હિન્દુસ્તાન યુનિલીવર વૉલ્યુમ સાથે સેન્સેક્સ નિફ્ટીમાં ઝળકી

હિન્દુસ્તાન યુનિલીવરનાં પરિણામ ૩૦મીએ છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે પોણાપાંચ ટકા વધી ૨૨૪૧ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૭૭ પૉઇન્ટ ફળી છે. નેસ્લે ૧.૯ ટકા વધી ૧૨૮૨ થઈ છે. FMCG બેન્ચમાર્કના ૯૭માંથી ૮૪ શૅર વધ્યા છે. એમાં એડીએફ ફૂડ્સ ૧૫.૨ ટકાની તેજીમાં ૨૨૬ હતી. બજાજ કન્ઝ્યુમર કૅર ૯.૮ ટકા વધી ૪૭૦, એપેક્સ ક્રોઝન ૪૯૪ના બેસ્ટ લેવલે જઈ ૮.૫ ટકા વધીને ૪૫૬ તથા ક્યુપિડ લિમિટેડ ૭.૫ ટકા વધી ૧૦૩ થઈ છે. રિલાયન્સ ૧.૬ ટકા વધી ૧૩૬૫ બંધમાં ૧૨૪ પૉઇન્ટ સેન્સેક્સને લાભદાયી નીવડી છે. જિયો ફાઇનૅન્શિયલ પરિણામ પૂર્વે ૧.૧ ટકા સુધરી ૨૪૪ હતી.

HDFC બૅન્ક, ICICI બૅન્ક તથા યસ બૅન્કનાં રિઝલ્ટ આજે, શનિવારે છે. HDFC ગઈ કાલે અડધો ટકો વધી ૮૦૦, ICICI બૅન્ક નજીવી સુધરી ૧૩૪૭, યસ બૅન્ક સવા ટકો વધી ૨૦ હતો. સ્ટેટ બૅન્ક સવા ટકો વધી ૧૦૮૦, કોટક બૅન્ક એક ટકો વધી ૩૮૩, ઍક્સિસ બૅન્ક પોણો ટકો વધી ૧૩૫૮ બંધ ગઈ કાલે રહી છે. અદાણી પોર્ટ્સ સવા ટકા વધી ૧૫૭૦ તથા અદાણી એન્ટરપ્રાઇઝ અડધો ટકો વધી ૨૨૧૮ હતી. બૅન્કો તરફથી સોના-ચાંદીની આયાત થંભાવી દેવાયાના અહેવાલમાં ટાઇટન નીચામાં ૪૩૩૦ થયા બાદ બાઉન્સ-બૅકમાં ૪૫૩૩ બતાવી સવા ટકો વધી ૪૫૨૧ થઈ છે. કલ્યાણ જ્વેલર્સ નીચામાં ૪૧૫ થઈ ત્રણ ટકા ઘટી ૪૨૭, થગમિયિલ જ્વેલરી નીચામાં ૪૧૮૫ થઈ ૧.૭ ટકા ઘટી ૪૨૦૭, ટીબીઝેડ સવા ટકો ઘટી ૧૫૦ બંધ હતી. ઑટોમાં મહિન્દ્ર પોણો ટકો નરમ હતી. JSW સ્ટીલ બે ટકા, અપોલો હૉસ્પિટલ બે ટકા, મેક્સ હેલ્થકૅર દોઢ ટકા, કોલ ઇન્ડિયા સવા ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૪ ટકા, તાતા મોટર્સ પેસેન્જર એક ટકા વધી છે. મારુતિ સુઝુકી એક ટકો સુધરી ૧૩,૪૭૦ બંધ આવી છે.

વિપ્રોના રિઝલ્ટ પછી બ્રોકરેજ હાઉસિસના મિશ્ર અભિપ્રાય, શૅર ઘટાડામાં બંધ

વિપ્રો તરફથી ૮ ટકા જેવા વધારામાં ૨૪,૨૩૬ કરોડની આવક ઉપર બે ટકાના ઘટાડામાં ૩૫૦૨ કરોડ નેટ નફો દર્શાવાયો છે. બ્લૂમબર્ગની એકંદર ધારણા ૨૪,૨૫૨ કરોડની આવક તથા ૩૪૨૬ કરોડના નેટ પ્રૉફિટની હતી. એ જોતાં પરિણામ એકંદર ધારણા મુજબનાં કહી શકાય. કંપનીએ શૅરદીઠ ૨૫૦ સુધીના ભાવથી કુલ ૧૫,૦૦૦ કરોડનું બાયબૅક નક્કી કર્યું છે. રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસ તરફથી મિશ્ર અભિપ્રાય જારી થયા છે. નોમુરા તરફથી ૨૫૦થી ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ આવી છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે ૧૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની સલાહ આપી છે. HSBC દ્વારા ૨૧૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે રોકાણ જાળવી રાખવા કહેવાયું છે. રિઝલ્ટ બાદ ન્યુ યૉર્ક ખાતે વિપ્રોનો એડીઆર ૨.૨૭ ડૉલરના આગલા બંધ સામે ૪.૯ ટકા ઘટી ૨.૧૬ ડૉલર બંધ થયો હતો. એ જોતાં શુક્રવારે ઘરઆંગણે ભાવ ઘટાડાતરફી રહેવાની ગણતરી હતી. ગઈ કાલે શૅર અત્રે ૨૦૭ ખૂલી ઉપરમાં ૨૦૭ અને નીચામાં ૨૦૨ થઈ ૨.૮ ટકા ગગડી ૨૦૪ બંધ થયો છે.

HCL ટેક્નૉલૉજીનાં પરિણામ ૨૧મીએ, ટેક મહિન્દ્રનાં ૨૨મીએ તથા ઇન્ફીના ૨૩મીએ છે. ગઈ કાલે HCL ટેક્નૉલૉજી અડધો ટકો ઘટીને ૧૪૪૨, ટેક મહિન્દ્ર દોઢ ટકો વધી ૧૫૧૨ તથા ઇન્ફોસિસ ૧૩૧૮ના લેવલે ફ્લૅટ બંધ હતો. TCS નજીવી ઘટી ૨૫૮૧ રહી છે. આઇટી બેન્ચમાર્ક નહીંવત્ ટકા નરમ હતો. તેના ૮૦માંથી ૫૫ શૅર પ્લસ હતા. માઇન્ડટેક ૧૩ ટકાની તેજીમાં ૨૧૩ થઈ છે. TVS ઇલેક્ટ્રૉનિકસ ૭.૮ ટકા, કે સૉલ્વ્સ ૯.૪ ટકા તથા સેન્સિસ ટેક લિમિટેડ ૭.૭ ટકા મજબૂતી હતી. ઑનવર્ડ ટેક્નૉલૉજી ૨.૪ ટકાની ખરાબીમાં ૨૫૫ તથા ઇનોવાના પોણાસાત ટકા તૂટી ૩૭૯ હતી.

અમદાવાદી ઓમ પાવરમાં ૮.૭ ટકા લિસ્ટિંગ ગેઇન

અમદાવાદી ઓમ પાવર ટ્રાન્સમિશન ૧૦ના શૅરદીઠ ૧૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં છેલ્લે બેના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૮૧ ખૂલી ઉપરમાં ૧૯૦ અને નીચામાં ૧૮૧ બતાવી ૧૯૦ બંધ થતાં ૮.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. રાજકોટની મોબાઇલ વેચવાનો ધંધો કરતી મેહુલ ટેલિકૉમનો BSE SME IPO પ્રથમ દિવસે રિટેલમાં સવાબે ગણા સહિત કુલ ૩.૫ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ સાડાચારથી શરૂ થઈ હાલ સાડાચાર બોલાય છે. સબ્જેક્ટ-ટૂમાં ૪૧૦૦ના રેટ છે.

બુલરન જારી રાખતાં BSE લિમિટેડ સળંગ છઠ્ઠા દિવસે નવી ઑલટાઇમ હાઈ બનાવતાં ઉપરમાં ૩૫૫૦ થઈ અઢી ટકા વધી ૩૫૩૧ રહી છે. MCX નજીવી ઘટીને ૨૮૫૫ હતી. રાજકોટની એનલોન હેલ્થકૅર શૅરદીઠ એક બોનસમાં ૨૪મીએ એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૪૪ થઈ નજીવી વધી ૧૪૧ હતો. મહેસાણાના કડી ખાતેની પશુપતિ કોટસ્પીન ૧૦ શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ૧૧૫ના બેસ્ટ લેવલે જઈ દોઢ ટકા ઘટીને ૯૯ બંધ થઈ છે. સરકારની ૬૫ ટકા માલિકીની ઇરકોન ઇન્ટરપ્રાઇઝ સાત ગણા કામકાજે ઉપરમાં ૧૬૦ નજીક જઈ ૮.૭ ટકા વધી ૧૫૫ નજીક તથા રેલ વિકાસ નિગમ ઉપરમાં ૩૧૨ થઈ ૩.૨ ટકા વધી ૩૦૩ હતી. સરકાર આ બન્ને કંપનીનું મર્જર વિચારી રહી છે. ગુજરાત સરકારની ૩૭.૬ ટકા માલિકીની જીએસપીએલ ૩૧ ગણા વૉલ્યુમે ૨૮૯ વટાવી ૭.૮ ટકાની મજબૂતીમાં ૨૭૨ થઈ છે. આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલી જીએમડીસી ૭૭૧ના શિખરે જઈ ૧.૮ ટકા ઘટી ૭૩૩ રહી છે. આશાપુરા માઇન નજીવી વધી ૬૧૬ તથા ઓરિસા મિનરલ્સ ચારેક ટકા ઘટી ૪૧૮૭ હતી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange indian rupee gold silver price crude oil middle east crisis