અમેરિકાની ચિંતા અને બૉર્ડરના ટેન્શન પર છે ઇન્વેસ્ટર્સનું અટેન્શન

10 May, 2025 06:35 AM IST  |  Mumbai | Jayesh Chitalia

FIIની નેટ ખરીદીના ટ્રેન્ડ વચ્ચે પ્રૉફિટ-બુકિંગમાં શાણપણ

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં હવે રિકવરી સાથે બુલિશ ટ્રેન્ડ જામવા લાગ્યો હોવાનું જણાય છે. કારણો જાહેર છે, પણ સમજવાં જરૂરી છે. FII નેટ બાયર્સ બનતા જાય છે, રૂપિયો ડૉલર સામે સુધરતો જાય છે અને ભારતીય ઇકૉનૉમી પ્રત્યેનો વિશ્વાસ વધી રહ્યો છે. અને હા, અમેરિકા સાથેની વેપાર-વાટાઘાટને ભારત બહેતર રીતે હૅન્ડલ કરીને વહેલી પસંદગી પામવાના માર્ગે આગળ વધી રહ્યું છે. જોકે ઓવરઑલ જિયોપૉલિટિકલ સિચુએશન અને અમેરિકા સહિતના ગ્લોબલ સંજોગોને ધ્યાનમાં રાખતાં ચોક્કસ અંશે અલર્ટ રહેવું જોઈશે

આજે સૌપ્રથમ આપણે એક સારી બાબત એ જોઈ-જાણી લઈએ કે છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતીય સંસ્થાકીય ઇન્વેસ્ટર્સ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) કરતાં ઇક્વિટી હોલ્ડિંગમાં આગળ નીકળી ગયા છે જે તેમનો ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. FIIની વાપસી તેમ જ નેટ બાયર્સ બનવું પણ આ જ બાબત દર્શાવે છે. હાલ તેમને અન્ય ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત વધુ સ્થિર અને આકર્ષક લાગે છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે FII ઘણા સમયથી સતત નેટ સેલર્સ રહ્યા હતા, જ્યારે DII બાયર્સ; પરિણામે DIIનું હોલ્ડિગ વધતું જાય એ સ્વાભાવિક છે.

DIIનું ઇક્વિટી હોલ્ડિંગ માર્ચ ૨૦૨૫ના અંતે FIIના ૧૬.૮૪ ટકા સામે વધીને ૧૬.૯૧ ટકા થયું છે. જ્યારથી FII નેટ સેલર્સ બનતા ગયા ત્યારથી DII નેટ બાયર્સ બનતા રહ્યા હોવાથી આ તાલ જોવામાં આવ્યો છે. આમ DIIની કુલ ઍસેટ્સ અત્યારે ૬૯.૮૦ લાખ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે FIIની કુલ ઍસેટ્સ ૬૯.૫૮ લાખ કરોડ રૂપિયા રહી છે. 

રીટેલનો હિસ્સો

અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે DIIની મજબૂત અને એકધારી ખરીદી સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતથી શરૂ થઈ હતી. આ સમયગાળામાં DIIએ ૩.૯૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જ્યારે FIIએ ૨.૦૬ લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. આમ તો FII છેલ્લા એકાદ વર્ષથી મહદંશે નેટ સેલર્સ રહ્યા હતા. બીજી બાજુ DIIના ભાગરૂપ મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે, ખાસ કરીને સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના માર્ગે રીટેલ ઇન્વેસ્ટર્સનો અવિરત પ્રવાહ માર્કેટમાં આવતો રહ્યો છે. અમેરિકાના ટૅરિફ-યુદ્ધના આરંભમાં કંઈક અંશે રોકાણકારોના માનસ પર નેગેટિવ અસર થઈ હતી, જેને લીધે SIP બંધ કરાવવાના કિસ્સાઓ બન્યા હતા. જોકે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ આ બાબતે રોકાણને વળગી રહ્યા હતા. આ રોકાણ FIIની જેમ બહુ વૉલેટાઇલ રહેતું નથી, બલકે વધુ સ્થિર રહે છે. DIIમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઉપરાંત પેન્શન ફન્ડ્સ અને વીમાકંપનીઓ પણ સક્રિય રહી છે, રીટેલ રોકાણકારો પરંપરાગત રોકાણસાધનોમાંથી ઇક્વિટી રોકાણ તરફ વળી રહ્યા હોવાનું પણ નોંધવું રહ્યું. 

FII કેમ નેટ બાયર્સ બન્યા

FIIનું નેટ બાયર્સ તરીકે સક્રિય થવા પાછળનું કારણ છે અમેરિકા સાથેના ટ્રેડ-કરાર ભારત માટે ફળદાયી રહેવાની આશા અને એને સમર્થન આપતા સંજોગો. અન્ય કોઈ પણ દેશોની તુલનાએ ભારત સાથે અમેરિકાને વેપારમાં વધુ રસ છે અને સાનુકૂળતા પણ છે. ચીન સાથે આમ પણ અમેરિકા તરફથી તકરાર ચાલુ છે. બીજી તરફ હાલ અમેરિકા અને ચીન બન્ને ઇન્ફ્લેશન તેમ જ મંદ વિકાસગતિનો સામનો કરી રહ્યાં છે. દરમ્યાન ટ્રેડ-યુદ્ધ મામલે હમણાં તો ટ્રમ્પે બાજી ફેરવી હોવાનું દેખાય છે, એમ છતાં આગળ શું નિર્ણય આવે છે એ કહેવું કઠિન છે. અલબત્ત, અમેરિકા સરકાર અને વિદેશી રોકાણકાર વર્ગ અત્યારે તો ભારત તરફ વધુ વળે એવા સંકેત અને સંજોગો જણાતા હોવાથી આ રોકાણપ્રવાહ ચાલુ રહેવાની આશા રાખી શકાય.

પ્રૉફિટ-બુકિંગમાં સમજદારી

ગયા સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ પુનઃ રિકવરી સાથે શરૂ થયું હતું અને સેન્સેક્સ ફરી વાર ૧૦૦૦ પૉઇન્ટ ઊછળીને ૮૦,૦૦૦ને પાર કરી ગયો હતો. મંગળવાર-બુધવાર સાધારણ રહ્યા, ગુરુવાર રજા રહી, પરંતુ અમેરિકામાં રિસેશન આવવાના ભય કે શંકાને પરિણામે શુક્રવારે માર્કેટમાં વૉલેટિલિટી જોરમાં રહી હતી, સેન્સેક્સ વધીને નોંધપાત્ર પ્રમાણમાં પાછો ફર્યો, પણ પૉઝિટિવ રહ્યો હતો. આમ હાલ એકદમ તેજીના તાલમાં આવી જવામાં જોખમ રહી શકે, સાવચેતીનો સમજણપૂર્વક ઉપયોગ જરૂરી બનશે. આ સમય પ્રૉફિટ-બુકિંગનો છે, કેમ કે હાલ લાંબા ગાળાની ચાલ નક્કી થાય એવું નથી. રોકાણકારોનું ધ્યાન હવે વૅલ્યુએશન અને કૉર્પોરેટ અર્નિંગ્સ પર રહેશે. વ્યાજદરમાં ક્યારે અને કેટલો કાપ મુકાય છે એના પર પણ નજર રહેશે. દરમ્યાન એપ્રિલમાં GST કલેક્શન રેકૉર્ડ સ્તરે પહોંચ્યું છે જે મજબૂત વપરાશ-માગને લીધે ૨.૪૬ લાખ કરોડ રૂપિયા થયું છે. આ બાબત પૉઝિટિવ સંકેત ગણાય. ચીનનો ઉત્પાદન ઇન્ડેક્સ ઘટ્યો છે, જ્યારે ભારતનો વધ્યો છે. આ બન્ને સંજોગો આર્થિક નીતિઓની ગતિવિધિ દર્શાવે છે.

લાર્જકૅપ સ્ટૉક્સ પર ધ્યાન

નિષ્ણાતો હાલ તો લાર્જકૅપ સ્ટૉક્સ પર જ વધુ ફોકસ રાખવાની સલાહ આપે છે, સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ મામલે બહુ સિલેક્ટિવ રહેવું જોઈશે. જોકે નવું એક્સપોઝર લેવું હોય તો હેવી કરેક્શનની રાહ જોવી રહી એમ જણાવતાં અનુભવીઓ કહે છે કે હાલના સંજોગો વૉલેટાઇલ અને જોખમી પણ ગણાય એવા છે. બજાર પાસે સ્થિરતાનો અભાવ કહી શકાય. આ સમયે બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સેક્ટરમાં પ્રૉફિટ-બુકિંગ કરવું જોઈએ. IT સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એનાં વૅલ્યુએશન દસ વર્ષની ઍવરેજની નીચે આવ્યાં છે, એમ છતાં એમાં સાવચેતી સાથે લાંબા ગાળાની ખરીદીનો વિચાર કરાય. યુદ્ધના માહોલને કારણે ડિફેન્સ સ્ટૉક્સમાં કરન્ટ છે, જે વધી પણ શકે. રિયલ એસ્ટેટમાં અને ફાર્મામાં વૃદ્ધિની આશા છે.

વિશેષ ટિપ

શૅરબજારે અનેક તેજી-મંદી, વિવિધ ક્રાઇસિસ અને યુદ્ધ પણ જોયાં છે, જેથી આપણે માર્કેટ કરતાં વધુ હોશિયાર બનવાની કોશિશ કરવી નહીં. કોઈ પણ ક્રાઇસિસના સમયે બજારને અને આપણા નિર્ણયોને સમજવાનો પ્રયાસ કરવો.

હવે યુદ્ધ એ જ કલ્યાણ કે લટકતી તલવાર?

ભારત-પાક બૉર્ડર પર ટેન્શન ચાલુ છે અને ટિક-ટિક કરી રહ્યું છે, કંઈક મોટો ધડાકો થશે એવી ધારણા વ્યકત થતી રહી છે. જેમ સમય જાય છે એમ મૂંઝવણ સાથે અનિ​શ્ચિતતા વધી રહી છે. વિવિધ સ્તરથી ધારણા વ્યક્ત થઈ રહી છે, ચર્ચા-અફવા અને સંકેતો ફરતા રહે છે. દેશ માટે આ વખતની ઘટના બહુ બધી રીતે અલગ અને અસાધારણ છે, જે પણ ઍક્શન લેવાશે એની અસરો પણ ગંભીર અને લાંબા ગાળાની હશે. આ સવાલ હવે આંતરરાષ્ટ્રીય પણ બન્યો કહી શકાય જેથી દેશે માત્ર એક નહીં, અનેકવિધ દૃષ્ટિએ વિચારવું પડશે. કોઈ પણ ગંભીર હુમલાને વિશ્વ અને માર્કેટ કઈ રીતે રીઍક્ટ કરશે એ હાલ કળવું કઠિન છે. ટૂંકા ગાળામાં કરેકશનની ધારણા છે, બાકી ભારતના સંભવિત આક્રમણ બાદ પરિણામની અસર માર્કેટની ચાલ નક્કી કરશે. આ પરિબળને ધ્યાનમાં રાખવું હાલના સમયમાં જરૂરી છે.

business news stock market national stock exchange bombay stock exchange share market goods and services tax united states of america donald trump jayesh chitalia