ડૉલર સામે રૂપિયો 76.87ની નવી નીચી સપાટીએ

17 April, 2020 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉલર સામે રૂપિયો 76.87ની નવી નીચી સપાટીએ

ભારતીય રૂપિયો

ભારતમાં કોરોના વાઇરસના કારણે આર્થિક પ્રવૃત્તિ બંધ છે. કેન્દ્ર સરકારની નાણાખાધ વધશે અને વિદેશી રોકાણ ભારત બહાર ખેંચાઈ રહ્યું હોવાથી ડૉલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ભારત માટે ક્રૂડ ઑઇલ સૌથી મોટી આયાત છે, એના ભાવ ૧૮ વર્ષની નીચી સપાટીએ હોવા છતાં વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલર અને સલામતી તરફની દોટના કારણે રૂપિયો ઘટી રહ્યો છે. ગઈ કાલે ડૉલર સામે રૂપિયો ૭૬.૭૫ની નવી નીચી સપાટીએ ખૂલ્યા પછી એ વધુ ઘટી ૭૬.૮૭ બંધ રહ્યો હતો. ગઈ કાલે ડૉલરસામે રૂપિયો ૪૩ પૈસા ઘટ્યો હતો અને ગઈ કાલની બંધ સપાટી ભારતીય ચલણ માટે ડૉલર સામેની સૌથી નીચી સપાટી છે.
ડૉલર સામે રૂપિયો નબળો પડે એટલે ભારતમાં આયાત મોંધી થાય છે અને નિકાસમાં ફાયદો થાય છે, પણ ભારતમાં નિકાસ કરતાં આયાત વધારે હોવાથી ભારતમાં ડૉલર સામે સતત ઘટી રહેલો રૂપિયો એક ચિંતાનું કારણ બની શકે છે. મોંઘી આયાતના કારણે ભારતમાં ફુગાવાની સ્થિતિ પણ આવી શકે છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં ડૉલર સામે રૂપિયો ૭૧.૩૮ની સપાટીએ હતો. આ ચાર મહિના જેટલા સમયમાં રૂપિયો ૫૪૯ પૈસા કે ૭.૭ ટકા જેટલો ઘટી ગયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં ડૉલર સામે રૂપિયો ૧૫૯ પૈસા કે ૨.૨૮ ટકા ઘટ્યો હતો.

એશિયાનાં ચલણમાં ઇન્ડોનેશિયાનો રૂપિયો ૧૧ ટકા, થાઇલૅન્ડનો બહાત ૮.૫૩ ટકા પછી ભારતીય ચલણ ડૉલર સામે સૌથી વધુ ઘટ્યા છે.

indian rupee business news