રૂપિયામાં ડૉલર સામે ૧૫ પૈસાનો ઘટાડો જોવા મળ્યો

18 January, 2023 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ તેલના વધતા ભાવ અને ડૉલરની મજબૂતાઈની અસર રૂપિયા ઉપર જોવા મળી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય રૂપિયામા ડૉલર સામે સરેરાશ ૧૫ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારમાં મોટા ભાગની કરન્સી નબળી હોવાથી ડૉલર મજબૂત બન્યો હતો, જેની અસર રૂપિયા ઉપર આવી હતી. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૮૦ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૧.૮૯૫૦ સુધી પહોંચીને દિવસનાં અંતે ૮૧.૭૭ પર બંધ રહ્યો હતો, જે આગલા સેશનમાં ૮૧.૬૨૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો.

ફૉરેક્સ ડીલરે જણાવ્યું હતું કે અમેરિકન ડૉલર સાત મહિનાની નીચી સપાટીથી ઉપર આવ્યો હતો. ક્રૂડ તેલના વધતા ભાવ અને ડૉલરની મજબૂતાઈની અસર રૂપિયા ઉપર જોવા મળી હતી. બીજી તરફ બૅન્ક ઑફ જપાનની બેઠક પહેલાં યેન ઝડપથી તૂટ્યો હતો, જેને પગલે ડૉલરને ટેકો મળ્યો હતો.

business news indian rupee