જંતરમંતરનો મામલો થાળે પડવાથી ઘટતું બજાર ૭૭૬ પૉઇન્ટ વધ્યું

28 July, 2026 10:00 AM IST  |  Mumbai | Anil Patel

સનફાર્મા માથે રિઝલ્ટ વચ્ચે ઑલટાઇમ હાઈ, ડિવીઝ લૅબમાં નવો ઊંચો ભાવ: માર્કેટકૅપમાં પાંચ લાખ કરોડનો વધારો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

બહેતર પરિણામ પાછળ તામિલનાડુ બૅન્ક વૉલ્યુમ સાથે ઑલટાઇમ હાઈ ઃ IT હેવીવેઇટ્સમાં ગણનાપાત્ર વધારો, વિપ્રો પ્રમાણમાં સુસ્ત ઃ તમામ સરકારી ખાતાંઓમાં યેલ-ટી વાપરવાના આદેશથી અૅન્ડ્રુયેલના શૅરમાં તેજી જોવાઈ ઃ થંગમયિલ જ્વેલર્સ, TBZ તથા સેન્કો  ગોલ્ડ નવા શિખરે, કલ્યાણ જ્વેલર્સ નરમ ઃ સનફાર્મા માથે રિઝલ્ટ વચ્ચે ઑલટાઇમ હાઈ, ડિવીઝ લૅબમાં નવો ઊંચો ભાવ ઃ માર્કેટકૅપમાં પાંચ લાખ કરોડનો વધારો નોંધાયો

ઈરાન-અમેરિકા વચ્ચેના ટકરાવમાં અલ્પવિરામ જેવી સ્થિતિના પગલે ૧૦૧ વટાવી ગયેલું બ્રેન્ટ ક્રૂડ ઘટી ૮૬ ડૉલર આસપાસ આવી ગયું છે. બીજી તરફ જંતરમંતર પર સરકાર સામે મેદાનમાં ઊતરેલી જેન-ઝીના આંદોલનને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મારફત થાળે પાડવામાં સરકાર સફળ થઈ છે. સરવાળે છેલ્લા પાંચ દિવસથી ઘસાતા જતા શૅરબજારને શાતા વળી છે. ડૉલર સામે ડૂબતો રૂપિયોય ગઈ કાલે ઉપરમાં ૯૫.૭૫ થઈ રનિંગમાં ૬૫ પૈસા જેવી મજબૂતીમાં ૯૫.૯૧ રહ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૪૯ પૉઇન્ટના ગેપ-અપ ઓપનિંગમાં ૭૬,૦૦૯ ખૂલી સોમવારે ૭૭૬ પૉઇન્ટ વધી ૭૬,૮૮૩૬ બંધ આવ્યો છે. આરંભથી અંત સુધી બજાર પૉઝિટિવ ઝોનમાં મક્કમ હતું, વધઘટની રેન્જ જોકે સાંકડી હતી. શૅરઆંક નીચામાં ૭૬,૫૧૮ અને ઉપરમાં ૭૬,૯૦૧ થયો હતો. સ્ટ્રોન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં ૨૨૫૯ શૅર વધ્યા છે, ૧૦૭૨ જાતો ઘટી હતી. માર્કેટકૅપ ૫.૦૬ લાખ વધીને ૪૮૦.૭૫ લાખ કરોડ થયું છે. 

સેન્સેક્સ-નિફ્ટીની એકાદ ટકા જેવા સુધારાની સામે ગઈ કાલે IT ઇન્ડેક્સ સવાબે ટકા, હેલ્થકૅર દોઢ ટકા, ઑટો દોઢ ટકા, FMCG એક ટકો, રિયલ્ટી સવાબે ટકા, નિફ્ટી મીડિયા ૨.૫ ટકા મજબૂત હતા. બૅન્ક નિફ્ટી ૩૯૪ પૉઇન્ટ કે ૦.૭ ટકા પ્લસ હતો. મેટલ તેમ જ કૅપિટલ ગુડ્સ પણ અડધો-પોણો ટકા જેવા સુધર્યા છે. ઝોમૅટો ફેમ એટર્નલ ત્રણ ગણા કામકાજે ૫.૬ ટકા ઊછળી ૨૯૬ના બંધણાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળકી છે તો ઇન્ડિદો પાંચેક ટકા કે ૨૪૬ રૂપિયા વધી ૫૨૩૧ બંધ સાથે સેકંડ બેસ્ટ ગેઇનર બની છે. ઇન્ફોસિસ ૩.૭ ટકા ઊંચકાઈ ૧૦૭૯ બંધમાં બજારને ૧૧૨ પૉઇન્ટ ફળી હતી. અન્ય IT હેવીવેઇટ્સમાં TCS ૧.૮ ટકા, HCL ટેક્નૉલૉજીઝ બે ટકા, ટેક મહિન્દ્રા ૦.૯ ટકા, લાટિમ કે લાર્સન માઇન્ડ ટ્રી ૨.૩ ટકા મજબૂત હતી. એક માત્ર વિપ્રો પોણો ટકો જેવી સુધરી છે. અન્યમાં બજાજ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, એશિયન પેઇન્ટ્સ ૨.૯ ટકા, મહિન્દ્રા અઢી ટકા, બજાજ ફીનસર્વ બે ટકા, સનફાર્મા ૧.૮ ટકા, મારુતિ સુઝુકી પોણાબે ટકા, મેક્સ હેલ્થકૅર ૩.૨ ટકા, આઇશર ૧.૯ ટકા, તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા વધી હતી. નિફ્ટી ખાતે ONGC ૪.૧ ટકા ગગડીને ટૉપ લુઝર બની છે. HDFC ૦.૪ ટકા તો HDFC લાઇફ ૦.૪ ટકા નરમ હતી. 

તમામ સરકારી મંત્રાલય તેમ જ સરકારી ખાતાંઓમાં યેલ-ટીનો ઉપયોગ કરવાના કેન્દ્રીય આદેશના પગલે સરકારની ૮૯.૨૫ ટકા માલિકીની અૅન્ડ્રુયેલનો શૅર બાવીસ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૦.૫૦ થઈ ૨૯.૫૮ બંધ થયો છે. તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્કે નેટ નફો ૩૦૫ કરોડની સામે ૪૧૧ કરોડ આપતાં ૯૧૫ની સર્વોચ્ચ સપાટીએ જઈ ૧૧.૨ ટકા ઊછળી ૮૯૩ રહી છે.

પુણેની પૂજા પ્રિસિશન ૩૦૧ના ભાવે આજે SME ઇશ્યુ કરશે
પુણેની પૂજા પ્રિસિશન એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૩૦૧ની અપર બેન્ડમાં કુલ ૧૬૦ કરોડનો BSE SME ઇશ્યુ આજે, મંગળવારે કરવાની છે. ઇશ્યુમાં માર્કેટમેકર્સ માટે ૮ કરોડના શૅરની ફાળવણી રખાઈ છે. QIB પોર્શન ૫૦ ટકા જેવો, રીટેલ પોર્શન ૩૫ ટકાનો છે. ૧૯૯૨માં સ્થપાયેલી આ કંપની એન્જિન, ડ્રાઇવર ટ્રેન, EV પાવર ટ્રેન તેમ જ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં વપરાતા અૅલ્યુમિનિયમ ડાઇ કાસ્ટિંગ્સ તથા પ્રીસિઝન મશીન્ડ કૉમ્પોનન્ટ્સ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૩૨ ટકા વધારામાં ૨૯૫ કરોડની આવક ઉપર ૨૯ ટકા વધારામાં ૩૦૯૦ લાખ નેટ નફો કર્યો છે. એક વર્ષમાં દેવું ૧૯૫૪ લાખથી તગડા વધારામાં ૪૧૧૬ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૧૦૬ કરોડ મૅન્યુફૅક્ચરિંગ યુનિટની સ્થાપનામાં તથા ૩૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૧૯૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૨૪૫ ચાલે છે. 
ગઈ કાલે જે બે SME ભરણાં ખૂલ્યાં છે અેમાં મુંબઈના માહિમ-વેસ્ટની પ્રોપશૉપ ઇવેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૬૯ની અપરબેન્ડમાં ૨૯ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં આઠેક ટકા સહિત કુલ ૪ ટકા તેમ જ રાજકોટની અૅડ્વાન્સ ટેકનોફોર્જનો ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવનો ૨૪ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ ૨૫ ટકા ભરાયો છે. અૅડ્વાન્સ ટેકનોફોર્જમાં ૯ રૂપિયા અને પ્રોપશૉપમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે. કેરલના ત્રિશૂર ખાતેની સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૩ના ભાવનો ૮૨ કરોડનો BSE SME IPO અત્યાર સુધીમાં કુલ ૯૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. ભરણું આજે બંધ થવાનું છે. 
મેઇન બોર્ડનાં ત્રણ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. ઇન્ડો-મીમનો એકના શૅરદીઠ ૪૮૫ના ભાવનો ૩૮૧૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭ ગણા સહિત કુલ ૭૫ ગણો, લોહિયા કૉર્પનો એકના શૅરદીઠ ૪૨૫ના ભાવનો ૧૧૦૧ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૭૫ ટકા સહિત કુલ સાડાત્રણ ગણો તથા એકસ્ટ્રાનેટ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૧૬૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં નવેક ગણા સહિત કુલ ૧૩ ગણો ભરાયો છે. હાલ ઇન્ડો-મીમમાં ૨૦૩ રૂપિયા, લોહિયા કૉર્પમાં ૮ રૂપિયા તથા એક્સ્ટ્રાનેટમાં ૯ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.

મજબૂત બજારમાં અમદાવાદી ગલ્ફ લૉઇડ્સનું નબળું લિસ્ટિંગ
SME સેગમેન્ટમાં અમદાવાદની ગલ્ફ લૉઇડ્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૬થી શરૂ થઈ ઉપરમાં ૨૫ થયા બાદ તૂટી એક રૂપિયો થઈ ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૧૦૦ ખૂલી ૯૫ બંધ થતાં અેમાં પાંચ ટકા લિસ્ટિંગ લોસ મળી છે. ૧૮ કરોડનું આ ભરણું રીટેલમાં ૧૮.૮ ગણા સહિત કુલ ૧૦.૯ ગણું ભરાયું હતું. રાજકોટની મેટાલિક ટેકનોફોર્જનું લિસ્ટિંગ આજે થવાનું છે. કુલ ૫૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૭ ગણા સહિત કુલ સાડાઆઠ ગણો છલકાયો હતો. મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતેની કેલિબર માઇનિંગ ૨૪.૭ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૨૮ બંધ થયા 
પછી ગઈ કાલે ૬૨૪ની નવી ટૉપ બતાવી પોણાદસ ટકા ઊછળી ૫૮૦ બંધ થઈ છે. 
નવી દિલ્હીથી હાર્ડવીન ઇન્ડિયા પાંચ શૅરદીઠ બે શૅરના બોનસમાં આજે બોનસ બાદ થશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૬.૪૫ થઈ અડધો ટકો સુધરી ૧૬ હતો. ફેસવૅલ્યુ એકની છે. કંપની જૂન ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૪ સુધીના ગાળામાં કુલ ત્રણ વખત અગાઉ બોનસ આપી ચૂકી છે. 
BSE લિમિટેડના પરિણામ ચોથી ઑગસ્ટે આવવાના છે. શૅર ગઈ કાલે ૦.૪ ટકા ઘટી ૩૫૩૭ હતો. MCXના રિઝલ્ટ પણ ચોથી ઑગસ્ટે છે. ભાવ પોણો ટકો સુધરી ૨૭૫૧ રહ્યો છે. NSDLના પરિણામ ૩૦મીએ છે. શૅર સવા ટકો વધી ૮૨૦ બંધ હતો.

રેકૉર્ડબ્રેક નેટ પ્રૉફિટમાં IDFC ફર્સ્ટ બૅન્ક ૮૯ નજીક નવી ટોચે 
ઝેન ટેક્નૉલૉજીઝે જૂન ક્વૉર્ટરમાં સાડાદસ ટકા ઘટાડામાં ૧૪૨ કરોડની આવક ઉપર ૨૭.૮ ટકાના ઘટાડામાં ૩૪૫૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૫૮૫ થઈ ૪.૯ ટકા ગગડી ૧૬૮૩ હતો. ફેસવૅલ્યુ એકની છે. IDFC-ફર્સ્ટ બૅન્ક તરફથી જૂન ક્વૉર્ટરમાં ૨૧ ટકાના વધારા સાથે ૫૯૭૨ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૧૩૨ ટકા વધારામાં ૧૦૭૫ કરોડ ચોખ્ખો નફો હાંસલ કરાયો છે. ભાવ ૮૯ નજીક નવી ટૉપ બતાવી પાંચ ટકા વધીને ૮૫ નજીક હતો. સિમેન્ટ કંપની બિરલા કૉર્પની ત્રિમાસિક આવક પોણાઆઠ ટકા વધી ૨૬૪૬ કરોડ થઈ છે પણ નેટ નફો સવાત્રણ ટકા ઘટીને ૧૧૬ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૯૦૨ થઈ ૫.૫ ટકા તૂટી ૯૦૪ હતો.
A.U. સ્મૉલ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જૂન ક્વૉર્ટરમાં ૩૨ ટકા વધી ૨૬૯૬ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૩૭ ટકા વધીને ૭૯૬ કરોડ નોંધાયો છે. NPA સહેજ વધી છે. શૅર ઉપરમાં ૧૦૬૨ થઈ ૫.૨ ટકા વધીને ૧૦૫૪ રહ્યા છે. દુડલા ડેરીની ત્રિમાસિક આવક ૧૯ ટકાના વધારામાં ૧૧૯૮ કરોડે પહોંચી છે, પરંતુ ચોખ્ખો નફો ૩૫.૪ ટકાના ગાબડામાં ૪૦૬૦ લાખ થયો છે. શૅર બે ગણા વૉલ્યુમે નીચે ૧૦૨૨ બતાવી ૧.૭ ટકા ઘટી ૧૦૩૫ હતો. પ્રુડેન્ટ કૉર્પોરેટની આવક સવાઅઢાર ટકા વધીને ૩૪૮ કરોડ તથા નેટ નફો ૪૪ ટકા વધીને ૭૫ કરોડ નજીક ગયો છે. શૅર ઉપરમાં ૩૦૨૯ થઈ સામાન્ય ઘટાડે ૨૮૫૩ રહ્યો હતો. સરકારની ૫૧.૧ ટકા માલિકીની NTPCની આવક જૂન ક્વૉર્ટરમાં પોણાઆઠ ટકા વધીને ૫૦,૭૪૧ કરોડ થઈ છે. નફો પોણાબાર ટકા વધી ૬૭૨૧ કરોડ થયો છે. બજારની એકંદર અપેક્ષા ૬૨૨૪ કરોડના ચોખ્ખા નફાની હતી. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૫૪ થઈ પોણો ટકો સુધરીને ૩૪૯ હતો. 
લોઢા ડેવલપર્સે જૂન ક્વૉર્ટરમાં ૪૩ ટકાના વધારામાં ૪૯૯૭ કરોડની આવક ઉપર ૧૦૩ ટકા વૃદ્ધિદર સાથે ૧૩૭૩ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૨૦૭ બતાવી સવાપાંચ ટકા વધી ૧૨૦૪ થયો છે. અગ્રણી સ્ટીલ કંપની સેઇલ દ્વારા ત્રિમાસિક ગાળામાં સવા ટકાના વધારામાં ૨૬,૨૪૬ કરોડની આવક ઉપર ૧૩૮ ટકાના તગડા વધારામાં ૧૬૩૬ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ઉપર ૧૬૬ થઈ પોણો ટકો વધી ૧૬૩ રહ્યો છે. DCB બૅન્કે ૧૭.૭ ટકા વધારામાં ૬૮૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૩૫.૫ ટકા વધારામાં ૨૧૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ઉપર ૨૦૪ જઈ ૨.૮ ટકા વધી ૧૯૧ હતો.

ડૉ. લાલ પૅથલૅબ્સ પરિણામ પાછળ નવા બેસ્ટ લેવલે

કલ્યાણ જ્વેલર્સમાં અગ્રણી મ્યુચ્યુઅલ ફન્ડ બજાર ભાવથી ૮-૧૦ ટકા ડિસ્કાઉન્ટમાં પાંચ કરોડ શૅર બ્લૉક ડીલ મારફત વેચવાની વેચરણમાં હોવાના અહેવાલ પાછળ ભાવ ૫૮૫ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૫૬૩ થઈ દોઢ ટકો ઘટી ૫૬૫ બંધ આવ્યો છે. કેફીન ટેક્નૉલૉજીની આવક ૩૦ ટકા વધી ૩૫૭ કરોડ થઈ છે, પરંતુ નેટ નફો પોણાત્રણ ટકા ઘટીને ૭૫૨૦ લાખ નોંધાયો છે. આમ છતાં ભાવ છ ગણા કામકાજે ઉપરમાં ૯૫૫ થઈ સાડાદસ ટકા ઊચકાઈ ૯૪૯ થયો છે. સિગ્મા અૅડ્વાન્સ્ડ સિસ્ટમ્સને નૉર્થ અમેરિકન ક્લાયન્ટ તરફથી ૧૦૧૩ કરોડનો આર્ટિલરી સેલ્સ સપ્લાય કરવા માટેનો ઑર્ડર મળ્યો છે. શૅર પાંચ ટકાની ઉપલી સિર્કિટમાં ૫૪૭ વટાવી બંધ રહ્યો છે. ડૉ. લાલ પૅથલૅબ્સ દ્વારા ૧૯ ટકા વધારામાં ૭૯૮ કરોડની આવક ઉપર ૨૭.૨ ટકા વૃદ્ધિદરથી ૧૭૦ કરોડના ચોખ્ખા નફા સાથે ધારણા કરતાં બહેતર પરિણામ રજૂ થયાં છે. નોમુરાએ ૨૦૮૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે લેવાની ભલામણ જારી કરી છે. અેમાં શૅર પાંચ ગણા કામકાજમાં ૧૮૯૩નું નવું શિખર દેખાડી ચાર ટકાની મજબૂતીમાં ૧૮૨૬ થયો છે. 

અનિલ અંબાણી ગ્રુપ ઉપર રેગ્યુલેટરી તેમ જ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓના વધતા સકંજાની સાથે ગ્રુપ કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત ખરાબી સાથે ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૦.૪૩ના નવા મલ્ટિયર તળિયે જઈ પાંચ ટકા ગગડી ત્યાં જ રહ્યો છે. ભાવ લગભગ વર્ષ પૂર્વે, ૨૧ જુલાઈના રોજ ૩૯૨ હતો. રિલાયન્સ પાવર સવા ટકો ઘટી ૨૪ નજીક રહી છે. થંગમયિલ જ્વેલરી ૭૩૪૩ની લાઇફ ટાઇમ હાઈ બનાવી સાડાપાંચ ટકા ઊછળી ૭૨૮૪ થઈ છે. TBZ ઉપરમાં ૨૮૩ બનાવી આઠ ટકા વધી ૨૮૦ હતી. સેન્કો ગોલ્ડ ૧૦ ગણા વૉલ્યુમે ૪૩૦ની નવી ટોચે જઈ ૪૧૮ હતી તો સ્કાય ગોલ્ડ પોણાત્રણ ટકાના જમ્પમાં ૬૬૯ થઈ છે. 

business news nifty sensex share market stock market bombay stock exchange national stock exchange