દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ માર્ચ ક્વૉર્ટરમાં ૧૯ ટકા ઘટી

28 April, 2023 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના મોબાઇલની નિકાસમાં મોટો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં સ્માર્ટફોનની નિકાસમાં ૧૯ ટકાનો ઘટાડો થયો હતો. આ ક્વૉર્ટરમાં નિકાસ ઘટીને કુલ ૩૧૦ લાખ યુનિટની થઈ હતી, એમ માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપૉઇન્ટે ગુરુવારે જણાવ્યું હતું.

દેશમાંથી ૩૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના મોબાઇલ ફોનની નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે પ્રીમિયમ અને અલ્ટ્રા પ્રીમિયમ શ્રેણીના શિપમેન્ટમાં ૬૦થી ૬૬ ટકાનો વધારો નોંધાયો હતો.

ભારતની સ્માર્ટફોન માર્કેટ દ્વારા જોવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી વધુ ક્વૉર્ટરલી ઘટાડો હતો. એ ઉપરાંત સતત ત્રીજો ત્રિમાસિક ઘટાડો હતો. ૨૦૨૨થી સુસ્ત માગ, ઉચ્ચ ઇન્વેન્ટરી બિલ્ડ-અપ, આધુનિક ફોન્સ માટે વધતી જતી ગ્રાહક પસંદગી અને બજારના નિરાશાવાદી વલણને કારણે ઘટાડો થયો છે એમ કાઉન્ટરપૉઇન્ટના માર્કેટ મૉનિટર સર્વિસ રિપોર્ટમાં જણાવાયું છે.
કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં 5G સ્માર્ટફોનનું યોગદાન ૪૩ ટકાના રેકૉર્ડ સુધી પહોંચ્યું છે. ૨૦ ટકા હિસ્સા સાથે સૅમસંગે સતત બીજા ક્વૉર્ટરમાં ભારતીય સ્માર્ટફોન માર્કેટનું નેતૃત્વ કર્યું. એ ટોચની 5G બ્રૅન્ડ પણ હતી.

business news