ચોખાની નિકાસ સતત બીજા વર્ષે નવી ટોચે પહોંચશે

05 May, 2023 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીતેલા વર્ષમાં ૨૦ ટકાની નિકાસ ડ્યુટી છતાં નિકાસ ઑલટાઇમ હાઈ : વૈશ્વિક ચોખાના વેપારમાં ભારતનો ૪૫ ટકા હિસ્સો, કોઈ બરાબરી ન કરી શકે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાંથી નૉન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં વિક્રમી સપાટીએ પહોંચે એવી ધારણા છે. વિતેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ચોખાની નિકાસ પર ૨૦ ટકાની નિકાસ ડ્યુટી હોવા છતાં નિકાસ વૉલ્યુમ અને વૅલ્યુની દૃષ્ટિએ નવી ઊંચાઈએ પહોંચી હતી.

બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને અન્ય ચોખા પર ૨૦ ટકાની ડ્યુટી છતાં એશિયન દેશોમાં બંગલાદેશ અને ચાઇનાની મોટી આયાતને પગલે કુલ નૉન-બાસમતી ચોખાની નિકાસ ૧૭૭.૮ લાખ ટને પહોંચી હતી અને મૂલ્યની રીતે દેશને ૬.૩૫ અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થયું છે. દેશમાંથી અગાઉના વર્ષમાં નૉન-બાસમતી ચોખાની ૧૭૨.૬ લાખ ટન અને મૂલ્યની રીતે ૬.૧૨ અબજ ડૉલરની નિકાસ થઈ હતી. નૉન-બાસમતી અને બાસમતી ચોખાની મળીને કુલ નિકાસ ૨૦૨૨-૨૩માં ૨૨૨.૮ લાખ ટનની થઈ છે,જ્યારે મૂલ્યની રીતે ૧૧.૧૩ અબજ ડૉલરની નિકાસ થઈ છે.

દેશમાંથી પરંપરાગત બાયરો ઉપરાંત અન્ય દેશોની માગ પણ સારી હતી. આફ્રિકન દેશોમાં બેનિમ, સેનેગેલ જેવા દેશોની માગ પણ સારી હતી. આ ઉપરાંત બંગલાદેશ, ચીન, નેપાલ અને વિયેતનામની ખૂબ સારી માગ હતી.

બેનિમ જેવા દેશે ૧૫.૫ લાખ ટન નૉન-બાસમતી ચોખાની આયાત કરી હતી, જે અગાઉના વર્ષ દરમ્યાન ૧૫.૨ લાખ ટનની કરી હતી. કોટેડિવોઇરી નામના દેશે ૧૨.૧ લાખ ટનની ખરીદી કરી છે, જે અગાઉના વર્ષે ૯.૩ લાખ ટનની ખરીદી કરી હતી. સેનેગલે ૧૩.૩ લાખ ટનની આયાત કરી છે, જે અગાઉના વર્ષે ૧૦.૯ લાખ ટનની કરી હતી.

ચાઇનાની ખરીદી ઘટીને ૧૫ લાખ ટનની રહી હતી, જે અગાઉના વર્ષે ૧૬.૩ લાખ ટનની રહી હતી. બંગલાદેશે ખરીદી અડધી કરીને ૮.૪ લાખ ટનની કરી છે, જે અગાઉના વર્ષે ૧૬.૨ લાખ ટનની ખરીદી કરી હતી. વિયેતનામે ૬.૪ લાખ ટનની ખરીદી કરી હતી.

ટ્રેડરો કહે છે કે પાકિસ્તાનમાં ચોખાનો પાક ઓછો થયો હોવાથી ભારતીય બજારને એનો મોટો ફાયદો થયો હતો અને ભારતીય ચોખાની નિકાસ વધી હતી.

ઑલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટ્સ અસો.ના પ્રમુખ બી.વી. ક્રિષ્નારાઉએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ દરમ્યાન પણ ચોખાની નિકાસ વૅલ્યુ અને વૉલ્યુમ બન્ને રીતે જળવાઈ રહે એવી ધારણા છે. ભારતીય ચોખાના સપ્લાયરની બરાબરી હાલ બીજો કોઈ દેશ કરી શકે એમ નથી. વૈશ્વિક ચોખાના વેપારમાં ભારતનો હિસ્સો ૪૫ ટકા જેટલો રહેલો છે. ભારતે નિકાસ પર નિયંત્રણો મૂક્યાં હોવા છતાં ભારતીય ચોખાની માગ સારી છે.

દેશમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૨૦ લાખ ટન ચોખાની નિકાસ થઈ ત્યારે ભારતને ૧૦ અબજ ડૉલર મળ્યા હતા, જ્યારે ગયા વર્ષે ૧૧ અબજ ડૉલરની આવક થઈ છે. મૂલ્યમાં વધારો થવાનું કારણ નિકાસ પરની ડ્યુટી છે.

અલ-નીનોની આગાહી છે, પંરતુ ચોખાના વાવેતર કે ઉત્પાદન પર કોઈ અસર થાય એવું હાલ લાગતું નથી અને ચોખા-ડાંગરનો પાક સારો જ થશે.

business news commodity market