13 May, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમણીક છેડા, શંકર ઠક્કર
ભારતે શરૂ કરેલા ઑપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે દેશની જનતામાં ભય ફેલાયો છે કે આવી પરિસ્થિતિમાં દેશમાં અનાજની અછત સર્જાશે. એને લીધે લોકો અનાજનો સંગ્રહ કરવાનું વિચારી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર અન્ય લોકોને કટોકટીમાં અનાજ સંગ્રહ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જોકે આપણા દેશમાં અનાજ, કઠોળ કે તેલ-તેલીબિયાં કે મસાલામાં કોઈ અછત નથી એવા દાવા સાથે લોકોને અનાજ કે તેલનો સંગ્રહ નહીં કરવાનો અનાજના વેપારીઓએ અનુરોધ કર્યો છે.
આ અનુરોધ કરતાં ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણા દેશના કોલ્ડ સ્ટોરેજ અને પોર્ટ પરનાં ગોદામ અનાજ અને કઠોળથી છલકાઈ રહ્યાં છે તેમ જ અનાજ, કઠોળ, દાળ તેમ જ તેલીબિયાંનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે. ગુજરાતમાં રાજ્ય સરકારે ખરીદેલાં મગફળી, સોયાબીનનાં ગોદામોમાં ભૂરપૂર સ્ટૉક છે. આથી લોકો ગભરાટમાં આવીને અનાજ, કઠોળ, દાળ કે તેલનો સંગ્રહ કરવા ખરીદી ન કરે, કેમ કે મોંઘવારીના હિસાબે ઉપભોક્તા મંત્રાલય અને કૃષિ મંત્રાલયે સમયસર બધી વ્યવસ્થા કરી રાખી હોવાથી અને ચોખામાં વધુ સ્ટૉકના હિસાબે સરકારે બાયોડીઝલ અને દારૂની ફૅક્ટરીમાં ચોખા આપવા પડ્યા છે. આવી જ રીતે જાડાં ધાન્યો મકાઈ, જુવાર, બાજરી, રાગી વગેરેમાં પણ સંતોષજનક સ્ટૉક હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી. અત્યારે સરકાર દેશની સીમા પર રક્ષા કરવામાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ કટોકટી ન સર્જાય એ જોવામાં બિઝી છે. દેશનો વેપારઉદ્યોગ પણ પૂરી રીતે આ કટોકટીમાંથી પાર ઊતરવા સરકારની સાથે હંમેશની જેમ અત્યારે પણ ઊભો છે. અત્યારે સરકાર ફક્ત બહુરાષ્ટ્રીય કંપનીઓ એક્સપોર્ટ વધુ ન કરે એના પર ફક્ત ધ્યાન રાખે એ જરૂરી છે. બાકી તો દરેક જીવનાવશ્યક ચીજવસ્તુઓ નજીકના ભવિષ્યમાં અછત ન હોવાથી જનતા અને દુકાનદારો જરૂરી હોય એટલી જ ખરીદી કરે.
આ સંદેશ ફક્ત સૂચના નથી, દરેક સાચા દેશભક્ત વેપારી માટે એક કર્તવ્યની પોકાર છે એમ જણાવતાં અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે દેશની જનતાને અને વેપારીઓને અપીલ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે આપણો દેશ યુદ્ધની રાહ પર છે. આપણા જાંબાઝ સૈનિકો જંગના મેદાનમાં તેમની બહાદુરી બતાવી રહ્યા છે. જે રીતે સૈનિકો સરહદ પર તેમનો મોરચો સંભાળી રહ્યા છે એવી જ રીતે દેશના વેપારીઓ દેશનો આર્થિક મોરચો સંભાળે છે. આજે દેશ પર આવી પડેલી વિપદાની ઘડીઓમાં વેપારીઓની ફરજ બને છે કે આપણે પણ દેશની સેવામાં જોડાઈએ. આપણે નાગરિકો સુધી જીવનજરૂરિયાતની અને એમાં પણ મુખ્યત્વે ખાવાપીવાની વસ્તુઓની અછત સરજ્યા વગર સમયસર પહોંચાડવાની અહમ ભૂમિકા ભજવીએ. દેશમાં ખાવાપીવાની વસ્તુઓના ભંડાર ભરેલા છે. કોઈ પણ વેપારી બેજવાબદાર બનીને કટોકટીનો ગેરલાભ લઈને નફો કમાવાની અપેક્ષાએ માલનો સ્ટૉક કરવાનો કે અછત સર્જવાનો પ્રયાસ ન કરે. આવા વેપારીઓ સામે સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકવાની પૂરેપૂરી શક્યતા છે. આથી અમારી સર્વે વેપારીઓ, ઇમ્પોર્ટરો, રિફાઇનરીઓ, મિલો, મૉડર્ન ટ્રેડ કંપનીઓ, ઑનલાઇન કંપનીઓ કે રીટેલરોને વિનંતી છે કે તેઓ તન, મન અને ધનથી દેશના નાગરિકોને સાથસહકાર આપીને દેશ પ્રત્યેનું ઋણ ચૂકવે.’